LRD ભરતી:PSI અને LRDની શારીરિક કસોટી 29 જાન્યુઆરીએ પૂરી થશે, ભરુચ, રાજકોટ, ગાંધીનગરના મેદાનોમાં મહિલા ઉમેદવારોની કસોટી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી 29 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી વચ્ચે પૂરી થશે
  • 3 ડિસેમ્બરથી રાજ્યમાં કુલ પંદર મેદાનમાં પો.સ.ઇ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી શરૂ થશે

ગુજરાત પોલીસની PSI અને લોકરક્ષક (LRD)ની ભરતીમાં 12 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે આગામી 3 ડિસેમ્બરથી ફિઝિકલ ટેસ્ટ રાજ્યના 15 જેટલા ગ્રાઉન્ડ પર લેવામાં આવનાર છે. ફિઝિકલ ટેસ્ટ માટેના દિવસભર રાહ જોયા બાદ ઉમેદવારો રાત્રે 8.50 વાગ્યા બાદ કોલલેટર ડાઉનલોડ માટે ઉપલબ્ધ થયા હતા. ત્યારે હવે પુરુષો અને મહિલા ઉમેદવારો માટેની શારીરિક કસોટી અલગ-અલગ દિવસોમાં રાખવામાં આવશે, તેવી જાહેરાત હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી છે. 15 મેદાનમાંથી ત્રણમાં મહિલા ઉમેદવારો અને 12માં પુરુષ ઉમેદવારોની પરીક્ષા યોજાશે.

મહિલા અને પુરુષ ઉમેદવારોની અલગ કસોટી
ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ 29/12/21થી શરૂ થઈ તારીખ 29/01/22ના રોજ પૂરી થશે. જ્યારે માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ 25/12/21થી શરૂ થઈ તારીખ 25/01/22 સુધીમાં પુરી થશે.

માત્ર PSIનું ફોર્મ ભરનારા ઉમેદવારોની પરીક્ષા 3 ડિસેમ્બરથી
આવી જ રીતે પો.સ.ઇની શારીરીક કસોટી તારીખ 3/12/21થી શરૂ થશે. પુરુષ ઉમેદવારોની કસોટી તારીખ 24/12/21ના રોજ પૂરી થશે, મહિલા ઉમેદવારોની કસોટી તારીખ 28/12/21ના રોજ પૂરી થશે. જે ઉમેદવારોએ પો.સ.ઇ તથા લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યું હોય તેઓની કસોટી પણ આ તારીખ સુધીમાં પૂરી થશે.

આ પણ વાંચો: PSI અને LRD ભરતીની પરીક્ષા સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કુલ 15 ગ્રાઉન્ડમાં લેવાશે, વાંચો ગ્રાઉન્ડનું લિસ્ટ

કુલ 15 મેદાનો પર પરીક્ષા યોજાશે
3 ડિસેમ્બરથી રાજ્યમાં કુલ પંદર મેદાનમાં પો.સ.ઇ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી શરૂ થશે. 12 મેદાનો ઉપર પુરુષ અને ત્રણ મેદાનો ઉપર મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી થશે. મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી પોલીસ મુખ્ય મથક રાજકોટ શહેર, ભરૂચ તથા ગાંધીનગરના મેદાનોમાં લેવામાં આવશે.

PSI તથા લોકરક્ષક બંને માટે એક જ કોલલેટર
પો.સ.ઇ તથા લોકરક્ષક બંને માટે એક જ કોલ લેટર નીકળશે. જે ઉમેદવારોએ બંનેમાં અરજી કરેલી છે તેઓએ OJAS પર બંનેમાંથી એક જાહેરાત પસંદ કરી તે જાહેરાતનો જ કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે. જાહેરાત લોકરક્ષકની અને કન્ફર્મેશન નંબર પો.સ.ઇનો નાખશે તો ડાઉનલોડ થશે નહીં.