બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર, એટલે બાબાસાહેબની 14 એપ્રિલે 131મી જન્મજયંતી આવી રહી છે. એ વાત તો સૌકોઈ જાણે છે કે ડો. આંબેડકરે લખેલા બંધારણ અનુસાર, ભારતમાં કાયદાનું તંત્ર ચાલે છે, પરંતુ એેને ચલાવવા માટેની સરકારી ઓફિસોમાં આજે આઝાદીના અમૃત મહોત્સવ ટાણે પણ એક ફોટો ફ્રેમની પણ જગ્યા નથી. આ અંગે DivyaBhaskarએ એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ તૈયાર કર્યો હતો. ત્યાર બાદ માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમદાવાદમાં પ્રતિમા મુકવા માગ કરી છે. અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને જોડતા ડૉ.બાબા સાહેબ આંબેડકર બ્રિજની છેડે અન્ય બ્રિજની બાજુમાં મુકેલી પ્રતિમાની જેમ જ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પુરા કદની પ્રતિમા મુકવાની માગ કરી છે.
કાંતિલાલ પરમારે માગ કરી કે, હાલ અમારા ધ્યાન પર એક ખૂબ જ ગંભીર બાબત આવેલ છે કે અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર શહેરના પૂર્વ અને પશ્ચિમમને જોડતા આવેલ દરેક પુલના નામ મહાનુભાવોની યાદમાં રાખવામાં આવેલ છે, તેમજ તે પુલની નજીકમાં જ એ મહાનુભાવોની પ્રતિમા મુકવામાં આવેલી છે, જે ખૂબ જ સરસ બાબત છે જે હોવું જ જોઈએ, જેને અમો આવકારીએ છીએ અને સમર્થન કરીએ છીએ જેમાં અમારો કોઈ વાંધો વિરોધ નથી.
આ મુદ્દે વિસ્તારથી જોવા જઈએ તો અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં મધ્યમાંથી પસાર થતી સાબરમતીનદી પર કુલ 11 બ્રિજ આવેલા છે અને મોટા ભાગના બ્રિજના નામકરણ ખ્યાતનામ અને દેશ સેવાને વરેલા વ્યક્તિઓના નામે તેઓના બલિદાનને કાયમી દેશ યાદ રાખે તે માટે બ્રિજના નામ આપવામાં આવ્યા છે અને બ્રિજના કોઈ એક છેડે, જે તે બ્રિજના નામ મુજબ તે મહાનુભાવોની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
હાલમાં ગાંધીનગર તરફથી અમદાવાદના રસ્તે આવતા સાબરમતી રેલવે સ્ટેશન નજીક જ ગાંધીનગર-અમદાવાદના રસ્તે આવેલી ગોળાઈમાં આવેલા સર્કલ પર ચીમનભાઈ પટેલ બ્રિજની પાસે ચીમનભાઈ પટેલની પુરા કદની પ્રતિમા મુકવામાં આવેલી છે. સુભાસબ્રિજની બાજુમાં પુલના છેડે અમદાવાદ જિલ્લા કલેક્ટરની કચેરી સામેના ચાર રસ્તા પર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવામાં આવેલી છે. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુરા કદની પ્રતિમા મહાત્મા ગાંધી પુલના છેડે ઈન્ક્મટેક્સ સર્કલ પાસે મુકેલી છે. સ્વામી વિવેકાનંદ બ્રિજના છેડે શેઠ મંગળદાસ હોલની આગળ સ્વામી વિવેકાનંદની અર્ધ પ્રતિમા મુકવામાં આવેલી છે. સરદાર પટેલ બ્રિજના છેડે પાલડી ચાર રસ્તા ખાતે ભારતના લોખંડી પુરુષનું કે જેણે 562 રજવાડાઓનું એકીકરણ કરી ભારતને એક સંઘ રાષ્ટ્ર બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે તેની પ્રતિમા મુકી છે,પણ ત્યાંથી આગળ વધતા વાસણા અને દાણીલીમડાને જોડતા ભારતના બંધારણના ઘડવૈયા, સિમ્બોલ ઓફ નોલેજ, "ભારત રત્ન" ડૉ. બાબા આંબેડકર આંબેડકરના નામે આંબેડકર બ્રિજ આવે છે પણ બ્રિજના બેમાંથી કોઈ છેડે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પુરા કદની પ્રતિમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકી નથી.
