સુનાવણી:ગુજરાતમાં લઘુતમ વેતન ન મળતું હોવાની વાત સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી, કોર્ટે અન્ય રાજ્યોમાં વેતનમાં વધારા અંગેનો રિપોર્ટ માંગ્યો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • ગુજરાત મજદૂર પંચાયત તરફથી હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી
  • 2014થી લઘુતમ વેતનમાં વધારો ન કરાયો હોવાની રજૂઆત કરાઈ

રાજ્યમાં લઘુતમ વેતનનો મુદ્દો ફરી એક ચર્ચામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં લઘુતમ વેતન ન મળતું હોવાની વાત સાથે જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ જાહેરહિતની અરજીમાં અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને લઘુતમ વેતન ન મળતું હોવાની રજૂઆત કરવામાં આવી છે.

2014 બાદથી લઘુતમ વેતનમાં વધારો નહીં
હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં 2014 બાદ લઘુતમ વેતન દરમાં વધારો પણ નહીં કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. વધતી મોંઘવારી અને અન્ય સામાજિક પરિબળોની વચ્ચે લઘુતમ વેતન નહીં વધારીને રાજ્યના મોટાભાગના વર્ગના જોડે અન્યાય થતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

શ્રમિકો, છૂટક મજૂરી કરનારાને નડતી સમસ્યા અંગે કોર્ટનું ધ્યાન દોરાયું
ગુજરાત મજદૂર પંચાયત તરફથી કરવામાં આવેલ અરજીમાં શ્રમિકો કે જેઓ છૂટક કામ કરીને આર્થિક ઉપાર્જન કરે છે, તેમને નડતી સમસ્યાઓ અંગે પણ કોર્ટનું ધ્યાન દોર્યું છે. આ બાબતે હાઈકોર્ટે અરજદારને આદેશ કર્યો છે કે લઘુતમ વેતનના દરના બાબતે અને અન્ય રાજ્યોમાં લઘુતમ વેતનમાં કરાયેલા વધારા અંગેનો સંપૂર્ણ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે. લઘુતમ વેતનના દરમાં વધારા અંગે સરકારને નિર્દેશો આપવા મુદ્દે કોર્ટ આગામી સુનાવણીમાં નિર્ણય લેશે.