ડ્રગ્સ મામલે અમદાવાદ CPનો ઇન્ટરવ્યુ:અમદાવાદમાં નાની ક્વોન્ટીટીમાં થાય છે ડ્રગ્સ ડીલ, આ પેંતરો અજમાવી પેડલર પોલીસને આપે છે થાપ, નેટવર્કમાં ઘૂસવું મુશ્કેલ

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • ડ્રગ્સનું વેચાણ થાય છે એવા સિંધુભવન રોડ, એસપી રિંગ રોડ આસપાસના કેટલાક સ્પોટ આઇડેન્ટિફાઇ કર્યા
  • યુવા પેઢી-વિદ્યાર્થીઓમાં ડ્રગ્સનું દૂષણ અટકાવવા તેમનાં માતા-પિતાની ભૂમિકા સૌથી મહત્ત્વનીઃ શ્રીવાસ્તવ

અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે. બોપલના વંદિત પટેલ ડ્રગ્સકાંડ બાદ પોલીસ સતત ડ્રગ્સ-પેડલરો અને નબીરાઓ પર નજર રાખી રહી છે. શહેરમાં નશાખોરીની માયાજાળનાં મૂળિયાં ઊંડાં ઊતરી ગયાં છે. માલેતુજાર યુવાનો અને યુવતીઓ આ વિષચક્રમાં ફસાઈ રહ્યાં છે. માત્ર એટલું જ નહીં, યુવતીઓ નશો કરવા પૈસાના સ્ત્રોત સમાપ્ત થઈ જાય તો તેમનું શારીરિક શોષણ પણ કરવામાં આવે છે.

શહેરમાં ડ્રગ્સ કેવી રીતે ઘુસાડવામાં આવે છે અને સંડોવાયેલા લોકોને કેવી રીતે શોધવામાં આવી રહ્યા છે એ અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. એમાં તેમણે ડ્રગ્સ નેટવર્કના નવા સ્પોટથી લઈ આ નેટવર્કને ખતમ કરવાના પ્લાન અંગે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કરઃ અમદાવાદમાં ડ્રગ્સનુ પ્રમાણ વધ્યું છે, લોકો વધુ ડ્રગ્સ લઇ રહ્યા છે તમે કયા સ્પોટ નક્કી કર્યા છે અને શું કરવા માગો છો?

સંજય શ્રીવાસ્તવઃ અમદાવાદમાં પહેલાં શાહપુર અડ્ડા, પટવાશેરી જેવા વિસ્તાર વધારે કુખ્યાત હતા, જ્યાં ડ્રગ્સનું વેચાણ વધુ થતું હતું. પહેલાં ચરસ ચાલતું હતું અને ગાંજો પણ વેચાતો હતો, પરંતુ હાલ સિન્થેટિક ડ્રગ્સ વધારે વેચાય છે, લોકો સિન્થેટિક ડ્રગ્સ વધુ લઇ રહ્યા છે. એમાં આજે પટવાશેરી અને શાહપુરમાં થોડા પ્રમાણમાં છે એની સાથે નવા સ્પોટ સામે આવ્યા છે. એમાં સિંધુભવન રોડ, ભંડેરીપોળ, એસપી રિંગરોડ આસપાસના કેટલાક સ્પોટ, બોમ્બે હોટલ, ફૈઝલ પાર્ક વિસ્તાર આઇડેન્ટિફાઇ કર્યા છે, જ્યાં ડ્રગ્સ મળવાના ચાન્સ વધારે હોય છે, ત્યાં પેડલર પર નજર રાખી રહ્યા છીએ અને તેમની પર કડકમાં કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી દીધી છે.

દિવ્ય ભાસ્કરઃ અમદાવાદમાં ડ્રગ્સનું રેકેટ કઇ રીતે ચાલે છે અને તમારી તપાસમાં શું સામે આવ્યું છે, તમારો પ્લાન શું છે?

