ગુજરાત પંચાયત મહા સંમેલન:PM મોદીએ ઘરના ડાયરાની જેમ પંચાયતના પ્રતિનિધિઓને સંબોધ્યા, કહ્યું-SP એટલે કે સરપંચ પતિ નહીં, પણ મહિલા સરપંચો જ ગામનો વહીવટ કરે

અમદાવાદ9 મહિનો પહેલા
  • PM મોદીએ 3 મિનિટ હિન્દીમાં સંબોધન કર્યું, પછી કેમ છો બધાં કહી ગુજરાતીમાં સંબોધ્યા
  • કોરોનાને ગામડાંમાં પ્રવેશતા ફીણ આવી ગયાઃ મોદી
  • મોદીના સૂચના બાદ શિક્ષણ વિભાગ દરેક શાળાનો જન્મ દિવસ ઉજવશે

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપૂર અને ગોવામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વડાપ્રધાન મોદી ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા ગુજરાતમાં છે.વડાપ્રધાને એરપોર્ટથી કમલમ સુધી બે કલાક રોડ શો કર્યો હતો. કમલમમાં ગુજરાતના નેતાઓ સાથે હાલની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ રાજભવન ગયા હતા. જ્યાંથી સાડા ચાર વાગ્યે GMDCમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં આવ્યા હતા.

પીએમ મોદીએ પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. ત્યાર બાદ તેમણે પાંચ ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કર્યું હતું. તેમજ 5 વાગ્યાથી 40 મિનિટ સુધી પંચાયતના પ્રતિનિધિઓ સાથે ઘરના ડાયરાની જેમ વાતો કરી હતી. PM મોદીએ 3 મિનિટ હિન્દીમાં સંબોધન કર્યું, પછી કેમ છો બધાં કહી ગુજરાતીમાં સંબોધ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં રાજભવન પહોંચશે. સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પી.કે લહેરી સહિતના ટ્રસ્ટીઓ હાજર રહેશે. અમિત શાહ 4 વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયાઃ મોદી
અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયાઃ મોદી

બાપુએ સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહીઃ મોદી
પીએ મોદીએ કહ્યું કે, લોક તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયા. આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે, એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જોતા હતા.

‘કોરોનામાં ગામડાંઓએ સુઝ બતાવી’
આટલી મોટી મહામારી, આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી એ કોરોનાને ગામડાંમાં પહોંચ પહોંચતા મોંમાં ફીણ આવી ગયા.ગામડાંઓએ સુઝ પ્રમાણે નિયમો ગોઠવ્યા. બહાર આવે તેને બહાર રાખ્યા, બહાર રહે તેના માટે વ્યવસ્થા ગામ કરે. ગામડાંઓએ કોરોનાના કાળખંડમાં અદભૂત વ્યવસ્થા વિકસાવી અને ગામડાંમાં મહામારીને પ્રવેશતી રોકી રાખવામાં ખૂબ કામ કર્યું.

ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છેઃ મોદી
ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છેઃ મોદી

‘મહામારીમાં ખેડૂતોએ દેશના અન્નો ભંડાર ભરી દીધો’
હું ગામડાંના પ્રતિનિધિઓને લાખ લાખ અભિનંદન આપું છું. આપણા નાના ખેડૂતે કામમાં કોઈ પાછી પાનીના ના કરી અને ભારતનો અન્નનો ભંડાર ભરવા માટે હું આભાર માનું છું. અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદભાગ્ય છે કે, દેશના લોકોને ખબર નહીં, ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે.

સર્વોદય પ્રવૃત્તિ સાથે જોડાયેલા દ્વારકાદાસ જોશીને યાદ કર્યા
બાળપણમાં સર્વોદય પ્રવૃત્તિ સાથે જોડાયેલા દ્વારકાદાસ જોશી પાસેથી વાતો સાંભળતો હતો. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં લોકો આમને સામને ન આવે પણ ગામડાંની ચૂંટણીમાં લોકો સામ સામે આવે છે. ઘણીવાર તો દીકરી પાછી આવે કારણ કે ચૂંટણીમાં સામ સામે હતા. વેરના વાવેતર થઈ જતા હતા. વિનોબાભાવે કહેતા ગામડાંઓમાં મળીને પ્રતિનિધિ નક્કી કરવામાં આવે.

દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે: મોદી
દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે: મોદી

‘શાળાઓનો જન્મ દિવસ ઉજવો’
નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું. કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા શરૂ થઈ હશે તેનું લખાણ હશે ક્યારે શરૂ થઈ તેનું. દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવી શકીએ? શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે.

નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું. કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા શરૂ થઈ હશે તેનું લખાણ હશે ક્યારે શરૂ થઈ તેનું. દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવી શકીએ? શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે.

