ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તાજેતરમાં સુરત ખાતે પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને હવે રાજ્યનાં અન્ય શહેરોમાં પણ ભવિષ્યની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવાની કવાયત શરૂ કરી છે, જેમાં વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રો ટ્રેનને બદલે ઓછા ખર્ચે તૈયાર થતી મેટ્રો નિયો અને મેટ્રો લાઇટનું સંચાલન શરૂ કરવા જીએમઆરસી દ્વારા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવા ખાનગી એજન્સીઓને કામગીરી સોંપાશે, જેના માટે રસ ધરાવતી એજન્સીઓ પાસે જીએમઆરસી દ્વારા 29 જૂન સુધીમાં અરજી મગાવાઈ છે.
અરજી મળ્યા બાદ પસંદગી પામનારી એજન્સીને ચારેય શહેરોમાં મેટ્રો પ્રોજેક્ટ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોંપાશે, જેઓ 6 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપે ત્યાર બાદ જીએમઆરસી દ્વારા એમાં જરૂરી સંશોધન કરી રાજ્ય સરકાર સમક્ષ અને ત્યાર બાદ કેન્દ્ર સરકાર સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવશે.
જીએમઆરસીના અધિકારીએ જણાવ્યું હતું કે મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ નાનાં શહેરોમાં શરૂ કરવામાં આવશે. મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ પ્રોજેક્ટ તૈયાર કરવાનો ખર્ચ ઓછો હોવાથી એમાં મુસાફરી પણ મેટ્રો કરતાં સસ્તી હશે. એના માટે રોડ પર અલગથી કોરિડોર તૈયાર કરવામાં આવશે, જેના પગલે ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.
સામાન્ય રીતે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે એલિવેટેડ કોરિડોરમાં એક કિલોમીટર ટ્રેક તૈયાર કરવાનો ખર્ચ સરેરાશ 350 કરોડ રૂપિયા જેટલો થાય છે, જ્યારે અંડરગ્રાઉન્ડમાં એક કિલોમીટર ટ્રેકનો ખર્ચ 800 કરોડ રૂપિયા જેટલો થાય છે. જ્યારે મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ માટે એક કિલોમીટરનો કોરિડોર 200 કરોડ રૂપિયા જેટલા ખર્ચમાં તૈયાર થઈ જાય છે. એ જ રીતે આ મેટ્રો નિયો અને લાઈટ રોડ પર તેમજ એલિવેટેડ કોરિડોર પર પણ દોડી શકે છે. એનો મેઇન્ટેનન્સ ખર્ચ પણ ખૂબ જ ઓછો હોય છે.
મેટ્રો નિયો એટલે શું?
નાનાં શહેરોમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મેટ્રો નિયોનું સંચાલન કરવામાં આવે છે. મેટ્રો નિયો બેથી ત્રણ કોચ સાથે દોડાવી શકાય છે. આ રોડ પર જ દોડતી હોવાથી એ ટ્રેક પર લોખંડના વ્હીલને બદલે રબરના ટાયર પર દોડે છે. એના દરેક કોચમાં 200થી 300 પેસેન્જરો સરળતાથી મુસાફરી કરી શકે છે. મેટ્રો નિયોના એક કોચની લંબાઈ 12 મીટર તેમજ પહોળાઈ 2.5 મીટર જેટલી હોય છે.
મેટ્રો લાઇટ એટલે શું?
મેટ્રો લાઇટ એ મેટ્રો નિયો કરતાં પણ નાનું વર્ઝન છે, જે નિયોની જેમ જ રોડ પર દોડશે, પરંતુ એમાં પેસેન્જરોની ક્ષમતા કોચદીઠ 100 જેટલી હોય છે. મેટ્રો લાઇટ એકથી ત્રણ કોચ સાથે દોડાવી શકાય છે અને તેમાં એકવારમાં મહત્તમ 300 જેટલા પેસેન્જરો મુસાફરી કરી શકશે. મેટ્રો લાઇટ પણ મેટ્રો નિયોની જેમ વીજળીથી દોડશે, જેના માટે એના રૂટ પર ઓવરહેડ વાયર દ્વારા વીજ સપ્લાઈ કરવામાં આવશે. આ બંને સિસ્ટમ વીજળીથી દોડતી હોવાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
નિયો, લાઇટના સ્ટેશન મેટ્રો કરતાં અલગ હશે
મેટ્રો નિયો અને મેટ્રો લાઈટના સ્ટેશન મેટ્રો ટ્રેનના સ્ટેશન કરતાં અલગ બસ સ્ટેશન જેવાં હશે. એના માટે વધુ જગ્યાની જરૂર રહેતી નથી અને રોડ પર વચ્ચે બીઆરટીની જેમ કોરિડોર બનાવી અથવા ફૂટપાથ પર કોરિડોર તૈયાર કરી સ્ટેશન તૈયાર કરવામાં આવે છે, જેમાં ઓટોમેટિક ટિકિટ મશીન, બેગેજ સ્કેનિંગ સિસ્ટમ, મેટલ ડિટેક્ટર જેવી સુવિધા નહીં હોય.જોકે સીસીટીવીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.