ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી વર્ચ્યુઅલ કરવાના નિર્ણય બાદ હવે રાજ્યની તમામ નીચલી ફોર્ટની કાર્યવાહી પણ વર્ચ્યુઅલ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે આ બાબતે SOP જારી કરી છે અને કોર્ટ પરિસરમાં અને લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેની સાથે સાથે સાથે કોઈ એડવોકેટ ગેરહાજર હોય તો ઓર્ડર પાસ ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
ગ્રામ વિકાસના કર્મીઓને રોટેશન મુજબ કામગીરીની સૂચના
રાજ્યમાં કોરોના વકર્યો છે અને કેસ પણ 4200ને પાર થઈ ગયા છે. ત્યારે રાજ્યમાં ગ્રામ વિકાસ કચેરી માટે રોટેશન પ્રમાણે કર્મચારીઓને ઓફિસ જવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓની સૂચના પ્રમાણે વર્ગ 3 અને તેની નીચેના વર્ગના કર્મચારીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તો કોરોના સામે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. વેક્સિનના બે ડોઝ લેનાર જ ઓફિસ જઈ શકશે. અધિકારીઓની સૂચના અનુસાર કામગીરી કરવા જણાવાયું છે.
હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓનું મોનિટરિંગ કરવા CMનો આદેશ
મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લા અને શહેરી તંત્રવાહકોને અનુરોધ કર્યો કે, જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં રહેલા હોય તેમનું અને એમાંથી હોસ્પિટલમાં એડમિટ થયા હોય તેમનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવે એ ઇચ્છનીય છે.
10 જાન્યુ.થી દરરોજ ઉકાળા વિતરણ
આ બેઠકમાં કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાઉડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે.
બેડ, ટ્રેસિંગ-ટ્રેકિંગ અને વેક્સિનેશનની વિગતો રજૂ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહીવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસિંગ-ટ્રેકિંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.
પ્રભારી સચિવોને જિલ્લાઓમાં પહોંચવા આદેશ
મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતાં કહ્યું હતું કે જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે એ માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહિ સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, વરીષ્ઠ સચિવો આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થયા હતા.
સંત સંમેલનમાં હાજર રહેલા ભાજપના નેતા ઋત્વિજ પટેલ કોરોનાગ્રસ્ત
સંત સંમેલનમાં માસ્ક વિના હાજર રહેલા ભાજપ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ઋત્વિજ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે.
સાડાચાર મહિના પછી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ
રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે. સોમવારથી કોર્ટ કેમ્પસમાં સ્ટાફ સિવાયના લોકોનો પ્રવેશબંધી કરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમિયાન જાહેર થશે.
બે દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા તેમજ માત્ર વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહામારીને કારણે આ પહેલાં 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
હાઇકોર્ટની કાર્યવાહી વર્ચ્યુઅલ કરવા ચીફ જસ્ટિસને રજૂઆત કરાઈ હતી
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશને વર્ચ્યુઅલ સુનાવણી કરવા માટે ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનની મેનેજિંગ કમિટીના સભ્યોએ વધતા કોરોના કેસને લઈ કોર્ટની કાર્યવાહી આગામી ત્રણ અઠવાડિયા સુધી વર્ચ્યુઅલ કરવા રજૂઆત કરી હતી. હાઇકોર્ટની હયાત SOPને ધ્યાનમાં લેતાં કોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલે એવી ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. અગાઉ 3 દિવસ પહેલાં હાઈબ્રીડ મોડમાં હિયરિંગ રાખવા એડવોકેટ્સ એસોસિયેશનને રજૂઆત કરાઈ હતી.
વાઇબ્રન્ટ પણ મોકૂફ
ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે 6 જાન્યુઆરીએ આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો, સાથે જ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો તથા પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પ્રતિનિધિમંડળો આવવાના હતા. જોકે ગુજરાત સહિત દેશ તથા દુનિયાભરમાં પણ સંક્રમણ વ્યાપક બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના આરોગ્યકર્મીઓની રજાઓ રદ કરાઈ
રાજ્યમાં પ્રવર્તી રહેલી કોવિડ-19ની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના આરોગ્યકર્મીઓની રજાઓ રદ કરાઈ છે અને તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા છે અને આગામી સમયમા અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહી.
અમદાવાદનો ફ્લાવર શો રદ
ફલાવર શોમાં પણ હજારોની ભીડ ભેગી થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને એ પહેલાં ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. એની સાથે સાથે પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં 6 જાન્યુઆરીએ કોરોનાના 4213 નવા કેસ નોંધાયા
રાજ્યમાં 6 જાન્યુઆરીએ કોરોનાના 4213 નવા કેસ નોંધાયા હતા. એ પહેલાં 22 મેના રોજ 4205 કેસ હતા. ગયા વર્ષે ડિસેમ્બર માસમાં 4253 નવા કેસ હતા. એની સમકક્ષ જ 6 જાન્યુઆરીએ કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે અને ત્યાં એક હજારથી વધારે એટલે કે 1105 નવા કેસ નોંધાયા હતા. રાજ્યના સૌથી વધુ 1835 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા.
14346 એક્ટિવ કેસ અને 29 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યારસુધીમાં 8 લાખ 44 હજાર 856ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 127 છે. તેમજ અત્યારસુધીમાં 8 લાખ 20 હજાર 383 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14346 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 14317 દર્દીની હાલત સ્થિર છે.
રાજ્યમાં 1 જાન્યુ.થી નોંધાયેલાં કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ
તારીખ | કેસ | ડિસ્ચાર્જ | મોત |
1 જાન્યુઆરી | 1069 | 103 | 1 |
2 જાન્યુઆરી | 968 | 141 | 1 |
3 જાન્યુઆરી | 1259 | 151 | 3 |
4 જાન્યુઆરી | 2265 | 240 | 2 |
5 જાન્યુઆરી | 3350 | 236 | 1 |
6 જાન્યુઆરી | 4213 | 830 | 1 |
કુલ | 13124 | 1701 | 9 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.