દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવ્યા છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
આખા દેશમાં ચૂંટણીના રણનીતિકારની નામના મેળવનારા પ્રશાંત કિશોર ઉર્ફે પીકે કોંગ્રેસમાં જોડાવાના છે એ મુદ્દો જોર-શોરથી ગાજ્યો હતો, પરંતુ ગાજ્યા મેહ વરસતા નથી અને પીકેના કિસ્સામાં પણ આવું જ થયું. કોંગ્રેસે પ્રશાંત કિશોર સાથે વાતચીત તો શરૂ કરી હતી, પણ અંતમાં સુરસુરિયું થઈ ગયું. પીકેએ પણ કોંગ્રેસને સાથ આપવાની વિનયપૂર્વક ‘ના’ પાડી દીધી. હવે આ બધું છેલ્લે ક્યાં આવીને ડૂબ્યું, એની અંદરની વાત એવી છે કે પીકેને કોંગ્રેસમાં સ્વ. અહેમદ પટેલનું સ્થાન લેવું હતું, એટલે કે તેમને સોનિયા ગાંધીના રાજકીય સલાહકારની પોસ્ટ જોઈતી હતી. અરે ભાઈ પીકે.... કોંગ્રેસના સંનિષ્ઠ એવા અહેમદ પટેલનું સ્થાન કોંગ્રેસ તમને આપે જ નહીં. કોંગ્રેસનું જે થવું હોય એ થાય, પણ પક્ષના વફાદારોનાં સ્થાન પર પેરાશૂટરોને તે કયારેય ના બેસાડે. અહેમદ પટેલ તો ગાંધી પરિવારનું જ અભિન્ન અંગ હતા. કેટલીય મહત્ત્વની ચર્ચાઓ માટે સ્વ. રાજીવ ગાંધી અને ત્યાર બાદ સોનિયા ગાંધી સાથે અહેમદ પટેલની પ્રથમ બેઠક રાત્રે 2 વાગે શરૂ થતી હતી. તેમણે આખી જિંદગી નિષ્ઠાથી કામ કરીને એ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ માત્ર સાંભળતા હતા, બોલતા ઓછું હતા.
પીકે-કોંગ્રેસનું પડી ભાંગ્યું એમાં નરેશ પટેલની સલવામણી થઈ ગઈ
પ્રશાંત કિશોરના ભરોસે જ નરેશ પટેલની કોંગ્રેસમાં ઊંચા હોદ્દા અને ગુજરાત પ્રદેશનો ફેસ બનવાની ચર્ચા ચાલતી હતી. નરેશ પટેલે તો પોતાને હારતોરા કરાવવા ગામડે-ગામડે સર્વે પણ કરાવી દીધો હતો. આ સર્વેમાં ખોડલધામના વડીલોએ તો ના પાડી, પરંતુ મહિલાઓ-યુવાનો તથા ગામેગામના કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં આવવું જોઈએ એવો મત પ્રગટ કર્યો. હવે અણીના ટાઈમે દિલ્હીમાં પીકે અને કોંગ્રેસના લગન થાય એ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા. આવામાં ગુજરાત કોંગ્રેસનું હવે શું થશે અને તેની કમાન સંભાળવાની નરેશ પટેલની મહેચ્છાનું શું થશે એ તો ભગવાન જ જાણે.. પરંતુ એક વાત નક્કી છે કે હવે રાજકારણમાં જવું હોય તો નરેશભાઈએ પોતાનો પણ સૂર બદલવો પડશે અને ભાજપ કે AAP તરફ નજર દોડાવવી પડશે.
ભાજપના નેતાઓ તો અડધી રાતે ચેક કરે છે, સરકારનું વિસર્જન તો નથી થઈ ગયું ને!
ગુજરાતમાં કેટલાક દિવસોથી રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. એમાં પણ ભાજપ તો એકદમ ફાસ્ટટ્રેક પર પ્રચાર-પ્રસાર કરી રહ્યો છે. આ બધાને લીધે ગુજરાતમાં જલદી વિધાનસભા ચૂંટણી થઇ શકે છે એવી ચર્ચાઓ ચાલી રહી છે. આવામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દિવસે તો ઠીક અડધી રાતે પણ ઝબકીને જાગી જાય છે. જાગ્યા પછી ઠંડું પાણી પીને સૂઈ જવાને બદલે એકબીજાને ફોન કરીને ભૂપેન્દ્ર પટેલની સરકાર છે કે રાજીનામું આપશે અને વિધાનસભા ભંગ ગમે ત્યારે થશે એવી ચર્ચાઓ કરી રહ્યા છે.
પાર્ટીના સિનિયર નેતાઓ પણ મીડિયા પ્રતિનિધિઓને અફવાઓની સત્યતા તપાસવા વ્હોટ્સએપ કોલ કરીને જાણકારી મેળવી રહ્યા છે. આઇબી અને ચૂટણીપંચમાં પણ લાગતા-વળગતા નેતાઓ ચેક કરાવી રહ્યા છે. જોકે હજુ સુધી કોઈ ચોક્કસ વાત જાણવા મળતી નથી.
