મોદીની રાજરમત:ભાજપે અપનાવ્યો કોંગ્રેસનો 'કામરાજ પ્લાન','સિનિયર નેતાઓને હોદ્દા પરથી દૂર કરી સંગઠનને મજબૂત બનાવો'

​​​​​​​અમદાવાદએક મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • કૉપી લિંક
  • કે.કામરાજે કહ્યું હતું, સિનિયર નેતાઓને રાજીનામાં આપીને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા કામે લાગવું જોઈએ

દેશમાં 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે. સતત બે ટર્મ સુધી લોકસભામાં ભાજપના વિજય બાદ હવે વડાપ્રધાન મોદીએ આગામી 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય મંત્રીમંડળથી માંડીને ભાજપશાસિત રાજ્યોમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો કરવાની સ્ટ્રેટેજી અપનાવી છે, જેમાં ગુજરાતમાં તો નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ દૂર કરીને નવા અને યુવા સભ્યોને મંત્રીપદ આપીને 'કામરાજ પ્લાન'નો મોટો દાખલો બેસાડ્યો છે. આજથી 58 વર્ષ પહેલાં કોંગ્રેસના નેતા કે. કામરાજ પ્લાનમાં એવું હતું કે સિનિયર નેતાઓ, જે વર્ષોથી હોદ્દા પર છે તેમણે રાજીનામાં આપીને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા કામે લાગવું જોઈએ.

નરેન્દ્ર મોદી ખેલ્યાં 58 વર્ષ જૂની રાજનીતિ
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળના સભ્યોનાં એકસાથે રાજીનામાં લઈ નવી જ સરકારની રચના થઈ છે. એમાં પણ એકપણ પૂર્વ મંત્રીને રિપીટ કરવામાં આવ્યો નથી. નરેન્દ્ર મોદીના આવા કઠોર નિર્ણય પાછળ રાજનીતિક વિશેષજ્ઞો વિવિધ પ્રકારનાં ગણિત માંડી રહ્યાં છે ત્યારે મોદીની આ ગણતરી પાછળ ભાજપના સિનિયર મંત્રીઓને સંગઠનનું કામ સોંપીને સરકારની સાથે સંગઠનને પણ મજબૂત બનાવવું, જેથી આગામી વિધાનસભાની ચૂંટણીથી લઈને લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય સરળ બને. સામાન્ય રીતે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષોમાં સત્તા મળે ત્યારે કેટલાક ચોક્ક્સ ધારાસભ્યો અને સિનિયરોને જ મંત્રીપદ આપવાનો શિરસ્તો રહ્યો છે. પરિણામે, કોઈપણ પક્ષમાં કાર્યકરોને નેતા બનવામાં વર્ષો વીતી જાય છે, જેને કારણે સંગઠન નબળું પડતું જાય છે.

2 ઓક્ટોબર 1963ના રોજ તામિલનાડુના મુખ્યમંત્રીપદેથી કે. કામરાજે રાજીનામું આપ્યું હતું
2 ઓક્ટોબર 1963ના રોજ તામિલનાડુના મુખ્યમંત્રીપદેથી કે. કામરાજે રાજીનામું આપ્યું હતું

કે.કામરાજના રાજીનામા બાદ બન્યો હતો પ્લાન
ગુજરાત સરકારમાં કરવામાં આવેલા ધરમૂળથી ફેરફાર પાછળ નરેન્દ્ર મોદીનો 'કામરાજ પ્લાન' કામ કરી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે, કારણ કે 2 ઓક્ટોબર 1963ના રોજ તામિલનાડુના મુખ્યમંત્રીપદેથી કોંગ્રેસના કે. કામરાજે રાજીનામું આપીને જાહેરાત કરી હતી કે તમામ સિનિયર કોંગ્રેસી નેતાઓ જે વર્ષોથી હોદ્દા પર છે તેમણે રાજીનામાં આપી દેવાં જોઈએ અને પાર્ટીના સંગઠન માટે કામે લાગવું જોઈએ, કારણ કે દિવસે દિવસે કોંગ્રેસ જનતા સાથેનો સંપર્ક ગુમાવી રહી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ પ્રજા વચ્ચે જશે તો ફરી પાછો કોંગ્રેસ અને પ્રજાનો સંપર્ક તાજો થશે.

