નિર્ણયનો વિરોધ:અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ ફેઝ-2 પર શિફ્ટ કરવાના નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેમ્પ હનુમાન મંદિર ખસેડવાના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી - Divya Bhaskar
કેમ્પ હનુમાન મંદિર ખસેડવાના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી
  • દોઢસોથી પણ વધુ વર્ષ જૂના મંદિરને શિફ્ટ કરવાથી પુજારીઓ અને ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાશે.
  • કેમ્પ હનુમાન મંદિર અને હનુમાનજીની મૂર્તિ નહીં ખસેડવા માટે વચગાળાના આદેશની પણ માંગણી.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ પર શિફ્ટ કરવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં અરજી થઈ છે. આ અરજીમાં રજૂઆત કરાઈ છે કે, દોઢસો વર્ષથી પણ જૂના મંદિરને શિફ્ટ કરવાથી પુજારીઓ અને હજારો ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાશે. અરજીમાં આગળ કહેવાયું છે, કેમ્પ હનુમાનની મૂર્તિ કોઈ માનવ હાથોથી બનેલી નથી અને સ્વયંભૂ છે. દેશના બંધારણની જોગવાઈ પ્રમાણે લોકોને પોતાની ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરવાનો અધિકાર છે.

મંદિર ખસેડવાનો નિર્ણય સ્થાનિકો સાથે ચર્ચા કરી નિર્ણય લેવા જોઈએ
હાઇકોર્ટમાં થયેલી અરજી મુજબ, કેન્ટેનમેન્ટ બોર્ડમાં જનરલ ઓફિસર કમાન્ડિંગ(GOC), કેન્ટેનમેન્ટ બોર્ડના સીઇઓ, રાજ્ય સરકાર અને શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા. મંદિર ખસેડવાનો નિર્ણય ટ્રસ્ટ સિવાય ત્યાંના લોકો સાથે પરામર્શ કરીને લેવો જોઈએ. કેમ્પ હનુમાન મંદિર અને હનુમાનજીની મૂર્તિ નહીં ખસેડવા માટેના વચગાળાના આદેશની પણ માંગણી કરવામાં આવી છે.

કેમ્પ હનુમાન મંદિરની તસવીર
કેમ્પ હનુમાન મંદિરની તસવીર

શા માટે મંદિર ખસેડવાનો નિર્ણય લેવાયો?
કેમ્પ હનુમાન મંદિર સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2માં ખસેડવા બાબતે ભાજપના આગેવાન સુરેન્દ્ર કાકાએ અગાઉ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટીમંડળ અને કેન્ટોન્મેન્ટ ઓથોરિટી સાથે મીટીંગ થઈ હતી જેમાં મંદિરમાં થતા પ્રશ્નોની ચર્ચા થઈ હતી. લોકોને પાર્કિગમાં વાહન મૂકી રોડ ક્રોસ કરીને આવવું પડે છે, અકસ્માતનો ભય રહે છે અને ફૂટ ઓવરબ્રિજ બનાવવાની વાત હતી તેમજ આર્મી કેન્ટોન્મેન્ટની જગ્યા છે જવાથી સિક્યોરિટીનો પણ પ્રશ્ન હતો. આ બધા પ્રશ્નોના કારણે એક સજેશન આપ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ની જગ્યામાં આર્મી કેન્ટોન્મેન્ટની કેટલીક જગ્યા છે જે મંદિરને ફાળવી દેવામાં આવે જેનાથી પ્રશ્નોનો ઉકેલ આવે. આ રજૂઆત બે ટ્રસ્ટી મંડળે સ્વીકારી અને ઠરાવ પસાર કર્યો હતો. આર્મી કેન્ટોન્મેન્ટ ઓથોરિટીએ પણ ઉપર મંજુરી માટે મોકલી આપશે. જે મંજૂરી આવ્યા બાદ 2 વર્ષમાં મંદિર ખસેડવાનો નિર્ણય લેવાઈ શકે છે.

કેમ્પ હનુમાન મંદિરે શનિવારે ભીડ ઊમટે છે
કેમ્પ હનુમાન મંદિર શહેરનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. દર શનિવારે ભક્તોની મોટી ભીડ લાગતી હોય છે, પરંતુ કોરોનાની પહેલી લહેરમાં સરકારના આદેશ બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ લાંબા સમય પછી મંદિર ખોલતા ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરમાં જતાં પહેલાં આર્મીના ગેટ પર ભક્તોએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરીને મંદિરમાં જવાનું રહેશે તેવો નિર્ણય લેવાયો હતો. મંદિરમાં દર્શન કરી ગેટથી બહાર નીકળ્યા બાદ ક ફોન સ્વીચ ઓન કરી શકાશે.