સંજય શ્રીવાસ્તવઃ ડ્રગ્સ-પેડલર અને બીજા ગુનેગારમાં ખૂબ અંતર છે. આ ડ્રગ્સ-પેડલર ખૂબ નજીકના ગ્રુપમાં ક્લોઝ નેટવર્કમાં કામ કરે છે. તેમની સિસ્ટમમાં ઘૂસવામાં થોડી તકલીફ પડે છે. આ લોકો ઓળખીતાને ડિલિવરી આપતા નથી, તેમના પરિચિત કોન્ટેક્ટ વગર ડિલિવરી થતી નથી. એટલે ડેફિનેટલી અમને એ નેટવર્ક સુધી પહોંચવા માટે મુશ્કેલી પડે છે. એ માટે અમારે એ રેકેટમાં ઊતરવા અમારે પેનીટ્રેટ કરવું પડે છે.

આ પણ વાંચોઃ અમદાવાદના બિલ્ડરો-ઉદ્યોગપતિઓ એસ્કોર્ટ ગર્લ સાથે ડ્રગ્સ મગાવતા

ઘણીવાર બાતમીદારો મારફત યુવાનોની સાથે જે આ રેકટમાં સામેલ હોય, પણ હવે બહાર નીકળવા માગતા હોય તેમની મદદ લેવામાં આવે છે. ઘણી વખત સારા ઘરના લોકો અમારી પાસે આવે છે, જેઓ અમને કહે છે, મને બચાવો. તેમના પાસેથી પણ ઇન્ફોર્મેશન મળે છે. એના આધારે અમે તેમના નેટવર્કમાં ઘૂસીએ છીએ, પછી પેડલર કોણ છે એ જાણીને રેકેટને વિથ ડ્રગ્સ પકડવા પ્રયાસ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કરઃ લોકો અંડર કવર પોલીસ માટે કામ કરવાના છે, તેમને કઇ રીતે પોલીસ ટ્રેન કરશે?

સંજય શ્રીવાસ્તવઃ જે પોલીસ એન્ટી ડ્રગ્સ કેમ્પેનમાં કામ કરે છે એ સામાન્ય રીતે સિવિલ ડ્રેસમાં કામ કરે છે. એ ટીમ પોતાના સોર્સ ડેવલપ કરે છે. આ સોર્સને પોલીસની સાથે અને દૂર રહીને કઇ રીતે કામગીરી કરવી એ અંગે સમજાવવામાં આવે છે. સોર્સ કે અંડર કવર લોકોને સુરક્ષા આપવામાં આવે છે તેમજ તેને ડ્રગ્સ કઈ રીતે મગાવવુ કઈ રીતે તેમની સાથે ડીલ કરવી અને કઈ રીતે આરોપીને ડ્રગ્સ સાથે પકડવા એ અંગે માહિતી આપવમાં આવે છે. કઈ રીતે કામગીરી કરવી અને શું કરવું એની ટ્રેનિંગ આપીએ છીએ.

ઘણી વખત પોલીસ રેડની ખબર પડી જાય, ત્યારે તે એલર્ટ થઇ જાય છે, કારણ કે આજકાલ નાની ક્વોન્ટિટીમાં ડ્રગ્સ ડીલ થાય છે ત્યારે ડ્રગ્સ નીચે નાખી દે છે અથવા ડિસ્ટ્રોય કરી નાખે છે. ઘણી વખત ડ્રગ્સ નીચે માટીમાં પડી જાય તો એને અલગ કરી શકાતું નથી એટલે પેડલર પોતે બચવા માટે કંઈપણ કરી શકે છે. એટલા માટે અમે અમારા માણસને ટ્રેઇન કરીએ છીએ.

દિવ્ય ભાસ્કરઃ તમારી પાસે ઘણી મહિલા ઓફિસર છે, તે કઈ રીતે ડ્રગ્સ રેકેટ કંટ્રોલ કરવામાં મદદ કરી શકે એ અંગેનો કોઇ પ્લાન છે?

