‘મિશન મોદી’:PM નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશનો વિજયોત્સવ 11 માર્ચે અમદાવાદમાં ઉજવશે, દોઢ લાખ કાર્યકરો સાથે ‘મિશન ગુજરાત’નો પ્રારંભ કરાવશે

5 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • જીએમડીસી ગ્રાઉન્ડમાં ભાજપ સંગઠન અને સરકાર 'મારું ગામ, મારું ગુજરાત' કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે
  • આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ આ વિરાટ શક્તિ પ્રદર્શન કરશે
  • પંચાયતથી લઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા દોઢ લાખથી વધારે જન પ્રતિનિધિઓ ઉમટશે

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીનો વિજયોત્સવ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશનનો પ્રારંભ 11મી માર્ચે અમદાવાદના જી એમ ડી સી ગ્રાઉન્ડમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે તેવું આયોજન ભાજપ સંગઠન અને સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 'મારું ગામ, મારું ગુજરાત' ના નામથી ગુજરાતભરમાંથી એક લાખથી વધુ ભાજપના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને ભેગા કરવાનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે.

ગુજરાતભરના કાર્યકરોને મોદી માર્ગદર્શન આપશે
ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહીછે,તે સમયે ભાજપે તો પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવા માટે ભાજપે કમર કસી છે. જેનો શંખનાદ આગામી 11મી માર્ચે નરેન્દ્ર મોદીના વિરાટ શક્તિ પ્રદર્શન સાથે ફૂંકવામાં આવશે. આ મિશન ગુજરાતમાં ભાજપના દોઢ લાખથી વધારે જન પ્રતિનિધિઓ હાજર રહેશે. જેમાં ઉત્તર પ્રદેશ ભાજપના વિજયના વિશ્વાસ સાથે આ કાર્યક્રમમાં યુપીનો વિજયોત્સવ ઉજવવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં નરેન્દ્ર મોદી ગુજરાતભરમાંથી આવેલા કાર્યકર્તાઓએ ગુજરાતની ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપશે. આ માટે ભાજપ સરકાર અને સંગઠન સાથે મળીને તડામાર તૈયારીઓ કરે છે. વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ભાજપનું આ વિરાટ શક્તિ પ્રદર્શન મિશન 150 બેઠકો માટેનું માનવામાં આવી રહ્યું છે.

PM નરેન્દ્ર મોદીએ કાશીના રોડ શો કર્યો હતો
PM નરેન્દ્ર મોદીએ કાશીના રોડ શો કર્યો હતો

ભાજપ વિધાનસભાની ચૂંટણી પહેલા ફૂલ એક્શન મોડમાં
વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ ફૂલ એક્શન મોડમાં આવી ચૂક્યો છે અને 150 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે એ લક્ષ્યાંકને પૂરો કરવા માટે ભાજપ 11મી માર્ચે વિરાટ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે. જેમાં પંચાયતથી લઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા દોઢ લાખથી વધારે જન પ્રતિનિધિઓ ઉમટી પડશે.

PM નરેન્દ્ર મોદીના કાશીના રોડ શોમાં લોકો ઉમટ્યા હતા
PM નરેન્દ્ર મોદીના કાશીના રોડ શોમાં લોકો ઉમટ્યા હતા

PMની ખેલ મહાકુંભ, રક્ષાશક્તિ યુનિ.નો દીક્ષાંત સમારોહ સહિતના કાર્યક્રમમાં હાજરી
વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના બે દિવસના સંભવિત કાર્યક્રમો મુજબ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો આરંભ કરાવશે. આની સાથોસાથ વડાપ્રધાન રક્ષાશક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન પણ આપશે. દોઢ દિવસના ગુજરાતના પ્રવાસમાં વડાપ્રધાનના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પાલડી નજીક તૈયાર કરાયેલા સ્પોર્ટસ કોમ્પલેક્સ તથા પશ્ચિમ અને પૂર્વ ફ્રન્ટને જોડતા વોક-વેનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...