તો સવાલ એ થાય કે આવુ કેમ? શું આ ઇરાદાપૂર્વક ડૉ.બાબા સાહેબનું અપમાન કરવાનું કૃત્ય ન કહેવાય? શું ડૉ. બાબા સાહેબ આંબેડકરને આ સરકાર રાષ્ટ્રીય નેતા માનતી નથી? નેતાઓ દ્વારા ચૂંટણીમાં ફક્ત મત માટે જ ડૉ.બાબા સાહેબના નામનો જયજયકાર કરવામાં રસ છે પણ માન સન્માન આપવાની વાત આવે તો નાકે ટેરવું કેમ ચડે છે? અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર વાસણા ખાતે અંજલિ ચાર-રસ્તાથી ચંદ્રનગર થઈ દાણોલીમડા તરફ જતા રસ્તામાં સાબરમતી નદી પર બાંધવામાં આવેલ બ્રીજનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર બ્રિજ રાખેલ છે, શહેરના જે બ્રિજ પર મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે ત્યાં એક છેડે તેઓની પ્રતિમા મુકવામાં આવેલ છે. ડો. બાબા સાહેબના નામે બ્રીજ છે પણ અહી તેઓની પ્રતિમા મુકવામાં આવેલી નથી.
અહીં શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો ડો. બાબા સાહેબ આંબેડકર બ્રિજના કોઈ એક છેડે આ વિસ્તારમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકાવવી જોઈએ પણ મુકવામાં આવી નથી. જે શું સૂચવે છે? રાષ્ટ્રીય નેતાઓના અન્ય બ્રિજની નજીક પ્રતિમાઓ મુકાતી હોય તો ડૉ. બાબા સાહેબની પ્રતિમા મુકવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવો ભેદભાવ કેમ? તે સમજ બહારની વસ્તુ છે.
ડો.આંબેડકર બ્રિજ 25-12-2016ના રોજ તે વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજની એક સાઈડ વાસણા વિસ્તાર તો બીજી બાજુ દાણીલીમડા વિસ્તાર છે. દાણીલીમડામાં મોટા ભાગે અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજના લોકો મોટા પ્રમાણમાં રહે છે. પરતું હજી સુધી આ બ્રિજના છેડે ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાનો વિચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારને કે અન્ય નેતાઓને આવ્યો નથી અને વિચારવા જેવી બાબત એ છે કે આ બાબત પર ક્યારેય વિપક્ષ કે સત્તાપક્ષના લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોર્ડની મીટીંગમાં કે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં એજન્ડામાં લઇ આ મુદ્દે કોઈજ ચર્ચા ક્યારેય કરેલ નથી.
અહિં ખાસ નોંધવા લાયક બાબત એ રહી કે રાજકીય અધિકાર હેઠળ અનામત સીટ પરથી ચૂંટાઈ આવતા નેતાઓ જ્યારે પ્રચાર કરતાં હોય છે ત્યારે ડો.આંબેડકરને જોરશોરથી મત મેળવવા માટે યાદ કરવામાં અને તેમના સુત્રોચ્ચાર કરવામાં કોઈ કસર છોડતા નથી પરંતુ તે લોકો કદાચ ચૂંટાયા પછી એ ભૂલી જાય છે અને એ વિચાર પણ કરતા નથી કે જેના નામથી તેમણે પ્રજા જોડે મત માંગ્યા છે તે ડૉ.બાબા સાહેબ આંબેડકરના નામને આ નેતાઓ ચૂંટાયા પછી ભૂલી કેમ જાય છે?
