મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:PM મોદીનો ગુજરાત ભાજપની પેજ સમિતિ સાથે સંવાદ, રાજ્યમાં બે દિવસમાં કોરોનાના કેસ 40% ઘટી 13805, ત્રીજી લહેરમાં સૌથી વધુ 25નાં મોત

4 મહિનો પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર છે, 25 જાન્યુઆરી, પોષ વદ-સાતમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ગુજરાત પ્રદેશ પેજ પ્રમુખ સમિતિના પ્રમુખો, અધ્યક્ષો સાથે સંવાદ કરશે

2) આજે સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય મતદાતા દિવસ-2022ની રાજ્યકક્ષાની ઉજવણી વર્ચ્યુઅલ રીતે યોજાશે

3) આજથી પંજાબ વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ગુજરાતમાં બે દિવસમાં જ નવા કોરોનાના કેસમાં 40 ટકાનો ઘટાડો, નવા કેસ ઘટીને 14 હજાર નીચે, ત્રીજી લહેરના સૌથી વધુ 25નાં મોત

ગુજરાતમાં હવે કોરોનાની સુનામી ધીમી પડી ગઈ છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે. ગઈકાલે 24 કલાકમાં 13805 કેસ નોંધાયા હતા અને ત્રીજી લહેરના સૌથી વધુ 25ના મોત થયા. આ પહેલા 22 જાન્યુઆરીએ 23150 કેસ નોંધાયા હતા. જે 24 જાન્યુઆરીએ 40 ટકા જેટલા ઘટીને 13805 થયા છે. તેમજ 13769 દર્દી સાજા થયા છે. જેને પગલે રિકવરી રેટ સુધરીને 86.49 ટકા થયો છે. ગઈકાલે અમદાવાદમાં 4441 કેસ, વડોદરામાં 3255 કેસ, સુરતમાં 1374 કેસ અને રાજકોટમાં 1149 કેસ નોંધાયા હતા.

વાંચો સમાચાર વિગતવાર

2) આ તો શરૂઆત છે, ઠંડા પવનથી ગુજરાતમાં યલો એલર્ટઃ નલિયામાં 4, અમદાવાદમાં 7 ડીગ્રીની નીચે જશે તાપમાન

ઉત્તર પશ્ચિમના ઠંડા પવન સીધા આવતા રાજ્યભરમાં કોલ્ડવેવનો નવો રાઉન્ડ શરુ થઈ ગયો છે. આની અસર તળે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડશે. રવિવારે વિવિધ શહેરોનું લઘુતમ તાપમાન 7થી 12 ડિગ્રી ઘટી ગયું હતું. હવામાન વિભાગે તો ચેતવણી આપી છે કે, આ કોલ્ડવેવ દરમિયાન નલિયામાં 4 ડિગ્રી અને અમદાવાદમાં 7 ડિગ્રીની નીચે તાપમાનનો પારો જઈ શકે છે. જ્યારે ઠંડા પવનની સૌથી વધુ અસર ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ ઉપરાંત આખા સૌરાષ્ટ્રમાં રહેશે.

વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી કોઈપણ સમયે ઓનલાઈન પરીક્ષા આપી શકશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ સવારે સાત વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધીમાં કોઈ પણ સમયે પરીક્ષા આપી શકશે. ઓનલાઈન ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ અત્યારે માત્ર PGના વિદ્યાર્થીઓ માટે જ રહેશે. આ વિકલ્પમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા માટેની ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. ત્યાર બાદ ઓનલાઈનનો વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓને વિષય પ્રમાણે કેટલાક સવાલ આપવામાં આવશે. આપવામાં આવેલા સવાલો જ વિદ્યાર્થીઓએ વાંચવાના રહેશે. સવાલો વાંચ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા પ્રમાણે પરીક્ષાનો સમય પસંદ કરી શકશે.

