વિસનગરમાં ઋષિકેશ પટેલનો વિરોધ:AAP બાદ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી, કાંસામાં ‘ભાજપ બચાવો અને ચોરને હટાવો’ના નારા લાગ્યા

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ચૂંટણી ટાણે જ ભાજપ અને કોંગ્રેસમાં ભડકો થયો છે. ટિકિટો જાહેર થતાંની સાથે જ કાર્યકરો વિરોધ પર ઊતરી આવ્યા છે. વિસનગર વિધાનસભા બેઠક પર ચૂંટણીમાં નવા જુનીનાં એંધાણ સર્જાઈ રહ્યા છે. જેમાં વિસનગર ઘણા સમયથી પાર્ટી સાથે જોડાયેલા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલે ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. જેમાં કાંસા ગામે સભા યોજી ગામ લોકો પાસેથી સમર્થન માગી વિસનગર વિધાનસભા સીટ પર અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. વિસનગરને બચાવો, ભાજપ બચાવો અને ચોરને હટાવો એવા સૂત્રો કરી ખુલ્લો વિરોધ દર્શાવ્યો હતો. આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા વધુ ત્રણ ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સિદ્ધપુર બેઠક, માતર બેઠક અને ઉધના બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આપ બાદ હવે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા 9 ઉમેદવારની યાદી જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસના વધુ 9 ઉમેદવારની યાદી જાહેર
વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા 9 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં દ્વારકામાં મુળુ કંડોરિયા અને તાલાલામાં માનસિંહ ડોડિયા સહિત કોડિનાર (SC)માં મહેશ મકવાણા, ભાવનગર રૂરલમાં રેવતસિંહ ગોહિલ , ભાવનગર પૂર્વમાં બળદેવ માજીભાઈ સોલંકી, બોટાદમાં રમેશ મેર, જંબુસરમાં સંજય સોલંકી, ભરૂચમાં જયકાંતભાઈ બી પટેલ અને ધરમપૂર (ST)માં કિશનભાઈ વેસતભાઈ પટેલે ટિકિટ આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કોંગ્રેસના કુલ 105 ઉમેદવાર જાહેર થઈ ગયા છે.

આપે બે બેઠક પર નવા ઉમેદવાર જાહેર કર્યા
આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની 15મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આપ દ્વારા વધુ બે નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે એક બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યો છે. આપ દ્વારા સિદ્ધપુર, માતર અને ઉધના બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સિદ્ધપુર બેઠક પર મહેન્દ્ર રાજપુતનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. પરંતુ કેસરીસિંહે પાર્ટી છોડી દેતા હવે માતરમાં મહિપતસિંહ ચૌહાણની જગ્યાએ લાલજી પરમારને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ઉધના બેઠક પરથી મહેન્દ્ર પાટીલને ટિકિટ આપવામાં આવી છે.

સુરતમાં ઝંખના પટેલના સમર્થકોએ વિરોધ કર્યો
સુરતની ચોયાર્સી બેઠક પર ઝંખના પટેલનું નામ કાપીને નવા ચહેરા તરીકે સંદીપ દેસાઈને મેદાને ઉતાર્યા છે. ત્યારે સંદીપ દેસાઈનું નામ જાહેર થતા તેની સાથે જ ઝંખનાના સમર્થકો દ્વારા અને ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઝંખનાની ઓફિસની બહાર જ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર અને ઝંખના પટેલના સમર્થન સૂત્રોચ્ચાર કરી ભાજપની ટિકિટ ફાળવણી સામે વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં કોંગ્રેસ દ્વારા જે ટિકિટો ફાળવવામાં આવી છે. તેમાં કેટલીક બાબતોને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે ડેમજ કંટ્રોલની જવાબદારી કોંગ્રેસના એઆઈસીસીના સભ્ય મુકુલ વાસનિક પર આવી પડી છે. તેઓ દિલ્હીથી સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારબાદ અઠવાલાઈન્સ સ્થિત હોટેલ મેરિયોટ ખાતે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા.