દેશમાં દર વર્ષે ૧૪ એપ્રિલના રોજ જ્યારે ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ આવે છે ત્યારે આજ નેતાઓ આંબેડકરની પ્રતિમાને હાર-તોરણ કરવા અને ફોટા પડાવવા પહોંચી જાય છે પરંતુ કદાચ એવુ માનવું રહ્યું કે અહીંના દાણીલીમડા વિસ્તારના ચૂંટાયેલા લોકોને હજી યાદ નથી કે તેમના વિસ્તારને પૂર્વ વિસ્તાર સાથે જોડનાર બ્રિજનું નામ ડૉ.બાબા સાહેબ આંબેડકર બ્રિજ છે.
સાંસદ તરીકે ચૂંટાતા સાંસદને સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળ યોજના(એમપેલ્ડ) હેઠળ દર વર્ષે પાચ કરોડ, ધારાસભ્યને સ્થાનિક વિકાસ માટે શહેરમાં અઢી કરોડ, સ્થાનિક કોર્પોરેશન કોર્પોરેટરને દર વર્ષે તેઓના વિસ્તારના વિકાસ માટે વિસ લાખ ગ્રાન્ટ આપે છે આ ચૂંટાયેલા નેતાઓને લાખો રૂપિયાના બજેટ રાજ્ય સરકાર ફાળવતા હોય છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાનું કરોડો રૂપિયાનું વાર્ષિક બજેટ હોય છે પરતું હજી સુધી કોઈ નેતા એ આંબેડકર બ્રિજ પાસે તેમની પ્રતિમા ઊભી કરી શક્યા નથી કે આવી માંગણી કે રજૂઆત કરેલ હોય તેવું ધ્યાને આવેલ નથી હવે જોવાનું એ રહેશે કે આ નેતાઓ મત લેવા માટે જ આ જ રીતે આંબેડકરના નામનો ઉપયોગ કરતાં રહેશે કે પછી તેમને મળતી ગ્રાન્ટમાંથી કે કોર્પોરેશનના બજેટમાંથી પ્રતિમા બનાવડાવશે એ તો આવનાર સમય જ બતાવશે.
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ અમો અનુસૂચિત જાતિ સમાજની માંગ છે કે વાસણા અંજલિ ચાર રસ્તાથી દાણીલીમડા તરફ જતો રોડ વચ્ચે સાબરમતી નદી પર આવેલ ડૉ.બાબા સાહેબ આંબેડકરબ્રિજ આવેલ છે તે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બ્રિજના છેડે મુકાવે અને અન્યાય અને ભેદભાવ દૂર કરાવે તેવી સમાજ આશા રાખી રહ્યો છે.
તેમજ સામન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના વર્ષ 1996ના પરિપત્ર મુજબ રાજ્યની દરેક સરકારી કચેરીઓ અને શૈક્ષણિક કચેરીઓમાં રાષ્ટ્રીય મહાનુભાવોની યાદીમાં આપની સરકારે ડૉ.બાબા સાહેબ આંબેડકરનું નામ આ સૂચિ(યાદી)માં ન સમાવી ડૉ.બાબા સાહેબ આંબેડકરનું અપમાન રાજ્ય સરકારે કરેલ છે, ગુજરાત સરકાર રાષ્ટ્રીય નેતાઓની સૂચિ (યાદી)માં ડૉ.બાબા સાહેબ આંબેડકરનું નામ ઉમેરે એવી અમો માંગણી કરીએ છીએ.
આપ આ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ હોવાના નાતે તેમજ આપની સંવેદનશીલ સરકાર દ્વારા કોઈપણ સ્વરૂપે કોઈપણ જગ્યાએ કોઈ સાથે ભેદભાવ ન થાય એ જોવાની જવાબદારી આપના શિરે છે ત્યારે આ નરી આખે જોવાય તેવો અન્યાય અને ભેદભાવ દૂર થાય તે માટે આગામી ડૉ. બાબા સાહેબની આગામી 131મી જન્મજ્યંતિ 14 એપ્રિલ પહેલા આપની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરી જે તે સબંધિત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓને લેખિતમાં આ મુદ્દે તાત્કાલિક વિના વિલંબે કાર્યવાહી કરવા સૂચનાઓ આપવા વિનંતી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.