તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યમાં સતત ત્રીજા દિવસે વેક્સિનેશન બંધ, 10 શહેર રાત્રિ કર્ફ્યૂમુક્ત, ટ્યૂશન ક્લાસીસ ખોલી શકાશે, અમદાવાદમાં રથયાત્રા નીકળશે

અમદાવાદ19 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર છે, તારીખ 9 જુલાઈ, જેઠ વદ અમાસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.
2) ગૌણ સેવા પસંદગી મંડળની હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધીક્ષકની પરીક્ષા યોજાશે.
3) આજે અમાસ હોવાથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તીર્થધામ કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર બંધ રહેશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો

1) રાજ્યનાં 10 શહેર રાત્રિ કર્ફ્યૂમુક્ત, 8 મહાનગરમાં કર્ફ્યૂ યથાવત્, વેપારીઓ 31 જુલાઈ સુધીમાં વેક્સિન લઈ શકશે, લગ્નમાં 150 વ્યક્તિની છૂટ
કોરોના મહામારીને કારણે રાજ્યમાં લગાવેલા નિયંત્રણોમાં સરકારે આજે કેટલીક છૂટ આપી છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો મુજબ હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાશે. જ્યારે 10 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે.

વાંચો સમાચાર વિગતવાર

2) અમદાવાદમાં સમગ્ર રૂટ પર કર્ફ્યૂ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, તમામ બ્રિજ બંધ રહેશે
અમદાવાદમાં રથયાત્રા યોજવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી જણાવ્યું હતું કે સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા યોજવામાં આવશે, પણ પ્રસાદ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે. પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ બંધ રહેશે.

વાંચો સમાચાર વિગતવાર

3) રાજકોટમાં રૂ.100ના ઝઘડામાં પતિએ પત્નીને દસ્તાના ઘા ઝીંક્યા, પસ્તાવો થતાં પતિએ ગળેફાંસો ખાધો
રાજકોટ શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર રહેતા કોળી દંપતી વચ્ચે રૂ.100 મામલે ઝઘડો થયો હતો. ત્યાર બાદ પતિએ વાસણ સાફ કરતી પત્નીને દસ્તાના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પસ્તાવો થતાં વહેલી સવારે પતિએ ગળેફાંસો ખાય જિંદગી ટૂંકાવી લીધી હતી. જ્યારે ઘવાયેલી પત્નીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. બે પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં માતમ છવાયો છે.

વાંચો સમાચાર વિગતવાર

4) કેવડિયામાં ભૂકંપ આવ્યો, કેન્દ્રબિંદુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી-નર્મદા ડેમથી માત્ર 50 કિમી દૂર હોવા છતાં કોઈ જોખમ નહીં
સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી. નોંધાયું હતું. જોકે નર્મદા ડેમને કોઈ ખતરો નથી, કારણ કે નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ તૂટે નહીં એવો મજબૂત છે.

વાંચો સમાચાર વિગતવાર

5) કોરોના કહેર વચ્ચે જાપાનનાં ટોક્યોમાં ઇમર્જન્સી લાગુ, મેદાનમાં દર્શકો વિના ઓલિમ્પિકનું આયોજન થશે
જાપાનની રાજધાની ટોક્યોમાં 23 જુલાઈથી ઓલિમ્પિક ગેમ શરૂ થવાની છે. ત્યારે કોરોનાના કેસોમાં વધારો થતા જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ ટોક્યોમાં ઇમરજન્સી લાગૂ કરી છે. હવે ઓલિમ્પિક ગેમનું આયોજન ઇમરજન્સી વચ્ચે થશે. જેથી સ્પષ્ટપણે બહાર આવે છે કે મેદાનમાં દર્શકો વિના ગેમ રમાશે. ટોક્યો શહેરમાં 12 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી ઇમરજન્સી લાગૂ રહેશે.

વાંચો સમાચાર વિગતવાર

6) સિંધિયાનું FB અકાઉન્ટ હેક:મોદી સરકાર વિરુદ્ધ પોસ્ટ કરેલા જૂના વીડિયો અપલોડ થયા
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોદી કેબિનેટમાં સામેલ થવાની સાથે જ તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. મીડિયા અહેવાલો મુજબ કોઈએ રાત્રે 12:23 વાગે તેમના ફેસબુક પર વડાપ્રધાન મોદી સામેના આક્રમક ભાષણોના જૂના વીડિયો અપલોડ કરી દીધા હતા. એક્સપર્ટે થોડી જ વારમાં હેકિંગ પર કાબૂ મેળવી લીધો હતો.

વાંચો સમાચાર વિગતવાર

7) શ્રીલંકામાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઈને કૃષિ-નાણામંત્રી સુધી રાજપક્ષે પરિવારનો દબદબો
શ્રીલંકામાં પણ કેટલાંક નવા મંત્રીઓએ શપથ લીધા. જો કે શ્રીલંકામાં મંત્રીમંડળમાં પરિવારવાદ જોવા મળી રહ્યો છે. આમ તો શ્રીલંકામાં 28 સભ્યોને પદના શપથ અપાવ્યા પરંતુ તેમાં રાજપક્ષે પરિવારના જ ચાર સભ્યોએ શપથ લીધા છે. અગાઉ ત્રણ સહિત કુલ સભ્યો 7 થયા છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે નિધન, તેમને બેવાર થયો હતો કોરોના
2) દિગ્વિજયસિંહે કહ્યું- મોહન ભાગવતના નિવેદનનો અર્થ એવો થાય છે કે તેમનું અને ઓવૈસીનું DNA પણ એક
3) જર્મની અને માલદિવ ભારતની ફ્લાઈટ ફરી શરૂ કરશે
4) સેન્સેક્સ 486 અંક ઘટ્યો, નિફ્ટી 15727 પર બંધ; ટાટા સ્ટીલ, સન ફાર્માના શેર ઘટ્યા

આજનો ઈતિહાસ
9 જુલાઈ 1875નાં રોજ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસિયેશનનો પ્રારંભ થયો. 318 લોકોએ મળીને 1 રૂપિયાની મેમ્બરશિપ સાથે શરૂઆત કરી. આ એસોસિયેશન આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જના નામે ઓળખાય છે.

અને આજનો સુવિચાર
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...