વાંચો સમાચાર વિગતવાર

4) વૈશ્વિક સંકેતો પાછળ ભારતીય શેરબજારમાં 1545 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના રૂપિયા 9.56 લાખ કરોડ ધોવાયા

કામકાજ માટે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ચોતરફ તમામ સેક્ટરના શેરોમાં નિકળેલી જંગી વેચવાલીના દબાણને પગલે 1545 પોઇન્ટનો તોતિંગ કડાકો બોલાઈ ગયો હતો. જેને પગલે રોકાણકારોના રૂપિયા 9.56 લાખ કરોડનું જંગી ધોવાણ થયું છે. સેન્સેક્સ પેકની તમામ 30 કંપનીના શેરોમાં મંદી જોવા મળી હતી. અમેરિકાની મધ્યસ્થ બેન્કે વ્યાજ દરોમાં વધારો કરવાના સંકેત આપતા, યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોને મોટાપાયે વેચવાલી હાથ ધરી હતી. યુએસ ફેડ આ સપ્તાહે વ્યાજદરોમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લે તેવી પ્રબળ શક્યતા છે.

વાંચો સમાચાર વિગતવાર

5) સિરિયામાં ISIS અને કુર્દિશ સેના વચ્ચે લોહિયાળ સંઘર્ષ, અલ-હસાકાની જેલ પર ISISના આતંકવાદીઓનો હુમલો, 84 આતંકી સહિત 136નાં મોત

સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકવાદીઓ અને કુર્દિશ સેના વચ્ચે ચાર દિવસથી ચાલી રહેલી લડાઈમાં રવિવાર સુધીમાં 136 લોકો માર્યા ગયા છે. આતંકવાદીઓ અને કુર્દ સેના વચ્ચેની આ લડાઈ ગુરુવારે શરૂ થઈ હતી. ISISના 100થી વધુ આતંકવાદીઓએ તેમના સાથીઓને મુક્ત કરાવવા માટે સિરિયાના અલ-હસાકા શહેરની ઘવેરન જેલ પર હુમલો કર્યો હતો. બાદમાં કુર્દિશ સેનાએ પણ તેમના પર વળતો હુમલો કર્યો હતો.બ્રિટનની સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, ISISના આતંકીઓએ જેલ પર હુમલો કરીને તેમના ઘણા સાથીઓને મુક્ત કરાવી લીધા હતા અને ઘણાં હથિયારો પણ લૂંટી લીધાં હતાં.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) કેનેડામાં ઠંડીમાં થીજીને મૃત્યુ પામેલા ચાર વર્ષના બાળક સહિત 4 ગુજરાતીની કેનેડામાં પ્રાર્થના સભા યોજાઈ

2) સૌ.યુનિ.માં 27 જાન્યુઆરીથી યોજાનારી પરીક્ષામાં વિદ્યાર્થીએ રસીના બંને ડોઝ લીધા હશે તો જ એક્ઝામમાં પ્રવેશ મળશે

3) ઓમિક્રોનથી મળશે રાહત, ભારતમાં 15 ફેબ્રુઆરી સુધીમાં અટકશે કોરોનાની સ્પીડ, અમુક રાજ્યો અને મેટ્રો શહેરમાં ઘટ્યા કોવિડ કેસ

4) પંજાબમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ, BJP 65, SAD સંયુક્ત 15 અને કેપ્ટનની પાર્ટી 37 બેઠક પર ચૂંટણી લડશે, દિલ્હીમાં જાહેરાત થઈ

5) સલમાન ખાનના પડોશી કેતન કક્કડનો આક્ષેપ, એક્ટરના ફાર્મહાઉસમાં અનેક ફિલ્મસ્ટાર્સની લાશ દફનાવવામાં આવી છે

આજનો ઈતિહાસ
વર્ષ 1952માં આજના દિવસે મુંબઈમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અને આજનો સુવિચાર
જિંદગીને જાણવા કરતાં માણવાનું વધારે રાખો, કારણ કે જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...