ઉમેદવારોની આતુરતાનો અંત:3 ડિસેમ્બરથી લેવાશે PSI અને LRDની શારીરિક કસોટી, 26 નવેમ્બરથી OJAS પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બન્ને પરીક્ષા માટે દોડ એક પણ બન્ને ભરતી અલગ-અલગ
  • 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની અને PSIની 1,382 જગ્યાઓ માટે ભરતી

PSI અને લોક રક્ષક દળની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ બન્ને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. તેમજ PSI અને LRD એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. જ્યારે કોલ લેટર 26 નવેમ્બરથી OJASની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહીં.

ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની અને PSIની 1,382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. LRD ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ખાસ કરીને 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો પણ છે.

LRDમાં શારીરિક કસોટીના 25 અને PSIના 50 માર્ક
પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ મુજબ, બન્ને પરીક્ષા માટે દોડ એક કરીએ છીએ, બાકી બન્ને ભરતી અલગ-અલગ છે. લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક છે અને PSIના 50 માર્ક છે. ધારો કે 20 મિનિટ લીધી એટલે શારીરિક કસોટીના 25 માર્કમાંથી મળવાપાત્ર માર્ક લોકરક્ષકમાં જતા રહેશે. એ જ રીતે PSIમાં 50માંથી લેખિત-શારીરિક કસોટીના માર્ક મળ્યા હોય એનું ટોટલ થશે. આ બન્ને પરીક્ષા અલગ જ છે. બન્ને માટે અલગ અલગ ફોર્મ છે.

LRD માટે દોડમાં 25થી 10 સુધીના માર્ક્સ મળશે
LRDની ભરતીમાં 9.46 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરીને અરજી કન્ફર્મ કરાવી છે. ત્યારે દિવ્યભાસ્કર તમને જણાવી રહ્યું છે કે શારીરિક કસોટીમાં કેટલા સમયમાં કેટલું દોડશો તો તમને કેટલા માર્ક્સ મળશે. તમારી દોડ પૂરી કરવાના સમય મુજબ અલગ અલગ માર્ક્સ મળશે, જે મેરિટ સમયે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પુરુષ અને મહિલા ઉમેદવારોને વધુમાં વધુ 25, જ્યારે ઓછામાં ઓછા 10 માર્ક્સ આ દોડની કસોટીમાં મળવાના છે.

દોડના માર્ક્સની મેરિટમાં ગણતરી થશે
LRD માટે પુરુષ ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં 24થી 25 મિનિટની વચ્ચે જો દોડ પૂરી થશે તો માત્ર 10 જ માર્ક્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 9થી 9.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા 25 માર્ક્સ લેવા માટે 9.30 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 12 અને 12.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મળશે અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.