તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:PM મોદી તાઉ-તે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે, અમદાવાદમાં CM રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર!

સૌરાષ્ટ્રમાં તાઉ- તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે. અહીં તેઓ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારો ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાર તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યાર બાદ તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને અધિકારીઓ રાજ્યમાં વાવઝોડા બાદ પરિસ્થિતિ અને બચાવ કામગીરી પર સમીક્ષા બેઠક કરશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ50,193+612
ડોલર73.04-0.17
સોનું(અમદાવાદ) પ્રતિ 10 ગ્રામ--

આ 3 ઘટના પર રહેશે નજર

1) વાવાઝોડાને પગલે રાજ્યના 23 જિલ્લામાં વરસાદ નોંધાયો, ભાવનગરમાં 8 કલાકમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો
વિનાશક 'તાઉ-તે' વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું તે બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ભારે પવનના કારણે વૃક્ષા ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યમાં ભાવનગર, વલસાડ, સુરત, અમરેલી, ભરુચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 23 જિલ્લાઓના 176 તાલુકામાં તાઉ-તે વાવાઝોડાના કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતમાં દૈનિક ડિસ્ચાર્જ 10 હજારનો આંકડો 18મા દિવસે ઘટ્યો, એક મહિના બાદ 6 હજાર નજીક 6447 નવા કેસ અને 67નાં મોત
કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. રાજ્યમાં એક મહિના બાદ 6 હજાર આસપાસ કેસ નોંધાયા છે. આ પહેલાં 13 એપ્રિલે 6 હજાર 690 કેસ અને 67નાં મોત નોંધાયાં હતાં. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6 હજાર 447 નવા કેસ નોધાયા છે તેમજ સતત 14મા દિવસે નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને 18મા દિવસે 10 હજારથી ઓછા દર્દી ડિસ્ચાર્જ થયા છે અને કુલ 9 હજાર 557 લોકોએ કોરોનાને હરાવ્યો છે, જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 86.20 ટકા થયો છે. 17મી મે સુધી સતત 17 દિવસ સુધી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાને માત આપતા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) તાઉ-તેને કારણે 3748 ગામડાં અને 122 કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠો ખોરવાયો, 30થી 40% વીજપોલ ધરાશાયી થયાઃ ઊર્જામંત્રી
તાઉ-તે વાવાઝોડું હજી પણ ગુજરાતને ધમરોળી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વીજતંત્રને થયેલા નુકસાન અંગે રાજકોટમાં ઊર્જામંત્રી સૌરભ પટેલની પ્રેસ-કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તાઉ-તે વાવાઝોડાને કારણે 3748 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જેમાં 1115 ગામડાંમાં ફરી વીજપુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે, બાકીનાં ગામોમાં કામગીરી ચાલી રહી છે તેમજ 122 કોવિડ હોસ્પિટલમાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં 66 જેટલી હોસ્પિટલમાં હજી પણ વીજ પુરવઠો કાર્યરત થયો નથી.
વાંચો સમાચાર વિગતવાર

4) વાવાઝોડાથી ગીર-સોમનાથ જિલ્‍લામાં ભારે ખાનાખરાબી, અનેક ગામડાં સંપર્કવિહોણાં, ઉનામાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ
તાઉ-તે વાવાઝોડાએ ગત રાત્રિના ગીર-સોમનાથ જિલ્લાના ઉના પંથકના દરિયાકાંઠાથી પ્રવેશ કર્યા બાદ ભારે ખાનાખરાબી સર્જી છે. તેની હકકીતો ધીમેધીમે આજે સવારથી સામે આવી રહી છે. જિલ્લામાં જુદાં-જુદાં સ્‍થળોએ બે હજાર જેટલાં વૃક્ષો ધરાશાયી, 721 વીજપોલો ધરાશાયી થવાની સાથે 329 ગામોમાં અંધારપટ અને ઉના-કોડીનારના એક-એક પરિવારો ઇજાગ્રસ્‍ત બન્‍યા હોવાનું તંત્રના પ્રાથમિક અહેવાલમાં સામે આવ્‍યું છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ભારે વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર, અમરેલી-રાજુલા ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં જળબંબાકાર
તાઉ-તે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં વિનાશ નોતર્યા બાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના પગલે અમરેલી-રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે અને હિંડોરણા ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડેમ ઓવરફ્લો થવા કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
વાંચો સમાચાર વિગતવાર

6) તાઉ-તે વાવાઝોડાથી દીવ પહેલીવાર સજ્જડ બંધ, નાગવા બીચનો નજારો ખેદાન-મેદાન થયો, દુર્દશાનાં દૃશ્યો કેમેરામાં કેદ
17 મે 2021ના રોજ સાંજના સમયે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં તાઉ-તે વાવાઝોડાની અસર શરૂ થઇ ચૂકી હતી અને તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો, જે બાદ રાત્રિના સમયે વાવાઝોડું દીવના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડા બાદ પરિસ્થિતિ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ દીવ પહોંચી હતી. દીવ પહોંચતાં જ જોયું તો સમગ્ર દીવ ખેદાન-મેદાન થઇ ગયેલું જોવા મળ્યું હતું. હંમેશાં સહેલાણીઓથી ઊભરાતું દીવ વેરાન વગડા જેવું ભાસ્યું હતું. વાવાઝોડા બાદ તબાહીનાં દૃશ્યો દિવ્ય ભાસ્કરના કેમેરામાં કેદ થયા છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...