કોંગ્રેસે કામરાજ પ્લાન પડતો મૂકતા હારનો સામનો કર્યો
એ સમયે કે. કામરાજના આ પ્લાનને વડાપ્રધાન નેહરુએ પણ વધાવી લીધો હતો અને કામરાજ પ્લાન હેઠળ કોંગ્રેસના 6 યુનિયન મિનિસ્ટર અને 6 ચીફ મિનિસ્ટરે રાજીનામાં આપવા પડયાં હતાં, જેમાં લાલ બહાદુર શાસ્ત્રી, જગજીવનરામ, બીજુ પટનાયક, મોરારજી દેસાઈ, એસ.કે.પાટીલે પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધાં અને ઉત્તરપ્રદેશ (યુપી)ના ચંદ્રભાનુ ગુપ્તા, મધ્યપ્રદેશના માંડલોઈ (એમપી), ઓડિશાના બીજુ પટનાયક જેવા મુખ્યમંત્રીઓને પણ રાજીનામાં આપવાં પડ્યાં. આ પછી એ જ વર્ષે કામરાજને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્યારથી કોંગ્રેસે કામરાજ પ્લાન પ્રમાણે સરકાર અને સંગઠનની કામગીરી ચલાવી હતી, પરંતુ કેટલાંક વર્ષો બાદ કોંગ્રેસે કામરાજ પ્લાનને પડતો મૂકી દેતાં લોકસભા સહિત અનેક રાજ્યોની વિધાનસભામાં હારનો સામાનો કર્યો છે.

કે. કામરાજે લગભગ 3,000 દિવસ જેલમાં વિતાવ્યા હતા
કે. કામરાજે લગભગ 3,000 દિવસ જેલમાં વિતાવ્યા હતા

માત્ર 16 વર્ષની ઉંમરે કોંગ્રેસમાં જોડાયા હતા કે.કામરાજ
ભારત રત્નથી સન્માનિત થયેલા કે. કામરાજનો જન્મ 15 જુલાઈ 1903ના રોજ તામિલનાડુના વિરદુનગરમાં એક વેપારી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ કામાક્ષી કુમારસ્વામી નાદર હતું. બાદમાં તેઓ કામરાજ તરીકે જાણીતા થયા. કામરાજ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા નહોતા. જલિયાંવાલા બાગ હત્યાકાંડને કારણે તેઓ 15 વર્ષની વયે આઝાદીની ચળવળમાં જોડાયા હતા. તેઓ માત્ર 16 વર્ષની ઉંમરે કોંગ્રેસમાં જોડાયા હતા. મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું ત્યારે તેઓ 18 વર્ષના હતા. 1930માં કામરાજે મીઠું ચળવળમાં ભાગ લીધો અને પ્રથમ વખત જેલમાં ગયા હતા. આ પછી અંગ્રેજોએ તેમને છ વખત જેલમાં મોકલ્યા. તેમણે લગભગ 3,000 દિવસ જેલમાં વિતાવ્યા હતા. જેલમાં રહીને તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને જેલમાં હતા ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન તરીકે ચૂંટાયા. જોકે જેલમાંથી બહાર આવ્યાના 9 મહિના બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમારે આવી કોઈ પોસ્ટ સ્વીકારવી જોઈએ નહીં, જેની સાથે તમે ન્યાય ન કરી શકો.

