વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. 9 માર્ચે બંને વડાપ્રધાન સ્ટેડિયમ પર એક સાથે ભારત vs ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નિહાળશે. બંને મહાનુભાવોના અમદાવાદ આગમનને લઇને શહેર પોલીસ સહિત DGP વિકાસ સહાય દ્વારા ખાસ બંદોબસ્ત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલું હોવાથી તમામ લાઈનમાં ચોક્કસ અંતરે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. સ્ટેડિયમની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
PMના આગમનને લઇને ખાસ વ્યવસ્થા
વિદેશી મહાનુભાવો ITC નર્મદા તથા તાજ સ્કાય લાઈનમાં રોકાવાના હોવાથી તે હોટલ અને તેની આજુબાજુ પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંને વડાપ્રધાનની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા 1 DIG, 11 DCP, 20 ACP, 52 PI, 112 PSI, 2855 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઇને અમદાવાદ એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. અન્ય મહાનુભાવોના આગમનને કારણે એરપોર્ટની સામાન્ય કામગીરી ખોરવાય નહીં અને મુસાફરોને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
પોલીસનું છેલ્લા ત્રણ દિવસથી ખાસ પેટ્રોલિંગ
અમદાવાદના સિનિયર પોલીસ ઓફિસરોના જણાવ્યા મુજબ 9 માર્ચના રોજ મેચ રમાવાની હોવાથી છેલ્લા ત્રણ દિવસથી ખાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ટેડિમયની અંદર અને સ્ટેડિયમની આજુબાજુ પોલીસ તથા અન્ય એજન્સીઓ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે. સ્થાનિક વિસ્તારના લિસ્ટેડ ગુનેગારોને પણ સીધા રહેવાની વોર્નિંગ આપી દેવામાં આવી છે.
મેચના દિવસે 2300 ટ્રાફિક પોલીસ ગોઠવાશે
મેચના દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસના પણ 2300 કર્મચારી - અધિકારી તહેનાત રહેશે. જેમાં 1 સંયુકત પોલીસ કમિશનર, 3 ડીસીપી, 9 એસીપી, 20 પીઆઈ, 21 પીએસઆઈ અને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો મળીને કુલ 2300 પોલીસ કર્મચારી - અધિકારી બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત સ્ટેડિયમની આસપાસ વાહન પાર્ક કરવા માટે જે પણ પાર્કિંગ પ્લોટ ફાળવાશે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો તહેનાત રહેશે.
સ્ટેડિયમમાં પાણીની બોટલનેય મંજૂરી નહીં
મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આવવાના હોવાથી સ્ટેડિયમની અંદર જવા માટે થ્રીલેયર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. જેમાં ગેટ નંબર-1 પરથી બંને ટીમો તેમજ વીવીઆઈપીને એન્ટ્રી મળશે. જ્યારે ગેટ નંબર-2 અને 3માંથી પ્રેક્ષકો સ્ટેડિયમમાં જઈ શકશે. કોઈપણ પ્રેક્ષક સ્ટેડિયમમાં પાણીની બોટલ કે અન્ય કોઈ વસ્તુ સાથે લઈ જઈ શકશે નહીં. જ્યારે સ્ટેડિયમમાં પ્રવેશનાર દરેકનું હેન્ડ મેટલ ડિટેક્ટર તેમજ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરથી સ્કેનિંગ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.