આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી. પર્યાવરણની સુરક્ષા અર્થે નાનામાં નાના પગલાં લઈ મહત્તમ મુસાફરો સુધી તેના આશ્ચર્યજનક અને ગર્ભિત સંદેશો ફેલાવવાની પહેલ કરવામાં આવી. વધુમાં વધુ મુસાફરોને પર્યાવરણ બચાવવાની મુહિમ સાથે જોડવા આ વખતે એરપોર્ટની ટીમે તેમને બેગટેગ્સ ભેટમાં આપ્યા હતા. આ પ્લાન્ટેબલ બેગ ટેગનું વિતરણ ટર્મિનલની અંદર કરવામાં આવ્યું હતું. લોકો બેગટેગ્સને પાણીમાં પલાળી તેને જમીનમાં વાવી પણ શકે છે અને તેમાંથી નાના-નાના છોડ પણ ઉગાડી શકે છે. યુવા પ્રવાસીઓને ટ્રેન્ડી રીતે પ્રકૃતિની નજીક લાવવાની આ અસરકારક પહેલ છે.
મુસાફરોમાં રોપાઓનું વિતરણ કરાયું
બેગટેગ્સ ઉપરાંત, એરપોર્ટ પર આવતા મુસાફરોને કોટનની થેલીમાં છોડ અને રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેનાથી છોડનું મહત્વ સમજાવવાની સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. જેમ કે રોજબરોજના શાકભાજી અને કરિયાણાની ખરીદી માટે મુસાફરોને ઉપયોગી થઈ શકે તેવા છોડ સાથે ખાસ બનાવેલી કોટન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પરંપરાગત લાઈટ્સના સ્થાને LED લાઇટ્સનો ઉપયોગ કરી ઊર્જા કાર્યક્ષમતા વધારવા પર પર ધ્યાન આપવામાં આવ્યું.
એરપોર્ટ પર 2000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પરંપરાગત ઈંધણનો ઉપયોગ ટાળી ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા એરપોર્ટ પાર્કિંગ પર EV ચાર્જિંગ સ્ટેશનો પણ સ્થાપિત કરવામાં આવ્યા હતા. SVPI એરપોર્ટ પર ગ્રીન કવર વધારવાના વૈશ્વિક વિઝન સાથે લગભગ 20 વિવિધ પ્રજાતિઓના 2,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. એક વર્ષ પહેલા એરપોર્ટ પર લગભગ 6000 વૃક્ષો હતા હવે તે વધીને 8000 થઈ ગયા છે. ગ્રીન કવરમાં ઉમેરો અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા SVPI એરપોર્ટ આવી અનેક પહેલો કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ ટર્મિનલ બિલ્ડિંગની અંદર અને બહાર હરિયાળી વધારવાનો છે. ખાનગીકરણના 1 વર્ષના ટૂંકા ગાળામાં જ એરપોર્ટે લૉનનો ઉપયોગ કરીને ગ્રીન કવરમાં 1200 ચોરસ મીટર તેમજ જંગલ વિસ્તારમાં 2000 ચોરસ મીટર જેટલો વધારો કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.