નેશનલ ગેમ્સ ઓપનિંગ સેરેમની:PMએ નેશનલ ગેમ્સના ઉદઘાટન પ્રસંગે કહ્યું, દેશ આર્થિક રીતે ટોપ પર છે તે દેશ મેડલ લિસ્ટમાં પણ ઉપર હોય છે

અમદાવાદ2 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા ખેલ મહોત્સવ, 36મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સંબોધનમાં જણાવ્યું કે, આ દ્રશ્ય, આ તસવીર, આ માહોલ, શબ્દોથી ઉપર છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, વિશ્વના આટલા યુવા દેશ, દેશના સૌથી મોટા ખેલ ઉત્સવ. જ્યારે આયોજન આટલું અદભૂત અને અદ્વિતીય હોય તો તેની ઉર્જા એવી જ અસાધારણ હશે. દેશના 36 રાજ્યોથી 7 હજારથી વધુ એથલેટ્સ, 25 હજારથી વધુ કોલેજ, 15 હજારથી વધુ એથલેટ્સ, 50 લાખથી વધુ સ્ટુડેન્ટ્સનું નેશનલ ગેમ્સથી સીધો જોડાવ, આ અદભૂત છે.

દેશ આર્થિક રીતે ટોપ પર છે તે દેશ મેડલ લિસ્ટમાં પણ ઉપર હોય છે
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈ પણ દેશની પ્રગતિ અને દુનિયામાં તેના સન્માનનો રમતોમાં તેની સફળતા સાથે સિધો સંબંધ હોય છે. રાષ્ટ્રને નેતૃત્વ દેશનો યુવા આપે છે, ખેલ તેમના જીવન નિર્વાહનો મુખ્ય સ્ત્રોત હોય છે. જે દેશ આર્થિક રીતે ટોપ પર છે તે દેશ મેડલ લિસ્ટમાં પણ ઉપર હોય છે.

બીજા રાજ્યથી આવેલા ખેલાડીઓ નવરાત્રી આયોજનનો લાભ પણ જરૂર લેજો
PM નરેન્દ્ર મોદીનું સંબોધનએ કહ્યું કે, બીજા રાજ્યથી આવેલા ખેલાડીઓને કહીશ કે અહીં(ગુજરાત) નવરાત્રી આયોજનનો લાભ પણ જરૂર લેજો. ગુજરાતના લોકો તમારી મહેમાનગતીમાં સ્વાગતમાં કોઈ કસર નહીં છોડે. આમ મેં જોયું છે કેવી રીતે આપણા નિરજ ચોપરા, ગઇકાલે ગરબાનો આનંદ લઇ રહ્યા હતા. ઉત્સવની એજ ખુશી આપણા ભારતીયોને જોડે છે, એકબીજાનો સાથ આપવા માટે પ્રેરિત કરે છે.

સમગ્ર ગુજરાતમાંથી એક લાખ લોકો આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ઉમટ્યા છે, ત્યારે આજે બપોરે 2 વાગ્યાથી જ ઉદ્ઘાટન સમારોહ માટે લોકોને પ્રવેશ આપવાની શરૂઆત કરાઈ હતી, મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા છે.

સ્પોર્ટ્સ કોન્ક્લેવ 2022- બોડી ફિટ તો માઇન્ડ હિટના મંત્ર સાથે ચર્ચા કરી
રાજ્યમાં આજથી 36મા નેશનલ ગેમ્સનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામાં આવ્યો છે. જેની સાથે સ્પોર્ટ્સ કોન્કલેવ 2022નો પણ પ્રારંભ થયો છે. સૌ પ્રથમવાર યોજાયેલા આ સ્પોર્ટ્સ કોન્કલેવમાં દેશના ખ્યાતિપ્રાપ્ત ખેલાડીઓ પી.વી.સિંધુ, વી.વી.એસ લક્ષ્મણ, અંજુ બોબી જ્યોર્જ સહિત ભારતના આંતરરાષ્ટ્રીય રમતવીરો અને સ્પોર્ટ્સ નિષ્ણાતોનું રાષ્ટ્રનિર્માણમાં રમત-ગમતની ભૂમિકા તથા નવી શિક્ષણનીતિ અને સ્પોર્ટ્સ- બોડી ફિટ તો માઇન્ડ હિટ બંને વિષયોને લઈ ચર્ચાસત્ર યોજાયું હતું. "જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા"ના સંકલ્પ સાથે અમદાવાદના ગોધાવી ખાતે આવેલા સંસ્કારધામ સંકુલ ખાતે સ્પોર્ટ્સ કોન્ક્લેવનું આયોજન થયું હતું.

