ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચવાનું શરૂ થયું છે. કોંગ્રેસ મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે નરેશ પટેલના નામની જાહેરાત કરી શકે તો ગુજરાતના કોળી સમાજના આગેવાન અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાને નાયબ મુખ્યમંત્રીપદની ઓફર કરી શકે. રાજનીતિના ચાણક્ય પ્રશાંત કિશોરની જ્ઞાતિની વોટ બેન્ક કબજે કરવાની રણનીતિ છે. નરેશ પટેલ લેઉવા પટેલ સમાજનો ચહેરો છે તો કુંવરજી બાવળિયા કોળી સમાજનો ચહેરો છે. સૂત્રોના અહેવાલ મુજબ, નરેશભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયા વચ્ચે એકાદ મહિના પહેલાં બંધબારણે મીટિંગ થઈ હતી. અહેવાલ એવા પણ છે કે રાહુલ ગાંધી આવતા મહિને ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેમની હાજરીમાં નરેશ પટેલ જોડાય એવી વાત છે અને સાથે એવું પણ બની શકે કે કુંવરજી બાવળિયા પણ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે.
નરેશ પટેલ અને કુંવરજી બાવળિયા વચ્ચે ગુપ્ત મીટિંગ થઈ
ફેબ્રુઆરી-2022ના છેલ્લા અઠવાડિયામાં રાજકોટના મવડી પાસે ન્યૂ માયાણીનગરમાં આવેલા સરદાર પટેલ ભવનમાં બપોરે 4 વાગ્યે નરેશ પટેલ અને કુંવરજી બાવળિયાની મીટિંગ થઈ હતી અને એમાં નરેશભાઈએ કુંવરજીભાઈ સમક્ષ કોંગ્રેસ હાઈકમાન્ડે આપેલી ઓફર તેમની સમક્ષ મૂકી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણકારોના કહેવા મુજબ, નરેશ પટેલની કોંગ્રેસ સાથે ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે. જોકે જાહેરાતમાં વિલંબ પણ થયો છે. બીજી તરફ કોળી જ્ઞાતિની પણ મોટી વોટ બેન્ક છે. એ કબજે કરવા કોંગ્રેસ પાર્ટી કોળી સમાજના આગેવાનોને પણ આમંત્રણ આપી રહી છે અને એમાં કુંવરજી બાવળિયાનું નામ મોખરે છે, કારણ કે કુંવરજીભાઈ કોંગ્રેસના જૂના જોગી છે.
કોળી જ્ઞાતિનું ક્યાં કેટલું પ્રભુત્વ
ગુજરાતમાં પાટીદાર વોટબેન્ક સૌથી પ્રભાવશાળી મનાય છે, પરંતુ જનસંખ્યાની દૃષ્ટિએ કોળી સમાજ 23 ટકા જેટલું પ્રભુત્વ ધરાવે છે અને ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 35-37 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 22થી 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10-12 બેઠક ગણી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે.
ભાવનગર | 18% |
સુરેન્દ્રનગર | 15% |
જૂનાગઢ | 11% |
અમરેલી | 12% |
પોરબંદર | 11% |
નવસારી | 10% |
વલસાડ | 08% |
ભરૂચ | 07% |
50 બેઠક પર તો પાટીદાર પાવર જ ચાલશે
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે. અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.