‘75 વૃક્ષો વાવી, 75 પ્રભાતફેરી કરી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ’
આઝાદીના અમૃતોત્સવ અંતર્ગત ઓગસ્ટ 2023 સુધીમાં 75 કાર્યક્રમો કરી શકીએ? 75 પ્રભાત ફેરી કરીએ. અવાજ કેમ આવતો નથી આવું ચાલે? ગામ આખું ભેગું થઈને નક્કી કરે આઝાદીના 75 વર્ષે ગામમાં એક જગ્યા શોધીને ત્યાં 75 ઝાડ વાવીએ.

આ ધરતી આપણી માતા છે એ માતાને ઝેર પીવડાવી પીવડાવીને આપણે દુઃખી કરી રહ્યા છીએઃ મોદી
આ ધરતી આપણી માતા છે એ માતાને ઝેર પીવડાવી પીવડાવીને આપણે દુઃખી કરી રહ્યા છીએઃ મોદી

‘એક ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ કરે’
75 ખેડૂતો નક્કી કરે કે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. એક તસુભર પણ કેમિકલ નાંખીશું નહીં. આ ધરતી આપણી માતા છે એ માતાને ઝેર પીવડાવી પીવડાવીને આપણે દુઃખી કરી રહ્યા છીએ. આ ધરતીમાતાને બચાવવી એ આપણી જવાબદારી છે. યુરિયા ખાતર નાંખીએ તો માતાને પીડા થાય છે. આપણી માતાને પીડામાંથી મુક્ત કરવી જવાબદારી સંતાનની છે. પૈસા પણ બચશે અને ખેતરની પણ રક્ષા થશે.

‘બોરીબંધ કરીને પાણી બચાવીએ’
આપણો મોટા ખર્ચ પાણી પાછળ થાય છે. આપણે બોરીબંધથી પાણી બચાવતા હતા. આપણે નક્કી કરીએ આપણા ગામ આસપાસ બોરીબંધ બાંધીશું અને પાણી રોકીશું. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં આ સંકલ્પ પુરો કરીશું? કોઈ ખર્ચ નથી. ખાલી ખાતર-સિમેન્ટની થેલીઓ ભેગી કરી માટી ભરીને ગોઠવી દેવાની. પાણી રોકાઈને જમીનમાં જાય એટલે તળ ઉંચા આવશે. આપણે 1 લાખ ખેત તલાવડી બનાવવા અભિયાન કર્યું હતું. ખેતરના એક ખૂણામાં જેટલી જગ્યા હોય એટલી જગ્યામાં ખોદકામ કરીને તલાવડી બનાવીએ.

‘તમારા ગામમાં પશુઓને ખુરપગા બીમારીથી મુક્ત કરાવો’
મનુષ્યના રસીકરણની તો બધાને ખબર છે. ગુજરાતમાં પશુને ખુરપગાનો રોગ થાય છે એના માટે રસીકરણ હોય છે. ભારત સરકારે આઝાદી પછી 13 હજાર કરોડ રૂપિયા પહેલીવાર પશુઓના વેક્સિનેશન માટે કાઢ્યા છે. તમારા ગામમાં આવા પશુઓને ખુરપગાની બીમારીથી મુક્ત કરાવીને જીવદયાનું કામ કરી શકો? જરા જોરથી બોલો, બહેનો બોલો. આપણા ગામમાં એકપણ પશુ ખરપગાના રોગથી પીડાતું ન હોય તો દૂધ વધુ આપે અને ખેતીકામમાં હોય તો ખેતીકામ સારી રીતે કરી શકે.

‘દરેક ઘરમાં LED બલ્બ લગાવો’
સરકાર તરફથી LED બલ્બ આપવામાં આવે છે. હું પ્રધાનમંત્રી બન્યો ત્યારે 400-500 રૂપિયાનો એલઇડી બલ્બ આવતો હવે 40-50માં મળે છે. દરેક ઘરમાં જો આ બલ્બ લગાવી દઇએ તો તમારા ખિસ્સામાં મહિને 200-500 રૂપિયાની પૈસાની બચત થશે. પંચાયતોમાં બલ્બ લગાવીશું તો પંચાયતોનું લાઇટ બિલ પણ ઘટશે. મહિનામાં એકવાર નિવૃત્ત આર્મી મેન, નિવૃત્ત શિક્ષક એમ આ રીતના ઘણાં લોકો હોય છે તેને ભેગા કરો. ગામનો વ્યક્તિ ભણેલો ને આગળ વધેલો હોય તેને બોલાવો. બે પાંચ રૂપિયા આપીને જશે. ગામનો જન્મ દિવસ ઉજવો.

