અમદાવાદના આંગણે આજથી એક મહિના માટે શરૂ થઈ રહેલા સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ સમાન બની રહેશે. સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર ઊભા કરાયેલા ભવ્યાતિભવ્ય વિશાળ સ્વામિનારાયણનગર ખાતે લાખો હરિભક્તો અને મુલાકાતીઓ મુલાકાત કરશે. આ શતાબ્દી મહોત્સવમાં એક મહિના દરમિયાન એક કરોડથી પણ વધુ મુલાકાતીઓ આવે એવી શક્યતા છે. એને પગલે મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે તલસ્પર્શી બાબતોનું ધ્યાન રાખીને અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે. ભોજનથી લઈ ભજન સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ છે, એવા આ શતાબ્દી મહોત્સવમાં મુલાકાતીઓને પણ હવે ડિજિટલાઇઝેશનનો લહાવો મળશે. હવે લાખો અનુયાયીઓ ને મુલાકાતીઓ ધારે તો સિંગલ ક્લિકમાં અનેક સુવિધાઓ મેળવી શકશે.
આ શતાબ્દી મહોત્સવમાં દેશવિદેશથી આવી રહેલા લાખો હરિભક્તોને કોઈ અગવડ ના પડે તેમજ મુલાકાતીઓને હાલાકી ના પડે એ માટે હવે ટેકનોલોજીની મદદ લેવાઈ છે. શતાબ્દી મહોત્સવની તૈયારીઓમાં લાગેલા અનેક સ્વયંસેવકોએ અલગ અલગ પ્રકારની સેવા આપી છે. અહીંની વ્યવસ્થા સચવાય એ માટે હવે PSM 100 નામની એપ્લિકેશન બનાવાઈ છે. ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ એવી આ એપ્લિકેશન મારફત પ્રચાર-પ્રસાર જ નહીં, પણ પરિવહન પણ કંટ્રોલ કરાશે. શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવનારની મદદ કરવાના ઉદ્દેશ સાથે ખાસ ડિઝાઈન કરેલી આ એપ્લિકેશન 24x7 યુઝર્સને સપોર્ટ કરશે.
PSM 100 નામની આ એપ્લિકેશન ગાઈડની ભૂમિકા ભજવશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરનાર યુઝર્સ માટે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષાના ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. ત્રણમાંથી કોઈ એક ભાષાની પસંદગી કર્યા બાદ મુલાકાતી કે હરિભક્ત માટે અનેક સુવિધાઓનો ડિજિટલ ખજાનો ખૂલી જશે.
આ એપ્લિકેશનમાં પાર્કિંગ, યાત્રા માર્ગદર્શન અને ક્યૂઆર કોડ એમ ત્રણ ઓપ્શનનો લાભ મળશે
જેમાંના એક ઓપ્શન યાત્રા માર્ગદર્શનની વાત કરીએ તો અહીં ક્લિક કરતાંની સાથે જ તમને ગૂગલ મેપમાં સીધો જ રૂટ મળી જશે, જેના સથવારે તમે તમારા ગામ, શહેર કે સોસાયટીમાંથી સીધા જ ઓગણજ ખાતે યોજાઈ રહેલા શતાબ્દી મહોત્સવ સુધી પહોંચી શકશો.
હવે વાત કરીએ અન્ય એક સુવિધા, જે 600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામીનગરમાં બહુ જ જરૂરી હતી એ પાર્કિગની. ટેકનોલોજીનો ઉપયોગ કરીને મુલાકાતીઓ માટે કાર પાર્ક કરવાનું આસાન કરી દીધું છે. પાર્કિગ સ્થળે પહોંચ્યા પછી મુલાકાતી નજીકમાં રહેલા ક્યૂઆર કોડને સ્કેન કરીને પાર્કિંગ સ્પેસને શ્યોર કરી શકશે ને જ્યારે મુલાકાતી પરત જવા નીકળે ત્યારે વિશાળ પાર્કિંગ સ્પેસમાં પોતાની કાર પણ એ ક્યૂઆર કોડના આધારે પણ શોધી શકશે.
આ ઉપરાંત અન્ય ક્યૂઆર કોડની સુવિધાનો લાભ એન્ટ્રી ગેટથી લઈને આખા પરિસરમાં જબરદસ્ત રીતે કરી શકાશે. 600 એકરના આ પરિસરમાં તમે અલગ અલગ સુવિધાઓ ક્યાં છે... ત્યાંથી માંડીને ખાણીપીણી સુધીના સ્ટોલની માહિતી તમે મોબાઈલમાં જ જાણીને ત્યાં સુધી પહોંચી શકશો.
પીએમ મોદીના હસ્તે આ શતાબ્દી મહોત્સવના ઉદઘાટનથી લઈને આખા મહિનાના અલગ અલગ કાર્યક્રમોની રજેરજની માહિતી પણ તમને આ એપ્લિકેશન પર મળશે. રોજેરોજ યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની તલસ્પર્શી માહિતી પણ યુઝર્સ ઘરેબેઠા મેળવી શકશે. PSM 100 એપ્લિકેશન વિશે વધુ માહિતી આપતાં હરિભક્ત એવા યોગેશ પટેલે જણાવ્યું કે આ એપ્લિકેશન BAPS સંસ્થાના સ્વયંસેવકોએ જ બનાવી છે. આ એપ્લિકેશન ફ્રીમાં પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, જેને વાપરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી. વધુમાં વધુ મુલાકાતીઓ અને હરિભક્તો આ એપ્લિકેશનનો લાભ લે તો વ્યવસ્થા પણ જાળવવામાં આસાની રહે અને દરેક મુલાકાતીને ઓછામાં ઓછું ચાલવું પડે એ ઉદેશ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.