કાળાબજારી પડશે મોંઘી:જો ફાર્માસિસ્ટ દવાની સંગ્રહખોરી, ઊંચી કિંમતે વેચાણ અથવા ગેરરીતિમાં શામેલ હશે તો, આજીવન લાઇસન્સ રદ કરવા ફાર્મસી કાઉન્સિલનો નિર્ણય

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં ઝડપાયેલા નકલી રેમડે� - Divya Bhaskar
મોરબીમાં ઝડપાયેલા નકલી રેમડે�
  • ઈન્જેક્શન કે દવાના નામે વધુ રૂપિયા પડાવતા કે કાળાબજારી કરતા ફાર્મસીસ્ટ સામે પગલાં લેવાશે.
  • દવા ખરીદતા સમયે બીલ લેવાનો ખાસ આગ્રહ રાખવો જેથી નકલી દવાથી બચી શકાય- ફાર્મસી કાઉન્સિલના ચેરમેન

કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શનનો કૌભાંડ સામે આવી રહ્યા છે. સુરતથી લઈને મોરબી સુધીમાં લોકોના જીવ સાથે ચેડાં કરીને નકલી રેમડેસિવિર ઊંચી કિંમતે વેચવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. જેમાં મજબૂર લોકો સામે ઈન્જેક્શનના નામે વધુ રૂપિયા પડાવનારા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.

નકલી દવા કે ઊંચી કિંમતે ઈન્જેક્શન વેચવા પર કાર્યવાહી થશે
તાજેતરમાં જ સુરત, અમદાવાદ, આણંદ, વડોદરા તથા મોરબીમાં નકલી રેમડેસિવિર ઊંચી કિંમતે વેચવાના મામલા સામે આવ્યા છે. એવામાં ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, મજબૂર લોકો પાસે ઈન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી થશે. ઈન્જેક્શનની કાળાબજારી, ડુપ્લીકેટ દવા, ઈન્જેકશનનું વેચાણ, એમ.આર.પી કરતા વધારે કિંમતની વસુલાત, દવા અને ઈન્જેક્શનની સંગ્રહખોરી કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે તેમનું લાઇસન્સ રદ થશે. ઉપરાંત ફાર્મસી એક્ટ 1948 અને Pharmacy Practice Regulation Act 2015 મૂજબ છ મહિના જેલની સજા પણ થશે.

ગુજરાત ફાર્મસી કાઉન્સિલની નોટિસ
ગુજરાત ફાર્મસી કાઉન્સિલની નોટિસ

ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં ફરિયાદ કરી શકાશે
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ પ્રતીક નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં જો કોઈ ફાર્માસિસ્ટ રેમડિસીવીર ઇન્જેક્શનનની કાળાબજારીમાં સીધી અથવા તો આડકતરી રીતે શામેલ હોવાનું સામે આવશે તો તેને પોતાના ધંધાથી હાથ ધોઈ બેસવાનો વારો આવશે, એટલે કે તે ફાર્મસીસ્ટનું લાઇસન્સ આજીવન માટે રદ કરવામાં આવશે. રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ મોટા પ્રમાણમાં વધી છે, જે દર્દીનું ઓક્સિજન લેવલ નીચું હોય તેવા દર્દીઓ માટે આ દવા ખૂબ ઉપયોગી સાબિત થઈ છે, આ પરિસ્થિતિનો ગેરલાભ લઇ કેટલાક લોકો ઇન્જેક્શનનો સ્ટોક કરી બ્લેકમાં કિંમતથી અનેક ગણા ભાવ વસુલી રહ્યા છે. દર્દીના પરિજનો પણ નિસહાય બની પોતાના પરિજનોના જીવની ચિંતા કરી ઇન્જેક્શન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેને લઈ કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે. કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ પણ વ્યક્તિ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં ફરિયાદ આ માટે ફરિયાદ કરી શકે છે.