150+ માટે ભાજપે શહેરોમાં જે દીવાલ મળી ત્યાં કમળની છાપો ચીતરાવી દીધી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સત્તાધારી પક્ષ ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના રાષ્ટ્રીય નેતાઓથી લઈને પ્રદેશના નેતાઓ પણ દોડધામ કરી રહ્યા છે. ભાજપ 150 બેઠકના ટાર્ગેટ સાથે મહેનત કરી રહ્યો છે. વિધાનસભામાં 150 કમળ ખીલવવા ભાજપે જૂના નુસખાને નવા સ્વરૂપમાં અજમાવ્યો છે. અત્યારે તો ભાજપે બધાં શહેરોમાં જે દીવાલ મળી એની પર કમળની છાપો ઊભી કરી દીધી છે. અરે, દીવાલો ન મળે તો થાંભલા ને થાંભલા ના હોય તો જ્યાં જગ્યા મળે ત્યાં કમળ દોરાઈ રહ્યાં છે. ભાજપનો એવો ઈરાદો લાગે છે કે આ કમળ જોઈ જોઈને મતદારો ચૂંટણીમાં કમળ પર જ થપ્પો મારશે.
KKની દિલ્હીની મુલાકાતો વધી જતાં સમજવું હવે ચૂંટણી નજીક છે!
વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રીઓના સલાહકાર અને સિનિયર મોસ્ટ IAS કે કૈલાસનાથન છેલ્લા અઠવાડિયામાં બે વાર દિલ્હીની ઓફિશિયલ મુલાકાતે જઈ આવ્યા છે, જેને પગલે સરકારી અધિકારીઓની લોબીમાં પણ એવી ચર્ચા છે કે હવે ચૂંટણી અંગેની તેમની મહત્ત્વની મીટિંગો થવા માંડશે, સાથે સાથે રાજ્યના નવા ચીફ ઇલેકશન ઓફિસર તરીકે IAS પી ભારતીની નિમણૂક કરવામાં આવી છે. એની સાથે હવે એ વાત પાક્કી છે કે ચૂંટણી નજીક જ છે. સરકાર એટલે કે વહીવટી તંત્ર એવું દર્શાવી રહ્યું છે કે અમે તો તૈયારી મોટે પાયે કરી જ લીધી છે. ઇલેકશન અંગે નિર્ણય જાહેર થાય એટલે તરત જ અમે તો અમલ કરવા તૈયાર જ છીએ.
ઇન્ડેક્સ્ટ-બીમાં MDની ગેરહાજરીમાં તાપમાન વધી ગયું
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનનો ભાર અને ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવતા ઇન્ડેક્સ્ટ-બીમાં હમણાં-હમણાં ગરમીનો પારો ઊંચો ગયો છે. ઇન્ડેક્સ્ટ-બીમાં એમડી બેસે છે એ ઓફિસ આસપાસ આગ લાગી હતી અને કેટલીક ચેમ્બરમાં નુકસાન પણ થયું છે. જોકે હાલ તો આ ઇન્ડેક્સ્ટ-બીનું કોઇ રણીધણી નથી. અગાઉ એમડી તરીકે નિલમરાની અહીં બેસતા હતા. તેઓ રજા પર જવાની અને તેમના કેડરમાં પાછા જવાની વાતને પગલે હાલ તો ઇન્ડેક્સ્ટ-બીમાં એમડીની ખુરશી ને ચેમ્બર બંને ખાલી છે.
વાઇબ્રન્ટ સમિટ-2022 છેલ્લા અઠવાડિયામાં રદ થતાં હવે ઇન્ડેક્સ્ટ-બી ફરી કોમામાં જતું રહ્યું છે, પરંતુ જેમને પીએમએ મક્કમ મુખ્યમંત્રી ગણાવ્યા છે તેમની પાસે હવે વાઇબ્રન્ટ સમિટમાં જેમણે નાના-નાના કોન્ટ્રેકટનાં કામ કર્યા હોય તેમનાં નાણાં ચૂકવાય તેની અપેક્ષા નાના કારીગરો અને વેન્ડર રાખી રહ્યા છે. આમ, આગ તો ખરેખર લાગી છે, પરંતુ નાણાં ન મળતાં કેટલાકનાં હૈયાં બળી રહ્યાં છે.
બંછાનિધિ પાનીએ ખરા અર્થમાં પાણી બતાવી દીધું
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પીએમની ગુજરાતની વિઝિટ દરમિયાન સ્માર્ટસિટીની સમિટ ઇવેન્ટને સફળતાથી પાર પાડી હતી. પાનીને અગાઉ 2021માં સુરતના કમિશનરપદે બઢતી તો આપવામાં આવી, પરંતુ પોસ્ટિંગ સુરત જ રહ્યું હતું. હવે બંછાનિધિ પાનીએ સ્માર્ટસિટીની સમિટ કરીને એમ પણ બતાવી દીધું કે હું મોટી જવાબદારીને વહન કરવા કે ઉપાડવા સક્ષમ છું. કોરોનાના સમયગાળામાં સુરતમાં કામગારી બાદ હવે ચૂંટણી પહેલાંની બદલીના લિસ્ટમાં બંછાનિધિ પાનીનો સમાવેશ થાય એવી શક્યતા છે અને તેમને હવે મહત્ત્વનો હોદ્દો મળવા સાથે ગાંધીનગર સચિવાલયનું પોસ્ટિંગ મળે એવું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.