કમલમમાં BJPની મહત્વની બેઠક પૂર્ણ:બીજા તબક્કાના મતદાન પહેલાં ભાજપનું મનોમંથન પૂર્ણ, PM મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો પર આવતી કાલે સોમવારે મતદાન યોજાવવાનું છે. ત્યારે મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જેને લઇને ભાજપ દ્વારા ગાંધનગર કમલમ ખાતે બેઠક બોલાવવામાં આવી છે. જોકે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. ત્યારે આ વખતની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ઓછું થયું છે. પ્રથમ ચરણમાં 63 ટકા મતદાન થયું છે. એવામાં આવતી કાલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સુરેન્દ્ર પટેલ સહિત પ્રદેશના પદાધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

માતા હીરાબાને મળ્યા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે 30 મિનિટ સમયનો સમય વિતાવ્યો અને શિયાળાની સાંજે ગરમા ગરમ ચાની ચૂસ્કી ભરીને વડાપ્રધાન મોદી કમલમ પહોંચ્યા હતા. અહીં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના અગ્રણીઓ સાથે તેમની મહત્વની બેઠક ચાલી રહી છે.

મોદી કાલે રાણીપમાં કરશે મતદાન
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો માટે આવતીકાલે સોમવારે મતદાન યોજવાનું છે, ત્યારે મતદાનની તમામ આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આજે સવારે વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.

ઈવીએમ મશીન ડિસ્પેચ કરવાની કામગીરી
આવતીકાલે સવારે આઠ વાગ્યાથી બીજા તબક્કાનો મતદાન શરૂ થશે, જેને લઇ અને આજે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ શહેરની સોળ અને જિલ્લાની પાંચ મળી કુલ 21 વિધાનસભા બેઠકો પર મતદાનને લઈ અને આજે સવારથી ઈવીએમ મશીન વગેરે ડિસ્પેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

રાણીપ ખાતે અમિત શાહ પણ હાજર રહેશે
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે સવારે 8:30 વાગ્યાની આસપાસ તેઓ મતદાન કરવા આવશે. જેને લઇ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનની સુરક્ષાને લઈ અને એસપીજી દ્વારા પણ સમગ્રનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની સાથે સાબરમતી વિધાનસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હર્ષદ પટેલ પણ હાજર રહેશે. ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા છે.

પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
મતદાનને લઈ અને અત્યારથી જ તમામ જે પણ વિસ્તારના બુથ આવેલા છે, તેના ઉપર ઇવીએમ સહિતની અલગ અલગ સામગ્રીઓ પહોંચાડી દેવામાં આવી છે અને પેરામિલટરી ફોર્સ સહિતનો પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ફાળવી દેવામાં આવ્યો છે. આખી રાત આ સમગ્ર બુથો પર ઇવીએમ મશીનની સુરક્ષા વગેરેને લઈ અને ધ્યાન આપવામાં આવશે. આવતીકાલે સવારે 6:30 વાગ્યે મોકલ બાદ 8 વાગ્યાથી મતદાન શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...