અમદાવાદના ક્રાઈમ ન્યુઝ:વિકૃત પતિએ સિગારેટ પીવાની ના પાડતા પત્નીને ડામ દીધા, જુહાપુરા હત્યા કેસમાં બે હત્યારા ઝડપાયા

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં વિકૃત પતિએ સિગારેટ પીવાની ના પાડનાર પત્નીને સિગારેટના ડામ દીધા હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. નારણપુરાની પરણિતાને પતિએ ડામ દીધા બાદ ઘરેથી કાઢી મૂકી હતી અને તેના પિયરમાં ડિવોર્સ માટેના પેપર પણ મોકલી આપ્યા હતા. તો બીજી તરફ જુહાપુરામાં જાહેરમાં એક યુવકની છરાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પેંદી ગેંગના શખ્સે વસીમુદ્દીન નામના યુવકની હત્યા કરી હતી. જે પ્રકરણમાં વેજલપુર પોલીસે બે હત્યારાઓને ઝડપી લીધા છે. જ્યારે બાકીના હત્યારાઓની શોધખોળ ચાલુ છે.

પત્નીને માર મારી સિગારેટના ડામ આપ્યા
અમદાવાદના નારણપુરામાં રહેતી 32 વર્ષીય મહિલાના લગ્ન 2020માં પાલડી ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ મહિલાને સારી રીતે રાખી હતી. બાદમાં ઘરકામ અને પૈસાની માંગણી કરીને હેરાન કરવા લાગ્યા હતા. એટલું જ નહીં સાસરીયાએ તારા સાથે લગ્ન કરીને સમાજમાં અમારી આબરૂ ગઈ છે તેમ કહીને મેણાટોણા મારતા હતા. પતિને સિગારેટ પીવાની ટેવ હોવાથી ઘરમાં પણ સિગારેટ પીતો હતો જેથી મહિલાએ સિગારેટ પીવાની ના પાડતા ઉશ્કેરાઈને પતિએ તેને માર મારી સિગારેટના ડામ આપ્યા હતા.

સાસરીયાઓ વિરૂદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
યુવતીને કોરોના થયો હોવા છતા પતિ કે સાસરીયાઓ કોઈ સારવાર કરાવતા ન હતા. પતિ અને સાસરીયાઓને ફરવા જવાનું હતું જેથી તેઓ મહિલાને ઘરે એકલી મુકીને ફરવા ગયા હતા. બીજી બાજુ મહિલા તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. જોકે, પતિ અને સાસરીયાઓ પરત આવી ગયા તેમ છતાં મહિલાને લેવા માટે ગયા ન હતા અને મહિલાએ સાસરીમાં જવાની વાત કરી તો સાસરીયાઓએ તેને આવવાની ના પાડી દીધી હતી અને પતિએ છૂટાછેડાના કાગળો મોકલી આપ્યા હતા. જેથી તંગ આવેલી મહિલાએ પતિ સહિત સાસરીયાઓ વિરૂદ્ધમાં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

જુહાપુરા હત્યા કેસમાં બે હત્યારાઓને ઝડપી પાડ્યા
જુહાપુરામાં ઘણા લાંબા સમયથી કરોડો રૂપિયાની જમીન અને એમડી ડ્રગ્સના સપ્લાયના મુદ્દે તકરાર ચાલી રહી છે જેને પગલે આ હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગામી દિવસોમાં પણ આ બાબતે મોટી તકરાર થાય તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. વેજલપુર પોલીસે ઈરફાન મોગલી અને સલીમ પઠાણની ધરપકડ કરી લીધી છે.

છરીના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો
જુહાપુરામાં રહેતા રીક્ષા ચાલક શાહબુદ્દીનના મોટાભાઈ વસીમુદ્દીન રાત્રિના સુમારે ઘરની બહાર નીકળ્યા હતા. ત્યારે જાહેરમા પેંદી ગેંગના સમીર પેંદી અને તેના ચાર માણસો સેફઅલી ઉર્ફે જબ્બા, ઇરફાન ઉર્ફે મોંગલી અને સલીમ ખાન પઠાણએ વસીમુદ્દીન ઉપર હુમલો કર્યો હતો અને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

બે હત્યારાઓ ફરાર
આ પ્રકરણમાં હત્યાની ફરીયાદ નોંધીને વેજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે બી રાજવી અને તેમની ટીમે બે હત્યારાઓ ઇરફાન ઉર્ફે મોગલી અને સલીમસઈદ પઠાણને ઝડપી લીધા છે. બાકીના બે હત્યારાઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક હાથે પગલા લેવામાં આવશે તેમ સ્થાનિક ઇન્સ્પેક્ટર જણાવી રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી
અમેરિકા અને અન્ય દેશના વિદેશી નાગરિકોના લીડ ડેટા જુદી જુદી રીતે મેળવીને કોલ મારફતે જુદી જુદી પ્રોસેસના બહાને વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી આચરતા યુવકને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે.

સાયબર ક્રાઈમે યુવકને ઝડપી પાડ્યો
અમદાવાદ સાયબર ક્રાઈમે બાતમીના આધારે તપાસ કરતા વસ્ત્રાલના ઉમાનગર સોસાયટીમાંથી 26 વર્ષનો મનન જાની મળી આવ્યો હતો. મનન પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ મળી આવ્યું હતું જેની તપાસ કરતા યુકે અને અન્ય દેશના નાગરિકોના ડેટા અને કોલિંગ કરવા માટેનું વીસીડાયલ વેબ બ્રાઉઝર એપ્લિકેશનના જુદા જુદા સર્વરના એડમીન આઇડીમાં લોગીન થયેલા હોવાનું જાણવા મળ્યુ હતું.

જુદી જુદી સ્કીમ હેઠળ પૈસા પડાવ્યા
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે વિદેશી નાગરિકોને જુદી જુદી પ્રોસેસના નામે ફોન કરીને તેમને પોતાની વાતોમાં ફસાવી જુદી જુદી સ્કીમ હેઠળ પૈસા પડાવતો હતો. છેતરપિંડી મામલે સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી લેપટોપ, 5 મોબાઈલ ફોન, 1 પેન ડ્રાઈવ, 1 હાર્ડ ડિસ્ક સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. કોની પાસેથી કેટલા પૈસા પડાવ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...