સંજય શ્રીવાસ્તવઃ પોલીસ વિભાગમાં પહેલાં મહિલાઓની સંખ્યા ઓછી હતી, હવે ધીમે ધીમે વધી રહી છે. અમદાવાદ શહેરમાં 11 ટકા મહિલા પોલીસની સ્ટ્રેન્થ છે. સિનિયર લેવલમાં પણ અમારી પાસે ડીસીપી કક્ષાના અધિકારીઓ છે. જ્યારે ડ્રગ્સ ડીલના રેકેટનો પર્દાફાશ કરવામાં મહિલાઓને ઇન્વોલ્વ કરીએ છીએ. તેમની પાસે ખાસ સ્કિલ હોય છે, તેઓ ડ્રગ્સ લેનારી યુવતીઓ સાથે સારી રીતે વાત કરી શકે છે, તે જે કરી શકે છે એવું કોઈ કરી શકતા નથી. લેડી ઓફિસર કોઈ પુરુષથી ઓછી નથી. તે પુરુષ સમોવડું કામ કરી શકે છે. ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે તે ખૂબ સારું કામ કરી રહી છે. જે યુવતીઓ આમાંથી બહાર આવા માગે છે તેમની સાથે ખૂબ સારી રીતે ડીલ કરી શકે છે.

દિવ્ય ભાસ્કરઃ ડ્રગ્સમાં સંડોવાયેલા મોટાં માથાંને પકડવા પોલીસ શું કરી રહી છે?

સંજય શ્રીવાસ્તવઃ અમદાવાદના 7 મોટા ડ્રગ્સ-ડીલરની અમે ધરપકડ કરી લીધી છે તે તમામ હાલ જેલના સળિયા પાછળ છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હવે જે પણ છે એ પેડલર છે. પેડલર થોડા થોડા પ્રમાણમાં ડ્રગ્સ રાખે છે, તેમને પકડવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

થોડા સમય પહેલાં અમે સિંધુભવન પાસેથી પેડલરની ધરપકડ કરી છે. હવે અમારું ફોકસ પેડલર પર છે, કારણ કે મોટા ડીલર હાલ જેલમાં છે. અમારી સામે સમસ્યા એવી છે કે પેડલર ખૂબ વધારે પ્રમાણમાં છે. આ પેડલર બાળકોથી લઈ યુવાઓ સુધી પહોચી શકે છે, જે ખૂબ ખતરનાક છે, કારણ કે જેનાથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે. એ દિશામાં અમે ખૂબ ગંભીરતાથી કામ કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કરઃ પોલીસ કમિશનર તરીકે તમે માતા-પિતાને શું કહેવા માગો છો અને શું ખાતરી આપવા માગો છો?

સંજય શ્રવાસ્તવઃ જ્યાં સુધી સ્ટુડન્ટની વાત છે ત્યાં સુધી અમે વિદ્યાર્થીઓ સાથે વેબીનાર કર્યો હતો. થોડો સમય ઓફ લાઇન પણ સંપર્ક કર્યો હતો. હાલ વેકેશન છે, પણ જ્યારે સ્કૂલ -કોલેજ ખૂલશે ત્યારે અમે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાના છીએ. બાળકો સૌથી વધારે પ્રભાવમાં આવી જતા હોય છે. ડ્રગ્સ-પેડલર તેમનો સંપર્ક કરતા હોય છે.

અમે આ વખતે વિદ્યાર્થીઓ સાથે કન્વર્ઝેશન કરવા માગીએ છીએ, તેમને ડ્રગ્સવિરોધી માહિતી અને એની અસર વિશે સમજાવવા માગીએ છીએ. એનાથી અમને પણ માહિતી મળશે, આખી ચેનલ પણ સામે આવશે. એક કોમ્યુનિકેશન ચેનલ શરૂ થવાથી અમને માહિતી પણ મળશે અને રેકેટ સુધી પહોંચી શકાશે.

