ક્રાઈમ:PIએ સ્વામીના ડ્રાઇવર સાથે મારામારી કરી હોવાથી તેમની બદલી કરાઈ હોવાનો બચાવ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટેશનમાં બોલાચાલીની ક્લિપના આધારે વાડજ પીઆઈની બદલી કરી દેવાઈ

વાડજના પીઆઈ રાઠવાએ સ્વામીના ડ્રાઈવર સાથે ગેરવર્તણુક, મારામારી કરી હોવાથી તેની બદલી કરવામાં આવી હોવાનો દાવો ઉચ્ચ પોલીસ અધિકારીએ કર્યો છે. ઝોન - 1 ડીસીપી પી.એલ.માલે જણાવ્યું હતું કે, વાડજ સર્કલ પાસેથી કર્ફ્યૂ સમયમાં નીકળેલી કલોલના સ્વામીની ગાડી પોલીસે રોકી હતી, જેથી સ્વામીની ગાડીના ડ્રાઈવરે સ્થળ ઉપર જ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું, જેથી તેની સામે અને ગાડીમાં સવાર 4 માણસો વિરુદ્ધ કર્ફ્યૂ  ભંગનો ગુનો નોંધવા ગાડી સાથે વાડજ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

જ્યાં સ્વામીએ ફોન પર પીઆઈને કેસ નહીં કરવા ધમકી આપ્યા બાદ ધારાસભ્ય અને મંત્રીએ પણ ધમકી ભર્યા શબ્દોમાં પીઆઈને ભલામણ કરી હતી, જેથી સ્વામીની ગાડીના ડ્રાઈવર સામે ગુનો નહીં નોંધીને કર્ફ્યૂ ભંગ બદલ રૂ.1 હજાર દંડ લઇને જવા દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ સ્વામીના ડ્રાઈવરે દંડની ના પાડી દીધી હતી, જેથી ડ્રાઈવર અને પીઆઈ રાઠવા વચ્ચે તું - તું મેં મેં થઇ હતી, જેમાં પીઆઈએ  ડ્રાઈવરને અપશબ્દો બોલ્યા હતા અને માર માર્યો હતો. તેવો આક્ષેપ ડ્રાઈવર દ્વારા કરવામાં આવ્યો હતો. 

ઓડિયો ક્લિપની તપાસ ચાલી રહી છે
ડીસીપી ઝોન - 1 પી.એલ.માલના જણાવ્યા અનુસાર ઓડિયો ક્લિપમાં  પીઆઈ રાઠવા અને સ્વામીના ડ્રાઈવર વચ્ચેની વાતચીત છે,  આ ઓડિયો ક્લિપ ખરેખર પીઆઈ રાઠવા અને સ્વામીના ડ્રાઈવર વચ્ચેના છે કે નહીં તેની ખરાઈ કરવા માટે એસીપીને ઈન્કવાયરી સોંપવામાં આવી છે. 

કોણે સમાચાર આપ્યા તેની તપાસ
સ્વામીની ગાડી છોડવા મુદ્દે ધારાસભ્ય,મંત્રીએ ફોન કરીને પીઆઈને ખખડાવ્યા હતા. આ અંગે પ્રસિદ્ધ સમાચાર અંગે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ઈન્કવાયરી સોંપી છે. જેમાં ધારાસભ્ય, મંત્રી,પીઆઈની વાત મીડિયામાં કેમ આવી તેની તપાસ શરૂ કરાઈ છે.

સીસીટીવી કેમ ચેક કરાવાતા નથી
વાડજ અને નારણપુરા પોલીસ સ્ટેશન એક જ સંકુલમાં આવેલા છે. આ બંને પોલીસ સ્ટેશનો સંપૂર્ણ રીતે સીસીટીવી કેમેરાથી સજ્જ છે. તો પછી બંને વ્ચચેની ઘર્ષણની ઘટનાની ખરાઈ માટે વાડજ પોલીસ સ્ટેશનના સીસીટીવી શા માટે ઉપરી અધિકારીઓ ચેક નથી કરી રહ્યા. 

અન્ય સમાચારો પણ છે...