મોટેરા સ્ટેડિયમ ઉદઘાટન:મોટેરાનું નામ બદલીને હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’, 233 એકરનું સ્પોર્ટ્સ એન્ક્લેવ હવે સરદાર પટેલના નામે ઓળખાશે, અમિત શાહે લોકોનું અભિવાદન કર્યું

અમદાવાદ8 મહિનો પહેલા
 • રાષ્ટ્રપતિએ સ્ટેડિયમના નામની તકતી અનાવરણ કરતાં જ સૌકોઈને મોટું સરપ્રાઇઝ મળ્યું
 • સ્ટેડિયમની આસપાસના 233 એકર વિસ્તારમાં સ્પોર્ટ્સ એન્ક્લેવનું પણ ભૂમિપૂજન
 • રાષ્ટ્રધ્વજ અંદર નહીં લઈ જવા દેતાં દર્શકોનો હોબાળો; મહિલાની પોલીસ સાથે બોલાચાલી

અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. જોકે રાષ્ટ્રપતિ કોવિંદે જ્યારે સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો ત્યારે સ્ટેડિયમના નામે સૌને સરપ્રાઇઝ કરી દીધા હતા. અત્યારસુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું, પરંતુ હવે જેવું આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું કે તુરંત ગુજરાત ક્રિકેટ એસોસિયેશને એનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું છે.

સાંજના સમયે કેન્દ્ગીય ગૃહમંત્રી અમિત શાહ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોનું અભિવાદન કર્યું હતું.

મોટેરા સ્ટેડિયમનું કોઇ નામ નહોતુંઃ નીતિન પટેલ
ક્રિકેટ સ્ટેડિયમના નામકરણ મામલે વિવાદ થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, મોટેરા સ્ટેડિયમનું કોઇ નામ નહોતું. અમદાવાદ મનપા અંતર્ગત આવતા મોટેરા સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' રખાયું છે. જ્યારે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવો અંગે કહ્યું કે, રાજ્યમાં પેટ્રોલ પર વેટ ઘટાડવામાં આવશે નહીં.

મોટેરામાં આકાર પામેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. શહેરમાં રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી બંને હોવાથી પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ચો હતો. સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, જેનાથી આ વિસ્તારના નાગરિકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, સ્ટેડિયમની બહાર દર્શકોએ હોબાળો કર્યો છે.

સ્ટેડિયમની બહાર ગેટ પર પણ સ્ટેડિયમના નવા નામનું બોર્ડ લગાડવામાં આવ્યું છે.
સ્ટેડિયમની બહાર ગેટ પર પણ સ્ટેડિયમના નવા નામનું બોર્ડ લગાડવામાં આવ્યું છે.
ધોનીના ફેન રામબાબુનો ભારતીય ટીમને ચિયર કરવાનો જુસ્સો જબરદસ્ત છે.
ધોનીના ફેન રામબાબુનો ભારતીય ટીમને ચિયર કરવાનો જુસ્સો જબરદસ્ત છે.

ધોનીના ફેન રામબાબુની DivyaBhaskar સાથે ખાસ વાતચીત
નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ- નરેન્દ્ર મોદી (સરદાર પટેલ ક્રિકેટ) સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી છે, ત્યારે ખેલાડીઓ ઉપરાંત તેમના ફેન્સમાં પણ અતિઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લાં 15 વર્ષથી ટીમ ઈન્ડિયાને ચિયર કરતાં રામબાબુ સાથે દિવ્યભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં રામબાબુએ જે તેમના શરીર પર તિરંગો ચિતરાવે છે એ વિશેની વાત તેમજ ભારતીય ક્રિકેટ ટીમ અને મહેન્દ્ર સિંહ સાથે જોડાયેલાં સ્મરણો વાગોળ્યાં હતાં. રામબાબુ તેમના શરીર પર કરવામાં આવેલા પેઇન્ટિંગ અંગે કહ્યું હતું કે જ્યારે મેચ હોય ત્યારે વહેલી સવારે ચાર-પાંચ વાગે ઊઠીને બોડી પર ખાસ પ્રકારના કેમિકલ લગાવીને પેઈન્ટિંગ કરવું પડે છે. આ પ્રક્રિયામાં કુલ પાંચથી છ કલાક કરતાં પણ વધારે સમય લાગે છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન શિયાળો હોય કે ઉનાળો, સતત ખુલ્લા શરીરે રહેવું પડે છે. ઉનાળામાં શરીર પર પેઇન્ટિંગ કરેલું હોવાથી ચામડીને ઘણું નુકસાન પણ થતું હોય છે છતાં પણ રામબાબુનો ભારતીય ટીમને ચિયર કરવાનો જુસ્સો હંમેશાં વધુ ને વધુ જ રહે છે.