આજકાલ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ફેમિલી વચ્ચે કોમ્યુનિકેશન ગેપ વધ્યો છે. ઘણી જગ્યાએ બાળકોનું કામ સિવાય કોમ્યુનિકેશન પણ રહ્યું નથી, એનું અલગ અલગ કારણ છે, હું બધાને રિક્વેસ્ટ કરું છું કે પોતાનાં બાળકો સાથે માતા-પિતાએ કોમ્યુનિકેશન રાખવું જોઇએ. નાની નાની વાત હોય છે, જ્યાં માતા-પિતા તેમના ગાઇડ બને છે. બાળક જેવો મેઇન ટ્રેકથી હટ્યો, માતા-પિતા તેમને સંભાળી શકે છે.

બાળકોનું બિહેવિયર એબ્નોર્મલ થવા લાગે એટલે કે તે નોર્મલથી અલગ હોય, જેમ કે બાળક એકલા રહેવા લાગ્યો હોય આઇસોલેશનમાં રહેવા લાગ્યો હોય ત્યારે કંઇક ગરબડ છે. આ એક વોર્નિંગ સિગ્નલ છે, ત્યારે માતા-પિતા બાળક સાથે વાત કરે તેમના મિત્રો સાથે વાત કરે અથવા ભાઇ-બહેન સાથે વાત કરશે તો તેમની માહિતી મળશે. ત્યારે અમે તેમને જે મદદની જરૂર હશે એ આપી શકીએ છીએ.

આ પણ વાંચોઃ મોભાદાર પરિવારની યુવતીઓને ફસાવી ડ્રગ્સ ડીલરો દેહવેપાર કરાવે છે

માતા-પિતાને એટલી વિનંતી છે કે બાળકો સાથે કોમ્યુનિકેશન રાખે અને કોઇ વસ્તુની ખબર પડે તો પોલીસનો સંપર્ક કરે. અમારી પાસે 1908નો નબર છે, તેના પર ફોન કરીને અમને માહિતી શેર કરો. જો અમને પેડલર કે ડીલરની માહિતી શેર કરશે તો અમે તેમની મદદ કરીશું.

દિવ્ય ભાસ્કરઃ કોઈ તમને ડ્રગ્સની માહિતી આપે તો તેમની આઇડેન્ટિટી રિવિલ ન થાય એનું તમે ખાતરી આપો છો?

સંજય શ્રીવાસ્તવઃ હા, ચોકકસ. 1908નો હેતુ જ એ છે, જેમાં તમારી આડેન્ટિટી રિવિલ ન થાય એ જ હેતુ હોય છે. તમે માહિતી આપો, અમને તમારી આઇડેન્ટિટી નહીં, પણ માહિતીમાં રસ છે, એના આધારે અમારી ટીમ કામ કરે છે. તમારા વિશે પણ જાણવાની કોશિશ નહીં કરે. તમે કોઈ પોલીસ ઓફિસરનો સંપર્ક કરો તોપણ તે તમારી મદદ કરશે, તેઓ તમારી આડેન્ટિટી રિવિલ નહિ કરે. તમે અને અમે સાથે મળીને નાર્કોટિક્સ વિરુદ્ધ કામ કરી શકીશું.

અમદાવાદમાં ઝડપાયેલા 7 મોટા ડ્રગ્સ-ડીલર

  1. મહમ્મદ ફિરોઝ, કારંજ
  2. શાહનવાઝ ઉર્ફે શાનુ, શાહપુર
  3. રવિ દંતાણી, વાસણા
  4. ડાહ્યા કરશન ભાટી, વાસણા
  5. વેલનકની દાસ ક્રિશ્ચયન, રાણીપ
  6. પ્રેમચંદ તિવારી, વિઠ્ઠલનગરનો ટેકરો
  7. મોહંમદ શેખ, શાહપુર
અન્ય સમાચારો પણ છે...