અમદાવાદમાં અપહરણ:પેટ્રોલ પંપના માલિકનું અપહરણ કરી 8 શખસે 70 લાખની ખંડણી માગી, ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીને ઝડપી વેપારીને છોડાવ્યા

અમદાવાદ19 દિવસ પહેલા
  • હજુ બે ફરાર આરોપીને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે

મોટેરામાં રહેતા વેપારીની ગાડીને ટક્કર મારી અકસ્માત કર્યા બાદ વેપારી કારમાંથી નીચે ઊતરતાં જ તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. વેપારીનું કારમાં અપહરણ કરીને ગાંધીનગર હાઈવે પર લઈ ગયા હતા. ધમકી આપીને અપહરણ કરનારાઓએ વેપારીના ઘરે ફોન કરીને પત્ની પાસે 70 લાખથી વધુની ખંડણી માગી હતી. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીની ધરપકડ કરી લીધી અને અન્ય બે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી હથિયાર, કારતૂસ અને ગુનામાં વપરાયેલાં સાધનો કબજે કર્યા છે.

કેવી રીતે થયું વેપારીનું અપહરણ?
ચાંદખેડા પોલીસનાં સૂત્રોથી મળતી માહિતી અનુસાર, મોટેરામાં વિસ્તારમાં અતુલભાઇ પટેલ પરિવાર સાથે રહે છે અને પોતે પેટ્રોલ પંપ ધરાવે છે. બુધવારે સવારે અતુલ પટેલ પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે સઘીમાતાનાં મંદિરે દર્શન કરવા માટે ઘરેથી પોતાની કારમાં નીકળ્યા હતા. મંદિર નજીક પહોંચવા આવ્યા એ સમયે એક કાર તેમની પાછળથી પૂરપાટ ઝડપે આવી હતી. તેઓ કંઇ સમજે એ પહેલાં અતુલભાઈની કાર પાસે આવીને કાર એક દિશામાં દબાવી અકસ્માત કર્યો હતો. અકસ્માત થતાં અતુલભાઈએ તેમની કાર ઊભી રાખી નીચે ઊતર્યા હતા. આ સમયે અકસ્માત કરનાર કારમાં આવેલા ચાર શખસ પણ નીચે આવ્યા, કેમ અકસ્માત કર્યો એમ કહી અતુલભાઈનું કારમાં અપહરણ કરી લીધું હતું.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીની ધરપકડ કરી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીની ધરપકડ કરી.

ખંડણી માટે વેપારીની પત્નીને ધમકાવ્યાં હતાં
અતુલભાઈ કંઈ સમજે એ પહેલાં જ ચાર શખસે અતુલભાઈ સાથે જબરદસ્તી કરીને કારમાં બેસાડી ગાંધીનગર તરફ નીકળી ગયા હતા. અપહરણકર્તાએ અતુલભાઇને કારની અંદર માર માર્યો હતો. અપહરણ કર્યા બાદ તેમને ગાંધીનગર હાઈવે પર ફેરવી રહ્યા હતા. એક શખસે અતુલભાઈનો મોબાઈલ લઈને તેમની પત્નીને ફોન કર્યો હતો. તમારા પતિનું અપહરણ કરી લીધું છે, તમે 70 લાખ નહીં આપો તો તમારા પતિને અમે છોડીશુ નહીં એમ કહી ધમકી આપી હતી. આમ 70 લાખની ખંડણી માગતા અતુલભાઇની પત્ની ડરી ગયાં હતાં અને તેમણે તેમના સંબંધીઓ અને પરિવારના સભ્યોને જાણ કરી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી હથિયાર, કારતૂસ કબજે કર્યાં.
પોલીસે આરોપીઓ પાસેથી હથિયાર, કારતૂસ કબજે કર્યાં.

લોકેશન કઢાવી આરોપીને ઝડપી પાડ્યા
ઘટનાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમને કરવામાં આવી હતી. અપહરણ હોવાના કારણે પોલીસ એલર્ટ થઇ ગઇ હતી અને એક્શનમાં આવી ગઇ હતી. પોલીસે લોકેશન કઢાવી આરોપીઓને ટ્રેક કરી પકડી પાડ્યા હતા. અતુલભાઇને અપહરણકર્તાની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. જમીનની લેતી દેતીના પૈસા બાબેત ઝઘડો થયો હતો.

ઝડપાયેલા આરોપીઓ

1) મોહસિન ફકીર 2) તોફિક મેમણ 3) રાહુલ મોદી 4) અબ્રાર અન્સારી 5) કુલદીપ સિંહ ગોલ 6) મહેન્દ્રસિંહ ગોલ

ચાંદખેડાના વેપારીને ડરાવવા માટે ફાયરિંગ પણ કર્યું
મહેન્દ્રસિંહ, પુત્ર જયદિપસિંહ અને કુલદિપસિંહે સાથે મળીને અપહરણનો પ્લાન બનાવ્યો હતો. જેમાં જયદિપસિંહે રાહુલની મદદ લીધી અને રાહુલે તેના મિત્ર મોહસીન ફકીરને તૈયાર કર્યો. મોહસીનના કહેવાથી તેના મિત્ર મહંમદ તોફીક મેમણ, મહંમદ અબરાર અંસારી, મહંમદ રફીક સિંધી આ કામ માટે તૈયાર થયા હતા.

મોહસીને અતુલભાઈને ડરાવવા ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓ અતુલભાઈના ભાઈ પાસેથી ખંડણીની રકમ લઈ નરોડા દાસ્તાન સર્કલ ભેગા થવાના હતા. જો કે પોલીસે મોહસીન, અબરાર અને રાહુલને ઝડપી એક પિસ્તોલ, ચાર જીવતા કારતૂસ અને એક્ટિવા કબજે કર્યું હતું. જયદિપસિંહ ગોલ અને મહંમદ રફીક સિંધી વોન્ટેડ છે.

અન્ય સમાચારો પણ છે...