દ્રઢ સંકલ્પ અને પ્રબળ ઇચ્છાશક્તિથી સફળ આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પોલિટિકલ વિલ અને ટીમવર્કથી સૌથી ઓછા સમયમાં નેશનલ ગેમ્સનું આયોજન સાકાર થયું છે. દ્રઢ સંકલ્પ અને પ્રબળ ઇચ્છાશક્તિથી સફળ આયોજન કરવા બદલ તેમણે રમત-ગમત વિભાગને વિશેષ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે. વિકસિત રાષ્ટ્ર બનવા માટે રમત-ગમત ક્ષેત્રે વિકાસ અનિવાર્ય છે.

રાજ્યના 6 શહેરોમાં નેશનલ ગેમ્સનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સના મેસ્કોટ સાવજ સાથેની કારમાં સમગ્ર સ્ટેડિયમમાં ખુલ્લી કારમાં રાઉન્ડ લગાવ્યો હતો અને સ્ટેડિયમમાં ઉપસ્થિત સહુ ખેલાડીઓ, મહેમાનો દરેકનુ અભિવાદન ઝીલ્યું હતું. નેશનલ ગેમ્સનું અમદાવાદ, ગાંધીનગર, સુરત વડોદરા, રાજકોટ અને ભાવનગરનું આયોજન કરાયું છે. નેશનલ ગેમ્સનો આજથી પ્રારંભ થયો છે, જે 12 ઓક્ટોબર સુધી ચાલશે. આ રમતોત્સવમાં દેશની 37 ટીમોના 7000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ રમતોત્સવનો પૂર્ણાહુતિ સમારોહ 10 ઓક્ટોબરે યોજાશે.

સઘન ચેકિંગ બાદ સ્ટેડિયમમાં પ્રવેશ શરૂ
36મા નેશનલ ગેમ્સના ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે આવેલા લોકોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો છે. દરેક પાસે એન્ટ્રી પાસને ચેક કરીને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો છે. બેગ કે અન્ય કોઈ વસ્તુ અંદર લઈ જવા દેવામાં આવી ન હતી.

સમારોહ જોવા માટે કબડ્ડી પ્લેયર પણ પહોંચી
કબડ્ડી પ્લેયર જીનલ ચૌધરીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પહેલીવાર નેશનલ ગેમ્સ યોજવા જઈ રહી છે અને એક ખેલાડી તરીકે અમે અહીંયા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આવ્યા છીએ. અને આ સમારોહ જોવા માટે ખૂબ જ ઉત્સાહ છે.

રાજ્યભરમાંથી સ્કૂલ-કોલેજના સ્ટુડન્ટ પહોંચ્યા
રાજ્યના વિવિધ શહેરોમાંથી લોકો તેમજ સ્કૂલ/કોલેજના વિદ્યાર્થીઓ અને સ્કૂલ કોલેજમાં નેશનલ તેમજ સ્ટ્રીટ લેવલે રમતા ખેલાડીઓ પણ આ ઉદઘાટન સમારોહ જોવા માટે મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની જી. ડી મોદી કોલેજના વિદ્યાથીઓ પણ ભાગ લેવા માટે આવ્યા હતા.

મોદી સ્ટેડિયમ બહાર લોકોએ લીધી સેલ્ફી
નેશનલ ગેમ્સના ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે વિવિધ જિલ્લાઓ અને શહેરોમાંથી લોકો આવી રહ્યા છે. સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે લાઈનો લાગી છે. લોકો હાથમાં મોબાઈલ લઇ અને મોદી સ્ટેડિયમની બહાર ફોટા અને વીડિયો લેતા લેતા અંદર પ્રવેશ મેળવી રહ્યા છે.

ફરી એકવાર સ્ટેડિયમમાં ખીચોખીચ ભીડ
ગેમના ઉદઘાટન પ્રસંગે નરેન્દ્ર મોદી અમદાવાદના નમો સ્ટેડિયમમાં આવવાના છે જે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર એવો માહોલ છે જે એક સમયે ટ્રમ્પ આવ્યા હતા ત્યારે જે ખીચોખીચ ભીડ હતી તેઓ જ હાલ માહોલ સર્જાયો છે અને હજારો લોકો બહાર લાઈનમાં ઉભા છે. હજારો લોકો સ્ટેડિયમની અંદર બેસી ગયા છે અને ટૂંક સમયમાં સ્ટેડિયમ આખરે આખું ભરાઈ જશે અને થોડા સમય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ અહીંયા શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...