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પ્રચાર કરવા માટે નીકળ્યા હતા ત્યારે લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો વાઇરલ કરવામાં આવ્યો છે. બીજી તરફ, વડોદરા અને સુરતમાં પણ જે નેતાઓની ભાજપમાંથી ટિકિટ કપાઈ છે તેમના સમર્થકો પણ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસમાં ચૂંટણીઢંઢેરાની જાહેરાત વખતે પણ વિપક્ષના નેતા સુખરામ રાઠવાની ગેરહાજરી સૂચક દેખાઈ હતી, જ્યારે સ્ટેજ પર એકમાત્ર ધારાસભ્ય શૈલેષ પરમાર જોવા મળ્યા હતા. માતર બેઠક પરથી ભાજપે કેસરીસિંહની ટિકિટ કાપી હતી. ત્યાર બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગણતરીના કલાકોમાં જ ટિકિટ મળી ગઈ હતી, પરંતુ એવું તો શુું થયું કે કેસરીસિંહ ફરીવાર ભાજપમાં પાછા આવી ગયા એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

વિપક્ષના નેતાએ ખુલાસો કરવો પડ્યો
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત વખતે ગેરહાજર રહેલા વિપક્ષના નેતા સુખરામ રાઠવા અંગે ચર્ચાઓનું બજાર ગરમ થયું હતું. તેમની ગેરહાજરીને લઈને પક્ષપલટા અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. આ મુદ્દે પક્ષના અન્ય નેતાઓએ પણ મૌન સેવ્યું હતું. ત્યારે સુખરામ રાઠવાએ ફેસબુક પર એક વીડિયો મારફતે જણાવ્યું હતું કે, હું મારા મતવિસ્તારમાં મિત્રને ત્યાં લગ્નમાં હાજરી આપવા ગયો હતો. જેથી ઢંઢેરાની જાહેરાત સમયે હાજર નહોતો. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું અને ભાજપમાં નથી જોડાવાનો

39 કલાકમાં જ કેસરીસિંહેનો યુટર્ન
ખેડા જિલ્લાની માતર બેઠક પરથી ભાજપે સીટિંગ MLA કેસરીસિંહ સોલંકીની બાદબાકી કરી છે અને નવા ઉમેદવાર કલ્પેશભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. એવામાં સીટિંગ ધારાસભ્ય નારાજ થયા હતા અને તેમણે એકાએક ભાજપ પક્ષ સાથેનો છેડો ફાડી કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે હજુ આ ઘટનાને માંડ 39 કલાક વીત્યા છે, ત્યાં કેસરીસિંહે પાછો યુટર્ન મારી દીધો છે અને પુનઃ ભાજપ પક્ષ સાથે હોવાનો સંકેત પોતાના ફેસબુક પેજ મારફત આપ્યો છે.

8 તારીખે વિરોધ કરવાવાળાઓને કરારો જવાબ આપીશ
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે દિવ્ય ભાસ્કરની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ચાર ટર્મથી ધારાસભ્ય ચૂંટાઈને આવી રહ્યો છું, કોંગ્રેસના જ કેટલાક લોકો મારો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના કારણે મને એકલાને જ નહીં, પણ કોંગ્રેસને પણ નુકસાન થશે. મારો એકલાનો વિરોધ જ નહીં, પરંતુ અમદાવાદના કોંગ્રેસના ચારે ધારાસભ્યનો આ રીતે જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ ધારાસભ્યનો વિરોધ નહીં, પરંતુ કોંગ્રેસનો જ વિરોધ છે, જેનાથી ભવિષ્યમાં કોંગ્રેસને જ નુકસાન થશે. કોંગ્રેસની આંતરિક લડાઈને સમયસર ટાળવા નહીં આવે તો આવનારી ચૂંટણીનાં પરિણામ પર મોટી અસર થશે. સમગ્ર મામલે કોંગ્રેસના મોવડીમંડળને જાણ કરવામાં આવી છે.

કોંગ્રેસે ચૂંટણીઢંઢેરાની જાહેરાત વખતે નેતાઓની ગેરહાજરી
કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. ત્યારે 21 મુદ્દાનું અગાઉ ભાજપ સરકાર પર આરોપનામું જાહેર કર્યું હતું. હવે આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલાં 8 વચનને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ખેડૂતાનાં દેવાં માફ કરવાં, રૂ. 500માં ગેસ-સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદા કરવામાં આવ્યા છે. આ દરમિયાન વિપક્ષના નેતા સુખરામ રાઠવાની સૂચક ગેરહાજરી જોવા મળી છે. સ્ટેજ પર ધારાસભ્યમાંથી માત્ર શૈલેષ પરમાર જ જોવા મળ્યા. ઇમરાન ખેડાવાલા આવ્યા ખરા, પણ સ્ટેજ પર સ્થાન ના મળ્યું. કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય હિમતસિંહ પટેલ પણ ગેરહાજર રહ્યા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચૂંટણીઢંઢેરાની જાહેરાત કરી હતી.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચૂંટણીઢંઢેરાની જાહેરાત કરી હતી.

ભાજપે બે બેઠક પર સીટિંગ ધારાસભ્યોનું પત્તું કાપ્યું
ભાજપે આજે વધુ છ ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં ખંભાળિયાથી મુળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેષ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. આમાં ભાવનગર પૂર્વમાંથી વિભાવરીબેન દવે અને ચોર્યાસી બેઠક પરથી ઝંખના પટેલની ટિકિટ કાપવામાં આવી છે.