દવા ખરીદતા સમયે બીલ અચૂક લેવાનું રાખો
આ બાબતે દિવ્ય ભાસ્કર ડિઝિટલ સાથે વાત કરતાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન મોન્ટુ પટેલે જણાવ્યું કે "લોકોએ હાલ સતત બનવાની જરૂર છે. રેમડેસિવિર કે અન્ય કોઈ ઇન્જેક્શન અથવા તો દવા ખરીદતા સમયે બિલનો આગ્રહ રાખવો જોઈએ. જેથી કરીને બનાવટી ઇન્જેક્શન કે નકલી દવાઓથી બચી શકાય. સાથે સાથે ફાર્માસિસ્ટને પણ હાલના સમયમાં તેમની નૈતિક ફરજ અને જવાબદારી નિભાવવા માટે અપીલ કરી છે." હાલમાં ન સુરતમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાની સફેક્ટરી ઝડપાઈ હતી, જ્યાંથી રાજ્યના ઘણા સ્થાન પરથી સપ્લાય કરવામાં આવ્યા હતા, જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા.

નકલી રેમડેસિવર ઈન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી
આ નકલી ઇન્જેક્શન તે અમદાવાદ જુહાપુરામાંથી મહમદ આશીમ ઉર્ફે મહમદ આશીફ મહમદ અબ્બાસભાઇ પટણી (રહે. અમદાવાદ) અને રમીઝમાઇ સૈયદહોન કાદરી (રહે જુહાપુરા વેજલપુર રોડ શરીફાબાદ સૌસાયટી) નામના બે આરોપીને 1170 નંગ નકલી રેમડેસિવર ઈન્જેક્શન અને રોકડા રૂપિયા 17.37 લાખ સાથે મોરબી પોલીસની ટીમે દબોચી લઈ આ ઇન્જેક્શન ક્યાંથી લાવતા હતા તે અંગે માહિતી ઓકાવી કૌભાંડના મૂળ અને જ્યા રેમડેસિવિર ઈન્જેક્શનન બનાવવામાં આવતા હતા તે સુરતના પિંજરાદ ગામે ગઈકાલે રાત્રે જ દરોડો પાડી નકલી રેમડેસિવિર ઈન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી.

જરૂરિયાત લોકોને પાંચ હજારમાં વેચતા હતા
વધુમા જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે, કૌભાંડિયા તત્વો દ્વારા ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરી નકલી રેમડેસિવિર ઈન્જેક્શનન બનાવવામાં આવતા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારા લોકો 2500 રૂપિયામાં ઇન્જેક્શન આપતા હતા. જેને મોરબી અને અમદાવાદમાં જરૂરિયાત વાળા લોકો પાસેથી પાંચ હજાર કે તેથી વધુ કિંમત વસૂલી વેચવામાં આવતા હતા.

નકલી રેમડેસિવિર વેચતા પકડાયેલા આરોપીઓ
નકલી રેમડેસિવિર વેચતા પકડાયેલા આરોપીઓ

74 લાખ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા
આ દરમિયાન મોરબી પોલીસે સુરત નજીક આવેલા પિંજરાદ ગામે સ્થાનિક પોલીસની મદદથી દરોડો પડતા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાનો મુખ્ય ભેજાબાજ આરોપી કૌશલ મહેન્દ્રભાઇ વોરા, (રહે. સુરત, અડાજણ) અને પુનિત ગુણવંતલાલ શાહ, (રહે. મુંબઇ) વાળા ઝડપાઇ ગયા હતા અને પોલીસે નકલી ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરીમાંથી 160 નંગ નકલી રેમડેસિવિર ઈન્જેક્શન, 63 હજાર જેટલી ખાલી બોટલ ઉપરાંત 30 હજાર જેટલા નકલી સ્ટીકર સાથે રોકડ રકમ રૂપિયા 74 લાખ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા અને હજુ પણ આ અંગેની કાર્યવાહી ચાલુ હોવાનું અને અત્યાર સુધીમાં કુલ 11 આરોપીને ગિરફ્તમાં લેવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

કુલ એક કરોડ, 61 લાખ, 80 હજાર 800 રુપિયાનો મુદ્દામાલ જપ્ત
આ રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી મોરબી પોલીસે કુલ એક કરોડ, 61 લાખ, 80 હજાર 800 રુપિયાના ઇન્જેકશન વેચાણના રોકડા રૂ.90 લાખ 27 હજાર 500, મોબાઇલ નંગ-નવ કી.રૂ.એક લાખ 50 હજાર, ખાલી શીશીઓ (વાયલ) એક લાખ 43 હજાર,138 કી.રૂ. સાત લાખ 57 હજાર 656, શીશીઓને મારવાના બુચ રૂ એક લાખ 14 હજાર, એપલ કંપનીનું લેપટોપ નં-એક કી.રૂ. એક લાખ 75 હજાર, સાત ગ્લુકોઝ પાવડર બેગ નંગ-40 કી.રૂ.આઠ હજાર, ઇનોવા કાર કી.રૂ. આઠ લાખ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી મુજબ ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

