કોરોના બેકાબૂ:રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ, ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખી શકાશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન)આગામી 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. દરેક સેમેસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે સરકારે 18મી માર્ચથી 10મી એપ્રિલ સુધી આઠ મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દીધું હતું.

5 એપ્રિલથી ધો.1થી 9ની તમામ સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ
જ્યારે 2 એપ્રિલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં 5મી એપ્રિલથી 1થી 9ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય શાળાઓમાં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ માટે છે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.

જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.

કોરોના છતાં CBSE બોર્ડની 4 મેથી પરીક્ષા
ફરી કોરોનાના કેસો વધતા CBSE (સેન્ટ્ર્લ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન )બોર્ડની પરીક્ષાઓ માટે ફરી અસમંજસની સ્થિતિ બની છે. હાલની કોરોનાની સ્થિતિ માટે સૌના મનમાં એક જ સવાલ છે કે 4 મેથી યોજાનારી CBSEની પરીક્ષા કેન્સલ કરવામાં આવશે કે નહિ. તેવામાં બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નક્કી કરાયેલા શિડ્યુલ પ્રમાણે જ પરીક્ષાનું આયોજન થશે.

કોરોનાની સ્થિતિ ગંભીર બનતાં વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ પરીક્ષા રદ્દ કરવાની માગ કરી રહ્યા છે.આ વખતે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન કેમ્પઇન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પરીક્ષા કેન્સલ કરવા માટે વિવિધ હેશટેગ ટ્રેન્ડ કરાઇ રહ્યા છે.