નારાજ થયેલા ભાજપના દિગ્ગજોને મનાવવા ડેમેજ કંટ્રોલ
વડોદરા જિલ્લાની ત્રણેય બેઠક પર નારાજગી વધી રહી છે. ભાજપે દિનેશ પટેલ, મધુશ્રીવાસ્તવ અને સતીષ પટેલની ટિકિટ કાપતાં ત્રણેય નેતા લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે. દિનેશ પટેલે તો અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી છે. ત્યારે આ નારાજ થયેલા નેતાઓને મનાવવા માટે હર્ષ સંઘવી તેમની સાથે બેઠક કરે એવી શક્યતા છે. ભાજપના નારાજ થયેલા દિગ્ગજોને મનાવવા આજે ડેમેજ કંટ્રોલ થશે.

ધોરાજી બેઠક પર ભાજપના ડો. પાડલિયા VS કોંગ્રેસના વસોયા
ભાજપ દ્વારા વધુ 6 ઉમેદવારની યાદી જાહેર કરી છે, જ્યારે નિર્ણાયક ગણાતી ધોરાજી બેઠક પર ભાજપે ડો. મહેન્દ્ર પાડલિયાના નામની જાહેરાત કરી છે. જ્યારે બીજી તરફ ધોરાજી બેઠક પર સતત કોંગ્રેસને જીત અપાવતા લલિત વસોયાના નામની જાહેરાત કરી છે. ત્યારે ધોરાજીની બેઠક પર લેઉવા-કડવા પટેલ વચ્ચે રસાકસીનો જંગ યોજાયો છે.

PM મોદીની 25 રેલીમાં 150 બેઠક કવર કરવાનું આયોજન
વડાપ્રધાન મોદી ગુજરાતમાં ચૂંટણીપ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે. તેઓ લગભગ 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે, એવું ભાજપનાં સૂત્રો જણાવી રહ્યાં છે. આ રેલીઓની તારીખોને PMOમાંથી મંજૂરી મળ્યા બાદ અંતિમ રૂપ આપવામાં આવશે. પીએમ મોદી સહિત સ્ટાર પ્રચારકોના નેતૃત્વમાં આ ચૂંટણી રેલીઓ આગામી સપ્તાહથી શરૂ થાય એવી આશા છે. તેમના કાર્યક્રમોને આજસુધીમાં અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે. પીએમ મોદી ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતનો પ્રવાસ કરશે.

25 રેલીઓમાં પીએમ મોદી 150 બેઠક કવર કરશે.
25 રેલીઓમાં પીએમ મોદી 150 બેઠક કવર કરશે.

દેવેન્દ્ર ફડણવીસ વડોદરા આવ્યા, ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે વડોદરા નજીક કેલનુપર ખાતે અખિલ દેશસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ મધ્યવર્તીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમની સાથે થાણેના સાંસદ શ્રીકાંત શિંદે પણ હતા. મહારાષ્ટ્રના રાજકારણ અંગે વડોદરા એરપોર્ટ પર મીડિયા સાથેની વાતમાં ફડણવીશે કહ્યું હતું કે ગજાનંદ કીર્તિકર એકનાથ શિંદે સાથે જોડાયા છે. બાળા સાહેબના સાચા શિવસૈનિક છે એ એકનાથ શિંદે સાથે જોડાઈ રહ્યા છે.

ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ વિપુલ ચૌધરીનું સમર્થન કર્યું
ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ અર્બુદા સેનાના સંમેલનને સમર્થન આપ્યું છે. વિપુલ ચૌધરીએ આમ આદમી પાર્ટીમાં મહેસાણાના વીસનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આમંત્રણ આપ્યું છે. 15 નવેમ્બરે અર્બુદા સેના દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માનસિંહ પટેલની જન્મજયંતી નિમિત્તે આ સ્નેહમિલન યોજાવાનું છે. આ અગાઉ પણ ભરતસિંહે મહેસાણાના ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે બધા એક્ઠા થઈ વિપુલ ચૌધરીને ફરી રાજકારણમાં લાવીએ અને તેમને ફરી ગૃહમંત્રી બનાવીએ.

આમ આદમી પાર્ટીના 20 સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ધામા નાખશે.
આમ આદમી પાર્ટીના 20 સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ધામા નાખશે.

