અમદાવાદ:‘અમે માસ્ક નહીં પહેરીએ તમારાથી થાય એ કરી લો’, શહેરમાં માસ્ક બાબતે પોલીસ અને સ્થાનિકોમાં ઘર્ષણ વધ્યું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • પોલીસ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર સાથે દંડ કરી રહી છે
  • કેટલાક વાહનચાલકો દંડ ન ભરવા માટે અલગ-અલગ રીતે દલીલ કરતા જોવા મળ્યા છે
  • પોલીસના કામમાં અડચણરૂપ બનતા વાહનચાલકો સામે અલગ-અલગ સ્ટેશનોમાં કેસ પણ નોંધ્યાયા છે

શહેરમાં એકતરફ કેટલાક વિસ્તારોને કોરોનાથી રાહત મળી રહી છે. ત્યારે બીજીતરફ વાહનચાલકો દ્વારા માસ્ક ન પહેરવા બાબતે દાદાગીરીઓ પણ વધી રહી છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે જાહેર સ્થળ પર માસ્ક તેમજ થૂંકવા પર 200 રૂપિયાનો દંડ નક્કી કર્યો છે. જોકે કેટલાક વાહનચાલકો દંડ ન ભવા માટે અનેક બહાના તેમજ દાદાગીરી કરતા જોવા મળે છે. પોલીસ સાથે પણ માથાકૂટ કરતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે પોલીસે પણ કેટલાક વાહન ચાલકો સામે પોલીસના કામમાં અડચણરૂપ બનતા કેસ પણ નોંધ્યા છે. 

બીજા લોકો પણ માસ્ક નથી પહેરતા પહેલા એમને પકડો: ચાલક
શહેરમાં છેલ્લા 2 મહિનાથી પોલીસ જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર સામે કાર્યવાહી કરી રહી છે. આ પ્રકારના લોકો પાસેથી સ્થળ પર જ 200 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો દંડ ન ભરવા માટે અનેક બહાના કાઢતા હોય છે. શહેરના ઝુંડાલ સર્કલ પાસે કારમાં જતા બે લોકોએ માસ્ક ન પહેર્યા હોવાથી પોલીસે રોક્યા હતા. ત્યારે તેઓએ પોલીસ સાથે ‘બીજા લોકો પણ માસ્ક નથી પહેરતા પહેલા એમને પકડો, અમે માસ્ક નહીં પહેરીએ તમારાથી થાય એ કરી લો’ એમ કહી દાદાગીરી કરી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે બંન્ને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

દંડના પૈસા માંગતા ચાલકે મરી જવાની ચીમકી આપી
ગત રવિવારે પણ આવી એક ઘટના ઘટી હતી. મણીનગરનો હાર્દિક શાહ નામનો એક કાર ચાલક પોતાના પરિવાર સાથે કાર લઈને જીવરાજ પાર્ક તરફ નીકળ્યો હતો. કારમાં તેની સાથે તેની પત્ની તેમજ એક બાળક હતું. જોકે પત્ની તેમજ બાળકે માસ્ક પહેર્યું ન હતું. જેથી સર્કલ પર ઉભેલા પોલીસ કર્મચારીઓએ તેમની કાર રોકી અને માસ્ક ન પહેરવા પર 200 રૂપિયા દંડ ભરવાની વાત કરી હતી. દંડની વાત કરતા કારચાલક ઉશ્કેરાયો હતો અને તમે લોકો અમને ખોટી રીતે હેરાન કરો છો, તમારાથી અમે ત્રાસી ગયા છીએ, આવી રીતે જીવવું તેના કરતા મરી જવું સારું, હવે તો કંટાળ્યા છીએ મરી જ જવું છે. પોલીસને આવી ચીમકી આપી હતી. ત્યારે પોલીસે પોતાના કામમાં અડચણરૂપ થવા બદલ કારચાલક સામે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...