હવે તો ગામડાંના લોકોને થાય છે કામ હોય તો જ શહેરમાં આવીશુંઃ મોદી
હવે તો ગામડાંના લોકોને થાય છે કામ હોય તો જ શહેરમાં આવીશુંઃ મોદી

‘પંચાયતના સભ્યોને અઠવાડીયામાં 15 મિનિટ શાળાએ આંટો મારવો’
પંચાયતના સભ્યોને અઠવાડીયામાં 15 મિનિટ શાળાએ આંટો મારવાનો, આટલું તમે જોઇને આવો તો તમારી ગામની શાળા જીવતી જાગતી થઈ જાય કે નહીં. હવે ઓપ્ટિકલ ફાઈબર આવ્યા છે, આખી દુનિયા તમારા ગામમાં આવી શકે. પંચાયતોના પ્રતિનિધિઓ આ અંગે વિચાર કરે. તેનું માળખું ગોઠવાઈ રહ્યું છે. બાળકોની જરૂરિયાત પુરી કરી શકીએ. કોમન સર્વિસ સેન્ટર સરકાર સુધી પહોંચવાનો હાઇવે છે. તમારી સીધીવાત સરકારમાં પહોંચી જાય છે. કોમન સર્વિસ સેન્ટરમાં રેલવેનું રિઝર્વેશન પણ થઈ શકે છે. આપણાં ગામડાંઓને અદભૂત પરિણામ મળી શકે છે. પ્રતિનિધિઓ નક્કી કરે મારા પાંચ વર્ષના કાર્યકાળમાં એકપણ બાળક શાળા છોડશે નહીં, એકપણ બાળક સ્કૂલે ન જાય એવું બનવું ન જોઇએ. તમને આનંદ આવશે. રોજનો કલાક આપીને હું જિંદગી બદલી રહ્યો છું.

વર્ષો પહેલા હરિયાણામાં પૂછ્યું આ એસપી એટલે શું તો કહ્યું સરપંચ પતિ
હું વર્ષો પહેલા હરિયાણામાં કામ કરતો હતો. અમારી વચ્ચે મીટિંગ થઈ તે પોતાના નામ આપે એસપી, બીજા ભાઈ ઉભા થઈને કહે એસપી. હું વિચારવા લાગ્યો આ ભણેલા તો નથી તો એસપી કેવી રીતે થઈ ગયા?પછી પૂછ્યું આ એસપી એટલે શું તો કહ્યું સરપંચ પતિ. આપણે એવું કરવું નથી. બહેનોએ પોતાના કામ જાતે કરવા જોઇએ. બહેનોને મજા આવી.

‘ચાર રાજ્યોમાં ફરીવાર સરકાર બની એ લોકતંત્રની તાકાત છે’
હવે તો ગામડાંના લોકોને થાય છે કામ હોય તો જ શહેરમાં આવીશું. બાકી કોમ્પ્યુટર પર બેસી કામ કરી શકાય એવી વ્યવસ્થા આવી છે. ચાર રાજ્યોમાં ફરીવાર સરકાર બની એ લોકતંત્રની તાકાત છે. જ્યાં બીજીવાર સરકાર બનતી નહોતી ત્યાં ફરીવાર સરકાર બનાવે એ વાત પ્રજા માનસમાં ઘર કરવા લાગી છે. વિકાસ કરવો જ છે. વિકાસ બધી જ દીશામાં કરવો છે.

‘હોળી પહેલા રંગેચંગે પંચાયત ઉત્સવ ઉજવી ખૂબ મોટું કામ કર્યું’
પંચાયત રાજ વ્યવસ્થા અને ગુજરાતની તેમાં આગવી શક્તિ છે. એ આગવી શક્તિનો લાભ લઈએ. એપ્રિલના ત્રીજા અઠવાડીયામાં પંચાયત રાજ દિવસ પણ આવતો હોય છે. હોળી પહેલા રંગેચંગે પંચાયત ઉત્સવ ઉજવી ખૂબ મોટું કામ કર્યું છે. હું મુખ્યમંત્રીને અભિનંદન આપું છું, આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી...

મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત માટે આજનો દિવસ અવસરથી ઓછો નથી. ગ્રામ પંચાયતોને જાહેર વહીવટમાં પ્રાધાન્ય આપવાનો ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે. મહાત્મા ગાંધીએ ગામડાઓને સક્ષમ બનાવવા પ્રેરણા આપી હતી. વડાપ્રધાને ગામડાઓની ગ્રાન્ટમાં ધરખમ વધારો કર્યો છે. હું સરપંચો વતી તમારો આભાર વ્યક્ત કરું છું.