કોંગ્રેસે રાહુલ અને પ્રિયંકા ગાંધીના પ્રચારની તૈયારીઓ કરી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં છે. આ યાત્રા હાલમાં મહારાષ્ટ્રમાં ફરી રહી છે. ત્યારે ગુજરાતની ચૂંટણીથી દૂર રહેલા કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓને લઈને સવાલો ઊભા થયા છે. ત્યાં નવરાત્રિ દરમિયાન ગુજરાત આવનારાં પ્રિયંકા ગાંધી હવે છેલ્લી ઘડીએ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવશે. તેમની સાથે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં 25 નવેમ્બરે રોડ શો કરશે. એ ઉપરાંત પ્રિયંકા ગાંધી સોમનાથનાં દર્શન કરીને પ્રચારમાં ઝંપલાવશે.

અલ્પેશ ઠાકોરને કારણે ભાજપમાં 6 બેઠકમાં ગૂંચવણ
ભાજપમાં કોંગ્રેસમાંથી આયાતીઓને સેટ કરવા અને કેટલાક સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપવાની માથાપચ્ચીમાં 22 બેઠકના ઉમેદવારો જાહેર થયા નથી. રાધનપુર મતક્ષેત્રમાં અલ્પેશ ઠાકોર સામે પહેલેથી જ વિરોધ છે. એવામાં ગાંધીનગર દક્ષિણ બેઠકમાં પણ ભાજપમાં આંતરિક વિરોધ સપાટીએ પર પહોંચ્યો છે, જેથી ઠાકોર મતદારોનું વર્ચસ્વ ધરાવતા રાધનપુર, પાટણ, ગાંધીનગર દક્ષિણ, કલોલ અને માણસા એમ પાંચ અને આ પાંચેયનાં સમીકરણોને આધારે ગાંધીનગર ઉત્તર એમ છ બેઠકો માટે ટિકિટ ફાળવણીની પ્રક્રિયા વધુ ગૂંચવાયાનું ચિત્ર ઊપસ્યું છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પ્રચારમાં જ દેખાતા નથી.
કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પ્રચારમાં જ દેખાતા નથી.

કોંગ્રેસની નો-રિપીટેશન ફોર્મ્યુલા, 16માંથી 15 ચહેરા બદલી કાઢ્યા
કોંગ્રેસે ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરતાં સુરતની 16 બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. સુરતની 16 પૈકી 15 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારો બદલવા પડ્યા છે. માત્ર માંડવી બેઠક પર સીટિંગ ધારાસભ્ય આનંદ ચૌધરીને રિપીટ કરાયા છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ એકમાત્ર માંડવી બેઠક જ જીતી શક્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ચૂંટણી નહિ લડે એવી સંભાવના છે. પાર્ટીએ મહુવાથી હેમાંગી ગરાસિયાને ટિકિટ આપી છે, જ્યારે 2014 અને 2019માં બારડોલી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે હારી ગયા હતા. કોંગ્રેસે સુરત શહેરની 12 બેઠક પૈકી 4 બેઠક પર પૂર્વ નગરસેવકને ટિકિટ આપી છે. પૂર્વ નગરસેવક અસલમ સાઇકલવાલાને સુરત-પૂર્વ, નિલેશ કુંભાણીને કામરેજ, પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા પપન તોગડીયાને વરાછા, ધનસુખ રાજપૂતને ઉધના બેઠક પર ટિકિટ આપી છે.

અમદાવાદમાં અધિકારીઓને ચૂંટણી અંગેની તાલીમ અપાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક પર ચૂંટણી અધિકારીથી લઈ અને સંકળાયેલા તમામ કર્મચારીઓને આજે પોતાના વિધાનસભા વિસ્તારમાં તાલીમ આપવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા કલેકટર ધવલ પટેલે આજે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક વિસ્તારમાં બોડકદેવ ખાતે આવેલી પ્રકાશ સ્કૂલમાં યોજાયેલા ટ્રેનિંગ સેશનની મુલાકાત લીધી હતી. અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભા બેઠકો પર 25465 કર્મચારી ફરજ બજાવશે. મતદાન મથક તેમજ મહિલા મતદાન મથક વગેરે જગ્યાએ હાજર રહેનારા તમામ અધિકારીઓ કર્મચારીઓની વિવિધ 21 જગ્યાએ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.મતદાન શરૂ થાય તેની પહેલા ઇવીએમ મશીન ની ચાસણી કરી અને ત્યાર બાદ સવારે 6:30 વાગ્યાની આસપાસ મોક પોલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.મતદાન પ્રક્રિયા દરમિયાન મશીન બંધ થઈ જાય અથવા તો અન્ય કોઈ ટેક્નિકલ ખામી સર્જાય તો તાત્કાલિક ધોરણે અધિકારીને ધ્યાન દોરીને ત્યાં ઝડપથી મતદાન પ્રક્રિયા ફરીથી શરૂ થાય એ સમગ્ર બાબતોની બારીકાઈ ભર્યું કામગીરી અંગેની જાણકારી આ તાલીમમાં આપવામાં આવી હતી.