અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ-પોક્સો કોર્ટે આરોપી વૃદ્ધને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી દ્વારા સગીરાને અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાંથી ઉપાડી આસામમાં લઈ જવામાં આવી હતી. આરોપી 16 વર્ષીય સગીરાને અન્ય રાજ્યોમાં લઈ જઈને હોટલમાં બળાત્કાર ગુજરાતો હતો.
આરોપી ગુરુદ્વારાની આર્થિક મદદ મેળવતો હતો
આરોપી કુલદિપસિંહ સગીરાને પોતાની દીકરી ગણાવતો અને અલગ-અલગ ગુરુદ્વારામાંથી આર્થિક મદદ પણ મેળવતો હતો. બાદમાં તેને હોટલમાં લઈ જઈ તેના પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજરાતો હતો. જે મામલે પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
પોક્સો કેસમાં દિવ્યાંગ આરોપીને પહેલીવાર આજીવન સજા
આરોપી કુલદિપસિંહ દિવ્યાંગતા ધરાવે છે. આ બાબતે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં સરકારી વકીલ દેવેન્દ્ર પઢિયારે જણાવ્યું કે, આ પ્રકારે કદાચ પહેલો કિસ્સો બની શકે કે, જેમાં પોક્સો એક્ટ હેઠળ કોઈ દિવ્યાંગ આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી હોય.
સગીરા હાટકેશ્વરમાંથી ગુમ થતાં હકીકત સામે આવી
સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ કેમ્પસમાં પોક્સોની ખાસ અદાલત દ્વારા સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાના કિસ્સામાં મહત્વનો હુકમ કર્યો છે. વર્ષ 2021 માર્ચ મહિનામાં પીડિતા સગીરા અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાંથી ગુમ થઈ હતી. ત્યારબાદ મણિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. જે સ્થળથી સગીરા ગુમ થઈ તે સ્થળના પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જ્યાં તેમને એક રીક્ષામાંથી ઉતરી, જેને એક બાઇકચાલક તેને લઈ જતા જણાયો હતો.
તપાસ કરી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જે રીક્ષાચાલકે સગીરાને હાટકેશ્વર બ્રિજ નીચે ઉતારી હતી, તે રીક્ષાચાલકને શોધી આ ઘટના બાબતે પૂછપરછ કરી હતી. આરોપીની ઉંમર 56 વર્ષ છે, જે સગીરાને પોતાની દીકરી તરીકે ઓળખ આપતો હતો. જોકે મણિનગર પોલીસે સીસીટીવી અને રીક્ષાચાલકની પૂછપરછના આધારે આરોપીનું લોકેશન મેળવી તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની સામે ફરિયાદ નોંધી હતી. ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ તેની પર પોક્સો એક્ટ હેઠળ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. જેમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.