ભાજપના નેતાને મારવા માટે આવેલા શાર્પશૂટરમાંથી એકને ATSએ ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં તપાસ એજન્સીને જાણવા મળ્યું છેકે, ઈરફાન ઈલિયાસ શેખ (ઉવ 23) છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં રહેતો હતો. ત્યારે ઇરફાનને આજે રાતે મળવા માટે સલમાન નામનો વ્યક્તિ આવવાનો હતો જે ઇરફાનને બીજી મદદ કરવાનો હતો તેવું એટીએસ માની રહી છે. બીજી તરફ ચોંકાવનારી બાબત સામે આવી રહી છે કે, ઇરફાનને આ હત્યા માટે અઢી લાખ રૂપિયા મળવાના હતા.
પોલીસે અન્ય શાર્પશૂટરની તપાસ શરૂ કરી
ગુજરાતમાં અંડરવર્લ્ડ સાથે કનેક્શનની એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એટીએસની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યો છે. ગત રાત્રિએ વિનસ હોટેલમાં છૂપાયેલા શાર્પશૂટર અંગે માહિતી મળતા ATSની ટીમે ત્યાં રેઈડ કરી હતી. ઈરફાન નામના શાર્પશૂટરે ફાયરિંગ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને ATSની ટીમે ઈરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઈના શાર્પશૂટરને ઝડપી લીધો હતો. તેમજ ઈરફાનના ફોનમાંથી મળેલી ચેટમાં ખુલાસો થયો કે, એક અન્ય શાર્પ શૂટર પણ આવવાનો હતો. પોલીસે આ શાર્પશૂટરની પણ તપાસ શરૂ કરી છે જ્યારે ઈરફાનને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું મનાય છે.
રાજકારણીઓ પર હુમલાના ઈરાદે આવ્યા, 2 પિસ્તલ ઝડપાઈઃ હિમાંશુ શુક્લા
એટીએસના વડા હિમાંશુ શુક્લાએ DivyaBhaskar સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, છોટા શકીલ ગેંગના 2 શાર્પશૂટર વિનસ હોટલમાં છુપાયા હોવાની બાતમીના આધારે ગત રાત્રિએ 4:27 વાગ્યાની આસપાસ રિલિફ રોડ પરની હોટલ વિનસ પર રેઈડ કરી હતી. ત્યાંથી એક શાર્પશૂટરને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાગી ગયો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી 2 પિસ્ટલ મળી આવી છે. ઘણા સમયથી ભાજપના નેતાઓ અંડરવર્લ્ડની ગેંગના ટાર્ગેટમાં હતા અને આ ધરપકડથી મોટી સફળતા મળી છે.
ગોરધન ઝડફિયા-ભાજપના અન્ય રાજકારણીઓ નિશાના પર હતા
બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શાર્પશૂટરો 2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા. જો કે, આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયા હતા. જો કે, આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ થયાના મજબૂત સંકેતો મળ્યા છે.
મારી રેકી થતી હતી, પ્રદીપસિંહે કહ્યું ત્યારે શૂટરની ખબર પડીઃ ઝડફિયા
હાલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સાથે સૌરાષ્ટ્ર ગયેલા ઝડફિયાએ જણાવ્યું હતું કે, નવસારી અને વલસાડના પ્રવાસે હું હતો ત્યારે મારી કોઈ રેકી કરી રહ્યું હોય તેમ લાગ્યું હતું. આ અંગે મારા કમાન્ડોનું ધ્યાન દોર્યું તો તે રેકી કરી રહેલી વ્યક્તિ તરફ આગળ વધ્યો હતો. પરંતુ તે સમયે તે ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે અમદાવાદની ઘટના વિશે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું ત્યારે ખબર પડી હતી. શાર્પશૂટરો મારી પર હુમલો કરવા આવ્યા હતા તેની પણ જાણ થઈ હતી.
પીએસઆઈ નમી ગયા ને શાર્પશૂટરની ગોળી દિવાલમાં ઘૂસી ગઈ
ગત મધ્યરાત્રિએ અમદાવાદના રિલિફ રોડ પરની વિનસ હોટલમાં ફાયરિંગથી ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ ફાયરિંગ છોટા શકીલના શાર્પશૂટરે કર્યું હતું જેમાં પીએસઆઈ નમી જતા બચી ગયા હતા. જ્યારે ગોળી દિવાલમાં ઘૂસી ગઈ હતી. પળવારમાં જ એટીએસના પીએસઆઇ આરોપી પર કૂદી ગયા હતા અને તેને દબોચી લીધો હતો. આરોપી સાથે અમદાવાદના કેટલાક લોકો સંપર્કમાં હોવાની એટીએસને શંકા છે.
આરોપીનું ગુજરાત કનેક્શન જાણવા પ્રયાસો ચાલુઃ ATS DySP
આ અંગે ATSના ડીવાયએસપી કે કે પટેલે જણાવ્યું હતું કે આરોપી છોટા શકીલ ગેંગ સાથે જોડાયેલો છે અને ગુજરાતમાં તેના ક્યાં કનેકશન છે તે જાણવા પ્રયાસ કરી રહ્યા છીએ. હાલના તબક્કે ઈન્ટ્રોગેશનમાં વધુ વિગતો બહાર આવે પછી ખરેખર આરોપી શા માટે અહીંયા આવ્યો તે જાણી શકાશે. જો કે પ્રાથમિક તબક્કે તો ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય નેતાઓને નિશાન બનાવવા બે જણા આવ્યા હોવાનું મનાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.