આવકના દાખલા હવે ત્રણ વર્ષ માટે માન્ય ગણવાનો નિર્ણયઃ મુખ્યમંત્રી
હાલમાં ઇ-ગ્રામ પંચાયત કેન્દ્રો પરથી 56 જેટલી સેવાઓ આપવામાં આવી રહી છે. આવકના દાખલા હવે ત્રણ વર્ષ માટે માન્ય ગણવાનો નિર્ણય કર્યો છે. આવશ્યક ન હોય એવી સેવામાં એફિડેવિટમાંથી મુક્તિ આપી છે. બજેટમાં 4000 ગામોમાં ફ્રી વાઇફાઇ સેવા આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી તરીકે તમે જ્યોતિગ્રામ યોજનાથી સ્થિતિ બદલી નાંખી છે. જેને કારણે ગામડાઓમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નિર્માણ થઈ રહી છે.

ત્રણ વાગ્યા સુધી પંચમહાલ અને મહિસાગરનો ડોમ ખાલીખમ જોવા મળ્યો હતો. જ્યારે 4 વાગ્યે કાર્યક્રમમાંથી કંટાળીને લોકો બહાર આવવા લાગ્યા હતા.

GMDC જવા માટે PM મોદીના નીકળવાની 20 મિનિટ પહેલાં ત્રણ સાઈડનો ટ્રાફિક રોકી લેવામાં આવ્યો હતો. ગાંધીનગરના મુખ્ય પ્રવેશ દ્વાર એવા ચ ઝીરો માર્ગ ઉપર ટ્રાફિક જામ હતો. બન્ને બાજુ 5 કિ.મી.ની લાંબી લાઈનો લાગી હતી.

કંટાળીને કાર્યક્રમ બહાર આવી રહેલા લોકો
કંટાળીને કાર્યક્રમ બહાર આવી રહેલા લોકો

GMDC ગ્રાઉન્ડ બહાર ભીડ જામી
GMDC ગ્રાઉન્ડ બહાર ભીડ જામી છે. ગ્રાઉન્ડ સામે ફ્રુટ માર્કેટ જામ્યું છે. સરપંચ સંમેલનમાં આવેલા લોકો ફ્રૂટનું લારી પર કાકડી, દ્રાક્ષ,કેળા, પાણીની બોટલ લેવા પડાપડી થઈ રહી છે.

રેલિંગ કુદીને GMDCમાં જઈ રહેલા લોકો
રેલિંગ કુદીને GMDCમાં જઈ રહેલા લોકો

લોકોએ રેલિંગ કૂદીને જવું પડ્યું
મોટી સંખ્યામાં લોકો આવતા અવ્યવસ્થા ઉભી થઈ હતી. જેને કારણે લોકોએ રેલિંગ કૂદીને જવું પડ્યું હતું. યુનિવર્સિટી સમરસ કેન્ટીન તરફથી આવતા લોકો રેલિંગ કૂદતા હતા, જેમાં મહિલાઓને ભારે તકલીફ પડી હતી. તેમજ પાર્કિંગને કારણે અન્ય જિલ્લામાંથી આવેલ બસો અટવાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉદેસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમે સવારથી આવ્યા છીએ. જિલ્લા પ્રમાણે અમારા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.અત્યારે બેસવા,જમવા તથા અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

મહિસાગર અને પંચમહાલના ડોમની ખાલી ખુરશીઓ
મહિસાગર અને પંચમહાલના ડોમની ખાલી ખુરશીઓ

મોદી ગુજરાતના દીકરા છેઃ મહુધાના સરપંચ
સુરતના મહુધાના સરપંચ રેખાબેન પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે પરંતુ ગુજરાતના પણ દીકરા છે જેથી આજે તેમના કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા આવ્યા છીએ.પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત તેમના કાર્યક્રમમાં આજે આવવાનો મોકો મળ્યો છે.

લોકોને 1 વાગ્યાથી બેસાડી દેવામાં આવ્યા હતા
લોકોને 1 વાગ્યાથી બેસાડી દેવામાં આવ્યા હતા

ખેલ મહાકુંભ, રક્ષાશક્તિ યુનિ.નો દીક્ષાંત સમારોહમાં પણ મોદી જશે
વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના બે દિવસના સંભવિત કાર્યક્રમો મુજબ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો આરંભ કરાવશે. આની સાથોસાથ વડાપ્રધાન રક્ષાશક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન પણ આપશે. દોઢ દિવસના ગુજરાતના પ્રવાસમાં વડાપ્રધાનના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પાલડી નજીક તૈયાર કરાયેલા સ્પોર્ટસ કોમ્પલેક્સ તથા પશ્ચિમ અને પૂર્વ ફ્રન્ટને જોડતા વોક-વેનું પણ લોકાર્પણ કરવામાં આવશે.