મોદીનો અટલ ગુરુપ્રેમ:વડનગરની બી.એન. હાઈસ્કૂલમાં જેમના હાથ નીચે ભણ્યા તે મણિયાર સાહેબને આજે પણ નરેન્દ્ર મોદી નિયમિત ફોન કરી ખબર પૂછે છે

વડનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગરની બી.એન. હાઈસ્કૂલમાં જેમના હાથ નીચે ભણ્યા તે મણિયાર સાહેબની તસવીર - Divya Bhaskar
વડનગરની બી.એન. હાઈસ્કૂલમાં જેમના હાથ નીચે ભણ્યા તે મણિયાર સાહેબની તસવીર
  • 2017માં વડનગરની મુલાકાત દરમિયાન સ્કૂલ વિઝિટ શિડ્યુલમાં ન હોવા છતાં મોદી કાર રોકાવી સ્કૂલના સંકુલમાં ગયા, રજ માથે ચઢાવી

જીવનની સાત દાયકાની સફર પૂરી કરી 71મા વર્ષમાં પ્રવેશી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અટલ ગુરુપ્રેમના વડનગરની ખાસ મુલાકાતમાં દર્શન થયા હતા. નરેન્દ્ર મોદીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડનગરની બી એન હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. આ સ્કૂલના આચાર્ય કે જેમની વય અત્યારે 95 વર્ષની છે અને મુંબઈ રહે છે તેમની સાથે પણ મોદી સંપર્કમાં છે. નિયમિત સમયાંતરે વડાપ્રધાન તેમને ફોન કરીને ખબર-અંતર પૂછે છે.

નરેન્દ્ર મોદી જ્યાં ભણ્યા તે બી.એન. વિદ્યાલયની તસવીર
નરેન્દ્ર મોદી જ્યાં ભણ્યા તે બી.એન. વિદ્યાલયની તસવીર

વડનગર ગયા ત્યારે શિડ્યુલમાં ન હોવા છતાં સ્કુલ ગયા, પગથિયે બેઠા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની DivyaBhaskarની ટીમે મુલાકાત લીધી ત્યારે નરેન્દ્ર મોદી ભણ્યા હતા તે બી એન હાઈસ્કૂલ ખાતે પણ ગયા હતા. અહીંના વર્તમાન પ્રજાપતિ સાહેબ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી આ સ્કૂલમાં જ ભણ્યા છે, અને તે હજુ પણ તેઓ આ સ્કૂલનું ઋણ ભૂલ્યા નથી. વડાપ્રધાન બન્યા બાદ 2017માં તેઓ વડનગરની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાતમાં સ્કૂલ વિઝિટ તેમના શિડ્યુલમાં સામેલ નહોતી. તે દિવસે તેમનો કાફલો સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક સ્કૂલના દરવાજા પાસે તેમણે કોન્વોય રોકી દીધો. ગાડીમાંથી નરેન્દ્ર મોદી ઉતરીને સીધા જ સ્કૂલના દરવાજામાં આવી પગથિયાં પાસે બેસી ગયા. તદુપરાંત સ્કૂલના પ્રાંગણની ધૂળ માથે ચડાવી તિલક કર્યું અને સડસડાટ બહાર નીકળી ગાડીમાં બેસી ગયા હતા.

2017માં વડનગરની મુલાકાત દરમિયાન મોદીએ કાર રોકાવીને સ્કૂલના સંકુલમાં જઈ રજ માથે ચઢાવી હતી
2017માં વડનગરની મુલાકાત દરમિયાન મોદીએ કાર રોકાવીને સ્કૂલના સંકુલમાં જઈ રજ માથે ચઢાવી હતી

‘વ્યસ્તતા વચ્ચે વડાપ્રધાન ગુરુને યાદ કરે એ વડનગરના સંસ્કાર’
નરેન્દ્ર મોદીના ગુરુપ્રેમ અંગે હાલ ના પ્રિન્સિપાલ પ્રજાપતિ સાહેબે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી આ સ્કૂલમાં ભણતા હતા ત્યારે તે સમયે મણિયાર સાહેબ પ્રિન્સિપાલ હતા. હાલ મણિયાર સાહેબ મુંબઇ રહે છે. તેમની ઉંમર પણ 95 વર્ષની આસપાસ હશે. આજે પણ નરેન્દ્ર મોદી પોતાની વ્યસ્તતા વચ્ચે મણિયાર સાહેબને ફોન કરીને નિયમિત રીતે તેમના ખબર-અંતર પૂછે છે અને સંપર્કમાં રહે છે. વડાપ્રધાન કક્ષા સુધી પહોંચી ગયેલી વ્યક્તિ અનેક કામોમાં અટવાઈ જાય છે. આમ છતાં પોતાના ગુરુને યાદ કરીને વાત કરે છે, આ જ છે વડનગર ના સંસ્કાર અને તેનું સિંચન.

અન્ય સમાચારો પણ છે...