પીરાણા કચરાના ડુંગરમાંથી મોટી માત્રામાં નીકળેલા પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કઇ રીતે કરવો તે મ્યુનિ. માટે માથાના દુ:ખાવો બની રહ્યો હતો ત્યારે હવે એક ટેન્ડરમાં મ્યુનિ.ને આ પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે એક કંપની આગળ આવી હોવાનું જાણવા મળે છે. તેનાથી મ્યુનિ.ને આવક થશે.
પીરાણા કચરાના ઢગલાની સફાઇમાં જે કચરો મળી રહ્યો છે તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે થઇ રહ્યો છે. તો રોડા સહિતની જે કાટમાળ પ્રકારનો કચરો મળે છે તેનો ઉપયોગ સિમેન્ટના બ્લોક બનાવવામાં થઇ રહ્યો છે. જોકે આ પીરાણા સફાઇ અભિયાનમાં જે પ્લાસ્ટિક વેસ્ટ મળ્યો તેનો શું નિકાલ કરવો તે પ્રશ્ન મ્યુનિ. માટે પણ માથાના દુ:ખાવા સમાન બની ગયો હતો.
મ્યુનિ.એ પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે કરેલી ટેન્ડર પ્રક્રિયામાં એક એજન્સીએ તૈયારી બતાવવામાં આવી છે. આ પ્લાસ્ટિક કચરામાંથી નીકળ્યું હોવાથી વધુ ગંદુ હોવાથી સામાન્ય રીતે અન્ય કોન્ટ્રાક્ટરો આ કારણથી જ કામ સ્વીકારતા ન હતાં. જ્યારે અન્ય રોજિંદા કચરામાં આવતાં પ્લાસ્ટિક વેસ્ટને કોન્ટ્રાક્ટર લેવા તૈયાર થતાં હતા. હવે આ 10 લાખ ટન જેટલા પ્લાસ્ટિક વેસ્ટને સાફ પાણીથી ધોવામાં આવશે. પણ આ પ્લાસ્ટિકને પાણીથી ધોયા બાદ તેને સ્વચ્છ કરીને તેને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે, જેથી તે પ્લાસ્ટિક બળતણ તરીકે ઉપયોગમાં લઇ શકાય.
ખાસ કરીને આ પ્લાસ્ટિકનો વેસ્ટ બળતણ માટે સિમેન્ટ બનાવતી કંપનીઓને આપવાનું આયોજન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેને કારણે શહેરમાં પ્લાસ્ટિકના વેસ્ટનો નિકાલ થઇ જશે. જ્યારે સિમેન્ટ કંપનીઓના બળતણની જરૂરિયાત પણ સંતોષાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.