2024ની ચૂંટણીમાં ભાજપને ફરી તમામ 26 બેઠક જીતવાનું લક્ષ્ય
2014ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે કોંગ્રેસનો કામરાજ પ્લાનનો પ્રયોગ શરૂ કર્યો હતો, જેમાં ભાજપના સિનિયર આગેવાનોને પડતા મૂકી નરેન્દ્ર મોદી જેવા નેતાઓને નેતૃત્વની કમાન સોંપી ભારે બહુમતી સાથે લોકસભામાં ભાજપનો વિજય થયો હતો. એમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી એક નવા ચહેરા તરીકે ઊભરી આવ્યા હતા. ત્યાર બાદ 2019ની ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય સફળતા મેળવી હતી. એની સાથે દેશનાં કેટલાંક રાજ્યો પર ભાજપે સત્તા મેળવી હતી. ગુજરાતમાં પણ 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નરેન્દ્ર મોદીએ કામરાજ પ્લાન અનુસાર, ગુજરાતની આખી સરકાર બદલી નાખીને એક નવી સ્ટ્રેટેજી અપનાવી છે, જેથી 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને ફરી એકવાર તમામ 26 બેઠક મળે એ અંગેનું ભવિષ્યનું ગણિત પણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

નરેન્દ્ર મોદીએ 5 રાજ્યમાં અપનાવ્યો કામરાજ પ્લાન?
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપશાસિત રાજ્યોમાં કામ કરતી સરકારના સર્વેના આધારે નરેન્દ્ર મોદીએ 5 રાજ્યમાં પણ કામરાજ પ્લાન અનુસાર મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યોમાં ધરખમ ફેરફારો કર્યા છે. ઝારખંડમાં મળેલી આ હારમાંથી બોધપાઠ લેતા ભાજપે આ વર્ષે જ પાંચ રાજ્યના મુખ્યમંત્રી બદલ્યા છે, જેમાં તાજેતરનું નામ ગુજરાતના સીએમ વિજય રૂપાણીનું છે. ટોચનું નેતૃત્વ માને છે કે નુકસાન થાય એ પહેલાં એને નિયંત્રિત કરવું જોઈએ. વર્ષ 2019માં હરિયાણામાં ચૂંટણી યોજાઈ હતી અને ત્યાર બાદ ભાજપ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હતી. પાર્ટીએ ગઠબંધન સરકાર બનાવવાની હતી. જોકે ભાજપે મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખ્યા હતા. ભાજપના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે ઝારખંડની હાર અને હરિયાણામાં ખરાબ પ્રદર્શન બાદ ભાજપે હવે નક્કી કર્યું છે કે જે મુખ્યમંત્રીઓ ઓછા લોકપ્રિય છે, જેમનું પ્રદર્શન સારું રહ્યું નથી તેમની બદલી કરવામાં આવે. વિજય રૂપાણીની વિદાય એ સ્પષ્ટ સંકેત છે કે ભાજપ ઝારખંડની જેમ કોઈપણ કિંમતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારવા માગતી નથી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર

6 મહિનામાં જ ભાજપે પાંચ મુખ્યમંત્રી બદલ્યા
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અચાનક વિદાયે એ પ્રકરણમાં મોટો ખળભળાટ મચાવ્યો છે. માત્ર 6 મહિનામાં જ ભાજપનાં પાંચ રાજ્યમાં મુખ્યમંત્રી બદલાયા છે. શું વિજય રૂપાણીનું હટવું બીજા ભાજપશાસિત રાજ્યો માટે સબક બનશે? આ બધું એટલા માટે થઈ રહ્યાનું કહેવાય છે કે લોકસભાની ચૂંટણી પહેલાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં પાર્ટી કોઈ જોખમ લેવા માગતી નથી અને એને દૂર કરાવવામાં લાગી છે.

ઉત્તરાખંડમાં 6 મહિનામાં બે મુખ્યમંત્રી બદલાયા
ઉતરાખંડમાં તો 6 મહિના દરમિયાન બે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા હતા. પાર્ટી નેતૃત્વએ આ વાતને વધુ મહત્ત્વ આપવું જરૂરી નથી માન્યું કે ક્યાંક આનો ખોટો મેસેજ જાય. ગુજરાતમાં જે પરિવર્તન થયું એનું ખાસ મહત્ત્વ એટલા માટે છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રીનું ગૃહ રાજય છે. રાજનીતિક વર્તુળમાં એવું માનવામાં આવે છે કે ગુજરાતનો મુખ્યમંત્રી કોઈપણ હોય, પણ સત્તાના ‘તાર’ દિલ્હી સાથે જ જોડાયેલા રહે છે.

અન્ય સમાચારો પણ છે...