રાજ્યમાં તાઉ-તે વાવાઝોડા બાદ થયેલા નુકસાનની ભરપાઈમાં સરકાર દ્વારા ચૂકવાયેલ સહાયમાં વિસંગતતા કરાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આજે ગાંધીનગર વિધાનસભા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષ પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક શરૂ થઈ હતી. બેઠક બાદ બાદ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણા યોજાયા હતા. જો કે કાર્યક્રમને મંજૂરી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પરેશ ધાનાણીને માથામાં ઈજા થઈ હતી. જ્યારે 26 જેટલા ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી.
પરેશ ધાનાણીને માથામાં ઈજા
કોંગ્રેસ દ્વારા તાઉ-તે વાવાઝોડા દરમિયાન માછીમારોને પૂરતું વળતર ન અપાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના માટે સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહ્યા હતા. પરેશ ધાનાની, અમિત ચાવડા અને અન્ય કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા સંકુલમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ભેગા થવાના હતા. તે પહેલાં જ પોલીસ આવી અને બધાને રોક્યા ત્યારે ઝપાઝપી થઈ. જેમાં પરેશ ધાનાનીને ઇજા થઈ હતી જ્યારે અન્ય તમામને પોલીસે ડિટેઇન કર્યા હતા.
તાઉ-તેના અસરગ્રસ્તોને સહાય આપવામાં ભેદભાવનો આક્ષેપ
કોંગ્રેસના ધારાસભ્યો તથા કાર્યકરો દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ બેનર પર સરકાર વિરોધી સૂત્રો લખીને વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ વિશે ગેનીબેને કહ્યું કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને વિરોધ કરી રહ્યા છીએ. સરકાર તાઉતેના અસરગ્રસ્તોને સહાય આપવામાં વ્હાલા દવલાની નીતિ રાખે છે. જેને મળવુ જોઈએ તેને મળતુ નથી. વળતરમાં પણ ભેદભાવ રાખે છે. તાઉતેમાં જેમને નુકસાન થયુ હતું તેમને વળતર આપ્યુ નથી. તેથી લોકોને ન્યાય આપવવા માટે ન્યાય અપાવવા પ્રયાસ કરીશું.
વાવાઝોડામાં રાજ્યમાં 45 લોકોએ જીવ ગુમાવ્યા
રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને પગલે ઉના, દિવ, જાફરાબાદ અને ભાવનગરના મહુવામાં ભારે તારાજી થઈ હતી. આ વાવાઝોડામાં 45 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો બેઘર બન્યા. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે આ વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલા લોકોના વારસદારોને ગુજરાત સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
ઈજાગ્રસ્તોને કુલ 1 લાખની સહાય
આ ઉપરાંત તાઉ-તે વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. આ સહાય પણ પ્રધાનમંત્રીએ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર તરફની જાહેરાત હતી. વાવાઝોડામાં ઇજાગ્રસ્તોને કુલ 1 લાખ ની સહાય આપવાની જાહેરાત કરાઈ હતી.
PM મોદીએ ગુજરાતને 1000 કરોડની સહાય આપી
તેમજ મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની આફતથી થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને આવકારીને PM અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્રની મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખની અને ઈજાગ્રસ્તોને રૂ.50,000ની મદદ હતી. આ પહેલા પીએમ મોદીએ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. પીએમ મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.