વડોદરામાં વડાપ્રધાનના કોંગ્રેસ પર પ્રહાર:પહેલા ગુજરાતમાં છાસવારે તોફાનો થતાં, આપણે એવી આંખ લાલ કરી કે...: PM મોદી, હાર્દિક બાદ PAASની ટીમ BJPમાં જોડાશે

અમદાવાદ10 દિવસ પહેલા

વડોદરામાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દુનિયાના વિકસિત દેશોની જેમ ગુજરાત પણ વિકસિત હોવું જોઈએ, ગુજરાતના નાગરિકો ગુજરાતને વિકસિત બનાવશે. માણસના જીવનમાં 25 વર્ષ મહત્વના હોય છે, તેવી જ રીતે ગુજરાતના અને દેશના જીવન માટે આગામી 25 વર્ષ અંત્યત મહત્વના છે. પહેલા ગુજરાતમાં છાસવારે તોફાનો થતાં હતા, અસામાજિક તત્વોની દહેશત હતી, ગાંધીનગરમાં બેઠેલા લોકો તેમને આશ્રય આપતા હતા, તે કોંગ્રેસના જમાનાની રાજનીતિ હતી. ભય અને ઉચાટનું વાતાવરણ હતું, તે વિકાસને રોકતુ હતું, પણ આપણે શરૂઆતમાં જ એવી આંખ લાલ કરી, એવી આંખ લાલ કરી કે...

જયેશ પટેલની આગેવાનીમાં 1500 જેટલા પાસ કાર્યકરો ભાજપનો ખેસ પહેરશે
સાડા પાંચ મહિના બાદ હાર્દિક પટેલની પાછળ પાછળ ભાજપમાં ન જોડાયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના સભ્યો આવતીકાલે ભાજપમાં જોડાશે. સરકાર સામે આંદોલન કરનાર સંગઠનના સભ્યો હવે ભાજપમાં જોડાશે. જેમાં એક સાથે 1500 જેટલા પાસના કાર્યકરો ભાજપમાં કેસરી ખેસ ધારણ કરશે. ભાજપમાં જોડાવા જઈ રહેલા મોટા ભાગના કોંગ્રેસમાં હતા. જો કે હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ ટાણે હાર્દિકનો સાથ આપ્યો ન હતો. પરંતુ હવે ચૂંટણીના ગરમ માહોલમાં ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે. પાસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવતીકાલે 24મી નવેમ્બર અને ગુરુવારના રોજ અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં વિધિવત રીતે જોડાશે. હાર્દિક પટેલ જૂન મહિનામાં ભાજપમાં જોડાયા હતા. હાલ વિરમગામ બેઠક પર ભાજપના વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર છે.

અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ
અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ

મોદી સાહેબ વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા તે કોંગ્રેસે બનાવી હતી- જીગ્નેશ મેવાણી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ રેલીઓ અને સભાઓ ગજવી રહ્યા છે. આજે બનાસકાંઠાના થરામાં કોંગ્રેસની સભા હતી. જેમાં જિજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું તેનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, નર્મદા ડેમના પાયાની પહેલી ઈંટ કોંગ્રેસ પાર્ટીએ મૂકી હતી. મોદી સાહેબ વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા તે કોંગ્રેસે બનાવી હતી. આપણા ગામની પાણીની ટાંકી કોંગ્રેસે બનાવી, તાલુકાનો રોડ-રસ્તો કોંગ્રેસે બનાવ્યો, તાલુકાની કચેરી ગુજરાતના 33 જિલ્લાની પંચાયતોના મકાનો, GEBની ઓફિસ, સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરીઓ આ તમામે તમામ કોંગ્રેસ પાર્ટીએ બનાવી હતી અને આપણને પૂછે છે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું.

જિજ્ઞેશ મેવાણી
જિજ્ઞેશ મેવાણી

યુથ કોંગ્રેસમાં એક સાથે 25 હોદ્દેદારોના રાજીનામા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ યથાવત્ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના દિગ્ગજ કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે દહેગામનાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે હવે રાજકોટમાં કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામાં આપી દીધા છે. પાટીદાર આંદોલન સમયથી જ હાર્દિક પટેલની સાથે રહેલા તેમના ખાસ સાથીદાર બ્રિજેશ પટેલે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. એ ઉપરાંત એક સમયે હાર્દિક પટેલના સમર્થક રહેલા જયેશ પટેલ સહિત 25 લોકોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દીધાં છે, જેમાં 16 પાટીદાર છે.

