અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં સ્થિત મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલના વહીવટ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેના પગલે હાઇકોર્ટે શાળા સંચાલકો, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પાઠવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શરતોને આધીન શાળા પરિસર ખાનગી સંસ્થાને સોંપ્યુ હતું. પરંતુ ધારાધોરણ અને નિયત કરાયેલ શરતો પ્રમાણે તેનું પાલન ન કરવામાં આવતું હોવાની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ કરી જાહેરહિતની અરજી
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ હસ્તગત મીઠાખળી વિસ્તાર સ્થિત મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલના વહીવટ મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી છે. શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય મારફતે જાહેરહિતની અરજી કરાઈ છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે શાળાનું સંચાલન ખાનગી સંસ્થા એટલે કે આઈડિયા ફાઉન્ડેશને સોંપતા સમયે આ શાળામાં 20% બેઠકો ગરીબ વિદ્યાર્થીઓ માટે આરક્ષિત રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી તે વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે.
સ્કૂલમાં RTE હેઠળ પ્રવેશ ન અપાતો હોવાનો આક્ષેપ
અરજદાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે, આઇડિયા ફાઉન્ડેશન દ્વારા 20 ટકા બેઠકો પર ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવામાં નથી આવતા. એટલું જ નહીં પરંતુ 25% રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં પણ શાળા સંચાલકો આનાકાની કરે છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં અરજદાર ઇલિયાસ કુરેશીએ જણાવ્યું કે, શાળા સંચાલકો લાખો રૂપિયાની ફી વસુલે છે અને જગ્યા કોર્પોરેશનની છે, પરંતુ ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા નથી આવતા. શાળાનો વાર્ષિક અહેવાલ પણ કોર્પોરેશન અને જમા કરાવવાનો હોય છે પરંતુ તેમ પણ નથી કરવામાં આવતું. આ મામલે વધુ સુનાવણી 18 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.