કોહલીના હમશકલ મનીષ રાઠોડ 21 સભ્ય સાથે મેચ જોવા પહોંચ્યો છે.
કોહલીના હમશકલ મનીષ રાઠોડ 21 સભ્ય સાથે મેચ જોવા પહોંચ્યો છે.

કોહલીના હમશકલ પરિવારના 21 લોકો સાથે મેચ જોવા આવ્યો છે
મનીષ રાઠોડ નામના વિરાટ કોહલીના હમશકલ પણ મેચ જોવા માટે સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યો છે. જે વિરાટ કોહલીનો ફેન છે અને અમદાવાદના વસ્ત્રાલમાં રહે છે તથા આજે પરિવારના 21 લોકો માટે પોતાના સ્વખર્ચે ટિકિટ ખરીદીને મેચ જોવા માટે આવ્યો છે. નવાઈની વાત એ છે કે તે કોહલીનો એટલો ઘેલો ફેન છે કે જ્યારે વિરાટ કોહલીના લગ્ન થયા એ જ દિવસે તેણે પણ લગ્ન કર્યા હતા.

બેરિકેડિંગના લીધે અમદાવાદીઓ અટવાઈ ગયા.
બેરિકેડિંગના લીધે અમદાવાદીઓ અટવાઈ ગયા.
 • અલગ અલગ રાજ્યમાંથી ક્રિકેટના ફેન્સ આજે મેચ જોવા તેમના દેશી પહેરવેશ સાથે આવી પહોંચ્યા છે.
 • ક્રિક્રેટચાહકોએ સ્ટેડિયમ બહાર નારા લગાવી ઉત્સાહ દર્શાવ્યો.
શહેરના બોડકદેવના કોર્પોરેટરે કહ્યું, હું અહીં આવી એ વાતનો આનંદ છે.
શહેરના બોડકદેવના કોર્પોરેટરે કહ્યું, હું અહીં આવી એ વાતનો આનંદ છે.
 • સ્ટેડિયમમાં આવેલા બોડકદેવનાં મહિલા કાઉન્સિલરને મેચ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે મને ખબર નથી, પણ હું અહીં આવી છું એ વાતનો આંનદ છે.
 • મોટેરા સ્ટેડિયમમાં ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલરને હાજર રહેવા પાર્ટીનું ફરમાન.
 • આજે મેચ પૂર્વે સ્ટેડિયમની બહાર દર્શકોએ હોબાળો કર્યો છે.
 • તમામ દર્શકો ભારતને સપોર્ટ કરવા માટે અવનવા પોશાકો અને ટેટૂ બનાવીને મેચ જોવા આવતા હોય છે.
 • એવામાં આજે સવારે દર્શકોને સ્ટેડિયમમાં ભારતનો રાષ્ટ્ધ્વજને અંદર લઈ જતા રોકવામાં આવ્યા હતા.
 • એને પગલે રોષે ભરાયેલા લોકોએ સ્ટેડિયમ ખાતે હોબાળો મટાવ્યો હતો.
 • લોકોએ મેચની ટિકિટ હોવા છતાં બહાર રહીને બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
 • આ હોબાળાને પગલે સ્ટેડિયમના સ્ટાફે તમામ લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે.
મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે.

મોટેરાની બેઠક-ક્ષમતા 1 લાખ 32 હજારની જાહેર
ઉલ્લેખનીય છે કે મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 40 હજારના માર્જિનથી એને માત આપી છે. આ સ્ટેડિયમમાં પહેલાં 1 લાખ10 હજારની બેઠક વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક-ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરી દેવામાં આવી હોવાનું લખેલું છે, એટલે કે કુલ 22 હજાર બેઠકો ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા મોટેરા સ્ટેડિયમમાં વધારવામાં આવી છે. આ સંદર્ભે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે કેમેરા અને અન્ય ટેક્નિકલ જગ્યા માટે કુલ સીટોમાંથી વધુપડતી સીટો બાદ કરી હતી. જે ગણતરીના ફાઇનલ અરેન્જમેન્ટ પછી તેમણે જાણ થઈ કે મોટેરા સ્ટેડિયમમાં બેઠક-ક્ષમતા 1 લાખ 10 હજાર નહિ, પરંતુ 1 લાખ 32 હજાર છે.

ટીમ ઈન્ડિયા અમદાવાદમાં એક મહિનો રોકાશે.
ટીમ ઈન્ડિયા અમદાવાદમાં એક મહિનો રોકાશે.

ટીમ ઈન્ડિયા અમદાવાદમાં એક મહિનો રોકાશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ પહોંચી છે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

અન્ય સમાચારો પણ છે...