હાર્દિકના સમર્થક જયેશ પટેલે પણ રાજીનામું આપ્યું.
હાર્દિકના સમર્થક જયેશ પટેલે પણ રાજીનામું આપ્યું.

ભાજપે આઠ વર્ષમાં 23 કરોડ લોકોને ગરીબ બનાવ્યાઃ મનીષ તિવારી
કોંગ્રેસના સ્ટારપ્રચારક મનીષ તિવારી આજે અમદાવાદમાં આવ્ચા છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે 2014 પહેલાં યુપીએ સરકારે 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતા, જ્યારે ભાજપની સરકારે માત્ર આઠ જ વર્ષમાં 23 કરોડ લોકોને ગરીબ બનાવી દીધા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે GST લાગુ થવાથી 2 લાખ 30 હજાર લઘુ ઉદ્યોગ બંધ થયા છે. આ ભાજપની સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વસૂલી 27.2 લાખ કરોડ ભેગા કર્યા છે. 2014માં 410 રૂપિયાનું ગેસ-સિલિન્ડર હવે 1060 રૂપિયાનું થઈ ગયું છે.

અર્બુદા સેનાએ સાણંદના પ્રાંત ઓફિસર મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
સાણંદમાં પ્રાંત અધિકારીના આપઘાતથી ચકચાર મચી જવા પામી છે. ત્યારે અર્બુદા સેનાએ મુખ્યમંત્રીને પત્ર લખીને યોગ્ય તપાસની માગ કરવામાં આવી છે. સાણંદના પ્રાંત ઓફિસર આર કે પટેલ સરળ અને પ્રામાણિક વ્યક્તિ હતા. તેમના મૃત્યુને આત્મહત્યા જાહેર કરવામાં આવી છે. આર કે પટેલના સ્વભાવ અને કાર્યનિષ્ઠાને જોતાં તેઓ આત્મહત્યા ક્યારેય પણ ના કરી શકે એવું અર્બુદા સેનાએ પત્ર દ્વારા મુખ્યમંત્રીને જણાવ્યું છે.

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી હતી.
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી હતી.

બે દિગ્ગજ ક્રિકેટરો ચૂંટણીપ્રચારમાં
આજે વડાપ્રધાન મોદી રાજ્યમાં ચાર શહેરમાં સભાઓ ગજવશે તેમજ ક્રિકેટજગતના બે ધુરંધરો પણ સભાઓ ગજવી છે, જેમાં ભારતીય ટીમના ખેલાડી રવીન્દ્ર જાડેજા પત્ની રીવાબા માટે પ્રચાર કર્યો હતો, તો પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ આજે બાયડમાં AAPના ઉમેદવાર ચીનુભાઈ પટેલ માટે રોડ શો કર્યો હતો. ડભોઈ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે પ્રચાર દરમિયાન લોકોને નાણાં વહેંચતા દેખાય છે. હવે તેમના વિરુદ્ધ ભાજપ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.

રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે બળદગાડામાં પ્રચાર કર્યો
વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક રાજકીય પક્ષ પ્રચાર-પ્રસારમાં મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરે છે. ત્યારે આજે રાજકોટની દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા શહેરના હરિ ઘવા રોડ પર બળદગાડામાં પ્રચાર કરવા નીકળ્યા હતા અને તેમની સાથે કાર્યકરોએ ગેસના બાટલા લઈને મોંઘવારીનો વિરોધ કર્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-70 દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાએ પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસ સહિતની ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચતાં તેઓ બળદગાડામાં પ્રચાર કરવા નીકળ્યા હતા અને કાર્યકરોએ માથે ગેસનો બાટલો મૂકી પેટ્રોલ-ડીઝલના વધતા ભાવનો વિરોધ કરી પ્રચાર-પ્રસાર કર્યો હતો.

રાજકોટ દક્ષિણના કોંગ્રેસના ઉમેદવાર ગાડા ઉપર પ્રચાર કરવા નીકળ્યા.
રાજકોટ દક્ષિણના કોંગ્રેસના ઉમેદવાર ગાડા ઉપર પ્રચાર કરવા નીકળ્યા.

પાંચ બેઠક પર પોલીસકર્મીઓનું પ્રથમ દિવસે 69.70 ટકા મતદાન
સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક પર તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે મતદાન સમયે મતદાન મથકો પર ફરજ બજાવનારા પોલીસકર્મીઓ, અધિકારીઓ તથા હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો માટે તા. 22 અને 23ના રોજ પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરાયું હતું. એમાં જિલ્લાની 5 બેઠક પર ફરજ બજાવનારા નોંધાયેલા 3,449 મતદારમાંથી 2,404 મતદાતાએ પોતાનું મતદાન કર્યું હતું. એકંદરે 69.70 ટકા મતદાન પ્રથમ દિવસે નોંધાયું છે. હજુ આજે બીજા દિવસે તા. 23ના રોજ પોલીસકર્મી મતદાન કરી શકશે.

