તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની બદી:અમદાવાદના મેઘાણીનગરમાં દેશી દારૂ વેચાતો હોવાની ફરિયાદ ગાંધીનગર વિજિલન્સમાં કરાઈ, 10 દિવસે પોલીસે ગુનો નોંધી એક શખ્સની ધરપકડ કરી

અમદાવાદ23 દિવસ પહેલા
નર્મદાબેનની ચાલીની તસવીર
  • 21 ઓગસ્ટ અને 24 ઓગસ્ટના રોજ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલમાં મેસેજ કરી દારૂ વેચાતો બંધ કરાવવા રજુઆત
  • મેઘાણીનગર પોલીસે શા માટે 10 દિવસ બાદ ગુનો નોંધ્યો અને બુટલેગરને વોન્ટેડ બતાવ્યો તેના પર સવાલ

અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. હત્યા, ચોરી, લૂંટ, પોલીસ પર હુમલા અને મારામારીના કિસ્સાઓ વધ્યા છે. પૂર્વ વિસ્તારમાં આવેલા મેઘાણીનગર પોલીસની હદમાં પણ મારામારી અને લૂંટના કિસ્સા વધ્યા છે જેની સાથે સાથે જાહેરમાં દારૂના વેચાણની પ્રવૃત્તિઓ પણ વધી છે. જેની સ્થાનિક લોકોએ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ કંટ્રોલરૂમમાં બે વખત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. છેવટે 10 દિવસ બાદ મેઘાણીનગર પોલીસે સ્ટેટ મોનીટરીંગ સેલમાં થયેલી ફરિયાદને આધારે કલાપીનગર રોડ પર નર્મદાબેનની ચાલીમાં જાહેરમાં દેશી દારૂ વેચનાર શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે જ્યારે બુટલેગરને વોન્ટેડ બતાવી દેવામાં આવ્યો છે.

સ્થાનિકોએ બે-બે વખત ફરિયાદ કરી
મેઘાણીનગરના કલાપીનગર રોડ પર આવેલી હીમગીરી સ્કૂલ પાછળ નર્મદાબેનની ચાલીમાં જાહેરમાં દેશી દારૂ વેચાતો હોવાની ફરિયાદો ઉઠી હતી. 21 ઓગસ્ટ અને 24 ઓગસ્ટના રોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાપીનગર રોડ પર હીમગીરી સ્કૂલની પાછળ આવેલી જગ્યામાં પપ્પુ અને છોટુ નામના શખ્સ જાહેરમાં દેશી દારૂના વેચાણની પ્રવૃત્તિ કરે છે જેને બંધ કરાવવા માટેનો મેસેજ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને મળ્યો હતો. જેની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જાણ મેઘાણીનગર પોલીસને કરી પરંતુ મેઘાણીનગર પોલીસ સુધી તેના મોટા હપ્તા પહોંચતા હોવાથી કોઈ જ કાર્યવાહી કરી ન હતી.

અગાઉ પણ આ વિસ્તારમાં દારૂ વેચાતો વીડિયો વાયરલ થયો હતો
અગાઉ પણ આ વિસ્તારમાં દારૂ વેચાતો વીડિયો વાયરલ થયો હતો

પોલીસ દ્વારા 10 દિવસ બાદ કાર્યવાહી
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલમાં થયેલી ફરિયાદોના પગલે નાછૂટકે મેઘાણીનગર સર્વેલન્સ સ્ક્વોડની ટીમે 10 દિવસ બાદ ગુરુવારે નર્મદાબેનની ચાલીમાં જાહેરમાં દેશી દારૂ વેચતાં પ્રકાશ ઉર્ફે પકો પટેલને દેશી દારૂ વેચતાં ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા હરેન્દ્રસિંહ ઉર્ફે છોટુ પરિહાર આ દારૂ વેચવા આપતો હતો જે પેટે તેને રૂ. 300 ચૂકવતો હતો તેમ જણાવ્યું હતું. મેઘાણીનગર પોલીસે હરેન્દ્રસિંહ ઉર્ફે છોટુને વોન્ટેડ બતાવ્યો છે.

અગાઉ પણ મેઘાણીનગરમાં દારૂ વેચાતા વીડિયા સામે આવ્યા
મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ વેચવાની પ્રવૃત્તિઓ ચાલતી હોવા અંગેના વીડિયો પણ વાઇરલ થયા હતાં જો કે મેઘાણીનગર પોલીસે આ વીડિયો જુના અને હાલમાં દારૂના વેચાણની કોઈ પ્રવૃત્તિ ચાલતી ન હોવાની વાત કરી હતી પરંતુ મેઘાણીનગરમાં સ્થાનિક પીઆઇ અને તેમના અંગત માણસોની રહેમનજર હેઠળ બેરોકટોક આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જાહેરમાં દેશી દારૂના વેચાણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદ હવે ગાંધીનગર સુધી કરવામાં આવી રહી છે. ત્યારે હવે શું આવી પ્રવૃત્તિઓ બંધ થશે કે ગુનેગારોને પોલીસ બચાવતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...