વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (શુક્રવાર) ગાંધીનગર કમલમ ખાતે ગુજરાત ભાજપના નેતાઓ, ધારાસભ્યો, સંસદસભ્યો અને કેટલાક હોદ્દેદારો સાથે બેઠક કરવાના છે. કમલમ પ્રદેશ કાર્યાલયમાં આવેલા હોલમાં સવારે 11.30થી 1 વાગ્યા સુધી બેઠક કરવાના છે. હોલમાં બેઠક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. LED લાઈટ, સ્ટેજ લાઈટ સહિતની સુવિધાઓ હોલમાં અંદાજે 350 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હોલમાં સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેસશે. ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમના આ કોન્ફરન્સ હોલમાં અનેક બેઠકો થઈ હશે. પરંતુ આવતીકાલે આ હોલમાં ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણી સહિતની ચર્ચાઓ થશે.
કીઓસ્કમાં તમામ લોકોએ પોતાની નોંધ કરાવવી ફરજિયાત
આ બેઠકમાં ભાગ લેનારા લોકોએ ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે. હોલની બહાર એક કીઓસ્ક મુકવાના આવ્યું છે. આ કીઓસ્કમાં તમામ ભાગ લેનારા લોકોએ પોતાની નોંધ કરવાની રહેશે. નામ, અટક, શહેરનું નામ, જીલ્લો, નમો એપ ઇન્સ્ટોલ કરી છે કે કેમ વગેરેની નોંધ કરવામાં આવશે. આ તમામ વિગતો ભર્યા બાદ નેક્સ્ટ કરવામાં આવશે, ત્યારબાદ કીઓસ્કમાંથી ફોટો પણ પાડવાનો રહેશે. ફોટા સાથે કીઓસ્કમાં એન્ટ્રી કર્યા બાદ જ હોલમાં પ્રવેશ કરવાનો રહેશે.
મુખ્યમંત્રી GMDC ગ્રાઉન્ડ પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન જે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે તે પંચાયતી રાજ મહાસંમેલનના કાર્યક્રમ સ્થળ જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ અને ખેલ મહાકુંભના પ્રારંભ અવસરના સ્થળ સરદાર પટેલ સ્ટેડિયમની સ્થળ મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.તેમણે આ કાર્યક્રમોના સ્થળની બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગ સહિતની બધી જ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.
PMના રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે ઊમટશે
પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે 11મીએ સવારે દિલ્હીથી વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવશે. એરપોર્ટથી કમલમ સુધી રોડ શો યોજાશે. વડાપ્રધાનના આ રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે, જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે. કોરોના પછી PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. વડાપ્રધાનના સરપંચ સંમેલન અંગે માહિતી આપતાં પાટીલે કહ્યું, સાંજે તેઓ સરપંચ સંમેલનમાં હાજર રહેશે. એમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે.
પીએમની સુરક્ષામાં 5550 પોલસીકર્મી તહેનાત
પીએમ મોદીના આગમન પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. પીએમની સુરક્ષામાં હથિયારી ગાર્ડ પણ રહેશે. VVIP અવરજવર હશે, ત્યારે બિનઅધિકૃત લોકોનો પ્રવેશ રોકવામાં આવશે. પીએમના આગમન સમયે હુમલો, વિરોધપ્રદર્શન જેવી સ્થિતિ ઊભી ના થાય એનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. આ અંગે સેક્ટર-1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે અત્યારસુધીના VVIP બંદોબસ્તમાં જે ખામીઓ થઇ છે એ ફરીથી ના થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. મોદીના કાર્યક્રમ દરમિયાન 4 IG-DIG કક્ષાના અધિકારીઓ, 24 DCP, 38 ACP, 124 PI, 400 PSI અને 5550 પોલસીકર્મી તહેનાત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.