PMનો ગુજરાત પ્રવાસ:આવતી કાલે મોરેસિયસના વડાપ્રધાન સાથે મોદીનો રોડ શો, 10 હજારથી વધુ લોકો માનવસાંકળ રચીને આવકારશે

અમદાવાદએક મહિનો પહેલા
  • વડાપ્રધાન મોદીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ટ્વીટ કરીને "વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું
  • PM સીધા ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.
  • 19મીએ જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુહૂર્ત કરશે

આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આજે સાંજે 5:30 વાગ્યે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર આવશે ત્યારે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરશે. બીજી તરફ મોરેશિયસના વડાપ્રધાન પણ ગુજરાત આવી પહોંચ્યા છે. ત્યારે વડાપ્રધાન તેમની સાથે આવતીકાલે અમદાવાદમાં રોડ શો કરશે. જેમાં આશરે 10 હજારથી વધુ લોકો માનવ સાંકળ રચી બંને દેશના વડાપ્રધાનને આવકારશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવીણ જુગનૌથ 19મીએ જામનગરથી અમદાવાદ એરપોર્ટ પરત આવશે. બંને વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર સાંજે 5:30એ આવશે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે તાબડતોડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સ્ટેજ પણ તૈયાર કરવામાં આવશે. એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ રિસરફેસ કરવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર રૂટ પર સાફ સફાઈ કરવી, પાર્કિગ પ્લોટમાં મેડિકલ ટીમો મુકવા જાણ કરી દેવાઈ છે.

ઠેર ઠેર પોસ્ટરો લાગ્યાં
ઠેર ઠેર પોસ્ટરો લાગ્યાં

વડાપ્રધાને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું
વડાપ્રધાન મોદી આજે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાના છે. ત્યારે આ મુલાકાત પહેલાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને PMએ નવું નામ આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું છે. તેઓ આજે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે. એમાં અંગ્રેજીમાં રાખેલું નામ હવે ગુજરાતીમાં રાખવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરશે.

વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપશે
વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર સ્થિત શિક્ષણક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ- વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.

ત્રણ દિવસના પ્રવાસમાં વિકાસ કામોનાં લોકાપર્ણ અને ખાતમૂર્હત કરશે
19મીએ જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુહૂર્ત કરશે. 20મી એપ્રિલે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022નો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થશે. ત્રણ દિવસના પ્રવાસમાં વડાપ્રધાન રૂપિયા 22,600 કરોડનાં વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂર્હત કરશે.

વડાપ્રધાનની મુલાકાત પહેલાં મનીષ સિસોદિયાનું ટ્વીટ
દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટર પર લખ્યું છે કે વડાપ્રધાન! વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોડર્ન સેન્ટરમાંથી આ શાળાઓનું ચિત્ર કદાચ તમને નહીં દેખાય. ત્યાં બેસવા માટે ડેસ્ક નથી, બંધ જંકયાર્ડમાં કરોળિયાના જાળા છે, શૌચાલય તૂટેલાં છે. મેં પોતે શિક્ષણમંત્રીના ક્ષેત્રમાં આવી શાળાઓ જોઈ છે. ગુજરાતની શાળા જોઈ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે ગુજરાત જેને ગમતું ન હોય તેઓ ગુજરાત છોડી શકે છે. એને લઇને આમ આદમી પાર્ટીને પ્રચાર કરવાનો મોકળો માર્ગ મળી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...