પોલીસકર્મીઓએ મતદાન કર્યું.
પોલીસકર્મીઓએ મતદાન કર્યું.

રાજકોટના કુવાડવા ગામેથી 85 વર્ષનાં દાદીએ કર્યું સૌપ્રથમ મતદાન
એક તરફ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મતદારોને રીઝવવા માટે અવનવા તુક્કા અજમાવાઈ રહ્યા છે. બીજી તરફ, હાલ મતદાન પણ શરૂ થઈ ચૂક્યું છે. જી હા, તમને જાણીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે. વડાપ્રધાન મોદી દ્વારા 80 વર્ષથી વધુના વૃદ્ધોને મતદાન માટે લાઈનમાં ઊભું રહેવું ન પડે એ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ચૂંટણી ફરજ પરના કર્મચારી આવા અશક્ત વૃદ્ધોની ઘરે જઈને મતદાન કરાવી રહ્યા છે. આવી રીતે થતાં મતદાન દરમિયાન ગુપ્તતા જળવાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે સરકારની આ યોજના હેઠળ કુવાડવા ખાતે 85 વર્ષનાં દાદીમાએ સૌપ્રથમ મતદાન કર્યું છે.

રાજકોટના વેપારીઓ આકરા પાણીએ
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરાતાંની સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. આ આચારસંહિતાને કારણે સોની વેપારીઓને સહન કરવાનો વખત આવ્યો છે અને વેપારી તથા કારીગરોને ઓથોરિટી દ્વારા તમામ પ્રકારના દાગીનાના ડોકયુમેન્ટ રજૂ કરવામા આવતા હોવા છતાં ભારે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાથી સોની આગેવાનો રજૂઆત કરવામાં આવી હતી,. જેને ધ્યાનમાં રાખી મુખ્ય આગેવાનોએ આ હેરાનગતિ બંધ કરવા માટે રજૂઆત કરી છે અન્યથા રાજકોટ સોનીબજાર અચોક્કસ મુદત માટે બંધ રાખવાનું નકકી કરવામાં આવ્યું છે.

રાજકોટના કુવાડવા ગામમાં દાદીએ મતદાન કર્યું.
રાજકોટના કુવાડવા ગામમાં દાદીએ મતદાન કર્યું.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પત્નીને જિતાડવા મેદાનમાં ઊતર્યા
રવીન્દ્ર જાડેજા પત્નીના ઉમેદવારી ભરતા સમયે પણ હાજર રહ્યા હતા. ત્યારે ગઈકાલે તેઓ જામનગરમાં પત્ની સાથે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. રીવાબાના સમર્થનમાં રવીન્દ્ર જાડેજાનો જામનગરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. એમાં રવીન્દ્ર જાડેજા જામનગરની બજારમાં ખુલ્લી જીપમાં ફર્યા હતા. આ દિગ્ગજ ક્રિકેટરે પત્ની માટે વોટની અપીલ કરી હતી. રવીન્દ્ર જાડેજાને ઠેર ઠેર પ્રચંડ આવકાર મળ્યો હતો. રોડ શો દરમિયાન જાડેજા પર ફૂલોની વર્ષા થઈ હતી.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પણ પત્નીને જિતાડવા પ્રચાર કરશે.
ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પણ પત્નીને જિતાડવા પ્રચાર કરશે.

AAPના સ્ટારપ્રચારક હરભજન સિંહ પણ ઊતર્યા ચૂંટણીપ્રચારમાં
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા હરભજન સિંહે પણ હવે જંપલાવ્યું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર અને દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ આજે બાયડમાં AAPના ઉમેદવાર ચીનુભાઈ પટેલ માટે રોડ શો કર્યો હતો અને બાદમાં જનસભાને સંબોધી હતી. ત્યારે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ગોધરામાં જનસભાને સંબોધી હતી.

પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ પણ આજે બાયડમાં રોડ શો
પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ પણ આજે બાયડમાં રોડ શો

ભાજપ માટે મત માગવા હવે NRI મેદાને
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જુદા જુદા રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે જુદી જુદી રીત અપનાવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે અનેક NRI રાજ્યના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ભારતીય જનતા પાર્ટી માટે મત માગશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશેષ છબિ ધરાવે છે અને વિશ્વની અનેક સત્તાઓ હવે નરેન્દ્ર મોદીને પૂછીને અનેક નિર્ણયો લેતી થઈ છે ત્યારે આ પ્રવૃત્તિઓથી પ્રેરાઈને વિદેશમાં વસતા ભારતીય અને ખાસ ગુજરાતીઓ વિધાનસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આવ્યા છે.

કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીને ચૂંટણીપંચમાં ફરિયાદ કરી.
કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીને ચૂંટણીપંચમાં ફરિયાદ કરી.

દરિયાપુરના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ ચૂંટણીપંચને પત્ર લખ્યો
અમદાવાદના દરિયાપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચૂંટણીપંચને પત્ર લખી ભાજપના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ ફરિયાદ કરી છે. કૌશિક જૈન ધાકધમથી મતદાન કરાવતા હોવાનો દાવો પત્રમાં કરવામાં આવ્યો છે. ભાજપ અને ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગ્યાસુદ્દીને એક વીડિયો વાઇરલ કરીને દરિયાપુર બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ આક્ષેપ કર્યા છે. ગ્યાસુદ્દીને આ અંગે એક વીડિયો પણ વાઇરલ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યા છે કે કૌશિક જૈન વિસ્તારના બૂટલેગર સાથે બેઠક કરે છે. એટલું જ નહીં, તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના ઉમેદવાર અસામાજિક તત્ત્વોની મદદથી ભાજપને જ મત આપવા માટે લોકોને ધાકધમકીઓ આપે છે.

આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા.
આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા.

રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈન જેવો લાગે છે- આસામના CM
ભાજપના સ્ટારપ્રચારકોમાં સામેલ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ફરી એકવાર કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રા પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી આ દિવસોમાં ઇરાકના તાનાશાહ સદામ હુસૈન જેવા દેખાય છે. ચહેરો જ રાખવો હોય તો ગાંધી જેવો રાખો. કોંગ્રેસ માત્ર બાબરનું નામ લે છે અને માત્ર એક જ ધર્મ આગળ રાખે છે. રાહુલ ગાંધી ગુજરાતમાં દેખાતા નથી, આજકાલ તેઓ મહેમાન બનીને આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરંતુ તેઓ ત્યાં પણ ગયા નહોતા. જે રાજ્યોમાં ચૂંટણી નથી ત્યાં જ જઈ રહ્યા છે, પરંતુ જ્યાં ચૂંટણી છે ત્યાં જ નથી જતા. તેમને હારવાનો ડર લાગે છે. તેઓ જાણે છે કે હું જ્યાં પણ જઈશ ત્યાં હું હારી જઈશ. તેમને જીતવાની કોઈ આશા નથી.

ભાજપે 12 બળવાખોરને સસ્પેન્ડ કર્યા.
ભાજપે 12 બળવાખોરને સસ્પેન્ડ કર્યા.

ભાજપે 12 બળવાખોર નેતાને સસ્પેન્ડ કર્યા
ગુજરાત ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના સ્ટારપ્રચારકો ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ, દરેક પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઈને અસંતોષ જોવા મળ્યો હતો. ભાજપમાં પણ ટિકિટ ના મળવાથી બળવો પોકારીને અપક્ષ ઉમેદવારી કરનારા 12 જેટલા નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ભાજપે વડોદરા જિલ્લાની પાદરા, વાઘોડિયા અને સાવલી વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા અનુક્રમે દિનુ ‘મામા’ પટેલ, મધુ શ્રીવાસ્તવ અને કુલદીપસિંહ રાઉલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
વડોદરાના ડભોઈના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. ભાયલી વિસ્તારમાં લોકોને પ્રચાર દરમિયાન રૂપિયા વહેંચવામાં આવતાં બાલકૃષ્ણ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે લોકોને રૂપિયાની નોટો આપતો વીડિયો વાઇરલ થતાં કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદ નોંધાઈ છે.

ભાવનગરના શામપરા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર
ભાવનગર નજીક આવેલા શામપરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં તેમણે મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે, સાથે જ ગામમાં નેતાઓના પ્રચાર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામની જમીન પર સરકારે શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ ઊભી કરી આપી છે, પરંતુ આ શાળાઓનાં નામ અન્ય ગામના લખવામાં આવ્યાં છે. ગામની મોડલ સ્કૂલનું નામ સુધારીને ‘મોડલ સ્કૂલ શામપરા’ કરવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે. આ સિવાય પોલીસ અને આર્મીમાં જવાની તૈયારી કરતા યુવકો માટે મેદાન ફાળવવામાં આવે અને ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે એવી સ્થાનિકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...