સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નવસારીના અલગ અલગ ગામોમાં 55 શૌચાલય બનાવવા માટે 2017માં સરપંચને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં નવસારીના ખાનપુર અને ચોરવાણી ગામમાં શૌચાલય બનાવવા બાબતે ખાનપુર ગામના સરપંચે કોન્ટ્રાક્ટર પાસે લાંચની માંગ કરી હતી. આ બાબતે કોન્ટ્રાક્ટરે ACBને જાણ કરી હતી. ACBએ ટ્રેપ ગોઠવીને લાંચ માંગનાર સરપંચને રંગે હાથ ઝડપી લીધાં હતાં. આ સરપંચે ACBને ચોરવાણી ગામના સરપંચનું નામ પણ જણાવતા ACBએ ચોરવાણી ગામના સરપંચનું નામ કેસમાં ઉમેરીને અટકાયત કરી હતી અને બંને સરપંચ વિરૂદ્ધ FIR પણ નોંધી હતી. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી.
બંને સરપંચને તેમના પદ પરથી સસ્પેન્ડ કરાયા હતાં
ફરિયાદ થયા બાદ ચોરવાણી ગામના સરપંચ ઈશ્વરભાઈ 12 દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યાં હતાં. બંને સરપંચને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ઈશ્વરભાઈએ અપીલ કરી હતી કે આ ટ્રેપમાં હું હાજર ન હતો છતાં મને કેમ આરોપી માનવામાં આવે છે. તેમની આ અપીલ પણ નકારી દેવામાં આવી હતી. તેથી આખરે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
માત્ર આક્ષેપના આધારે મારી વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ
હાઈકોર્ટમાં તેમણે રજુઆત કરી હતી કે માત્ર આક્ષેપના આધારે મારી વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ છે. આ કેસમાં મારો કોઈ જ રોલ નથી. આ બાબતે કોર્ટમાં સરપંચે પુરાવા પણ રજુ કર્યાં હતાં. કોર્ટે તમામ દલીલોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, પબ્લિક સર્વિસમાં આક્ષેપ થાય એ સ્વાભાવિક છે. પરંતુ તેના આધારે કોઈને તેના પદ પરથી હટાવી ના શકાય. તેઓ સરપંચ છે ઈલેક્ટેડ પર્સન છે. આ બાબતે વધારે તપાસ થવી જોઈએ. જેથી તેમને ફરી સરપંચ પદે નિયુક્ત કરો અને પુરાવા આધારે જરૂરી કાર્યવાહી કરવી પડે તો પણ કરો.
પોલીસ કસ્ટડીમાં હતા તેથી તેઓ ને સસ્પેન્ડ કરાયા હતાં
અરજદારના વકિલ નિશિત ગાંધીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચોરવાણી ગામના સરપંચનું નામ ખાનપુર ગામના સરપંચે ટ્રેપ દરમિયાન લખાવ્યું હતું. જોકે ACB ની ટ્રેપ દરમિયાન તેઓ હાજર ન હતા. માત્ર આક્ષેપ ના આધારે તેઓની વિરુદ્ધ FIR નોંધાઇ અને તેઓ 12 દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા હતાં. જોકે જામીન પર તેઓ બહાર આવ્યા હતાં. તેઓ પોલીસ કસ્ટડીમાં હતા તેથી તેઓ ને સસ્પેન્ડ કરાયા હતાં. સ્થાનિક તંત્ર આની વધું તપાસ કરે અને કોઈ પુરાવા મળે તો વધુ કાર્યવાહી પણ કરી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.