રાઘવપુરા ગામમાં એક ફાર્મહાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર બનતા હતા
રાઘવપુરા ગામમાં એક ફાર્મહાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર બનતા હતા

મોરબીના શખ્સો અમદાવાદથી નકલી રેમડેસિવિર લઇ આવતા હતા
મોરબીમાંથી પકડાયેલા આરોપીઓએ એવી કબૂલાત આપી હતી કે, અમદાવાદના જુહાપુરામાં રહેતા મોહમ્મદ આસીમ ઉર્ફે આસિફ તથા રમીઝ કાદરી પાસેથી રેમડેસિવિર લઇ આવે છે. આથી મોરબી પોલીસે જુહાપુરામાં દરોડો પાડીને સાળો બનેવી મોહમ્મદ આસીમ ઉર્ફે આસિફ અને રમીઝ કાદરીને ઝડપી લઇ તેમની પાસેથી 56.16 લાખની કિંમતના 1170 રેમડેસિવિર અને અગાઉ જે ઇન્જેક્શન વેચ્યા હતા તેના 17,37,700 રૂપિયા જપ્ત કરાયા હતા.

સુરતમાં પણ ફેક્ટરીમાં નકલી રેમડેસિવિર બનાવાતા
સુરત નજીક આવેલા પીંજરત ગામના ફાર્મહાઉસમાં ફેક્ટરી ધમધમતી હોવાની પોલીસને મળી માહિતી
મોરબી પોલીસની તપાસ જેમ જેમ આગળ ધપી રહી હતી તેમ તેમ અનેકવિધ માહિતી બહાર આવી રહી હતી. અમદાવાદના સાળા બનેવીએ કબૂલાત આપી હતી કે, મૂળ સુરેન્દ્રનગરના અને સુરતના અડાજણમાં રહેતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા અને તેના ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહે પીંજરત ગામમાં નકલી રેમડેસિવિર બનાવવાની ફેક્ટરી ચાલુ કરી છે અને ત્યાંથી જ ઇન્જેક્શન લઇ આવવામાં આવે છે. આથી મોરબી એલસીબીની ટીમ પીંજરતમાં આવેલા ફાર્મહાઉસમાં ત્રાટકી હતી અને કૌશલ વોરા, પુનિત શાહ અને ફેક્ટરીમાં કામ કરતા અન્ય પાંચ શખ્સની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ફાર્મહાઉસમાંથી 7.68 લાખની કિંમતના 160 નકલી રેમડેસિવિર અને 74.70 લાખ જપ્ત કર્યા હતા.

બે શખ્સ ભાગી છૂટ્યા, ચલણી નોટ ગણવા મશીન પણ વસાવી લીધું
સિરાજખાન ઉર્ફે રાજુ મુશીરખાન પઠાણ (રહે.સુરત) અમદાવાદના સાળા બનેવીને 2,000 નંગ નકલી રેમડેસિવિરની સપ્લાય કરવા માટે આવ્યો હતો. જોકે પોલીસની ટીમ પહોંચે તે પહેલાં જ સિરાજખાન ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત કલ્પેશ પ્રજાપતિ (રહે. ભરૂચ)ની પણ સપ્લાયર તરીકે સંડોવણી બહાર આવી છે. અમદાવાદમાં રહેતા સાળા બનેવી મોહમ્મદઆસીમ અને રમીઝે રૂપિયા ગણવા માટે મશીન પણ વસાવી લીધું હતું અને બે દિવસ પહેલાં જ રૂપિયા 50 લાખનું આંગડિયું પણ કર્યું હતું. આ બન્ને તગડો નફો લઇને નકલી રેમડેસિવિર વેચતા હતા. હાલના તબક્કે તમામ આરોપીઓએ 6,000થી વધુ નકલી રેમડેસિવિર વેચ્યા હોવાની કબૂલાત આપી છે.