અમદાવાદમાં વ્યાજખોરના કારણે અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે. આ મામલે શહેર પોલીસ કમિશનરે વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જે સંદર્ભે શહેરના અલગ અલગ વિસ્તારમાં વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં સેટેલાઈટ, ઇસનપુર જેવા વિસ્તારમાં વ્યાજખોર સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે હજુ પણ આગળના દિવસોમાં કોઈપણ વ્યાજખોર સામાન્ય લોકોને પરેશાન કરતા હોય તેવા સંજોગોમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે.
વિવિધ વિસ્તારોમાં 3 ગુના નોંધવામાં આવ્યા
રાજ્યભરમાં વ્યાજખોરના આતંક સામે પોલીસ સક્રિય બનીને કામ કરી રહી છે. જેના ભાગરૂપ અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી વિવિધ વિસ્તારોમાં કુલ 3 ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સેટેલાઈટ વિસ્તારમાં 3 આરોપી, ઇસનપુરમાં 2 અને ઓઢવમાં 4 આરોપીઓ સામે વ્યાજખોરી સંદર્ભે ગુના નોંધવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા વ્યાસખોરીના દૂષણ સામે ડ્રાઇવ
પાંચ જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાસખોરીના દૂષણ સામે ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીસીપી કક્ષાએથી વ્યાજખોરોની સામે પીડીત લોકો પોતાની ફરિયાદ કરી શકે છે. અત્યાર સુધી અમદાવાદ શહેર પોલીસમાં કુલ 53 જેટલી અરજીઓ મળી છે જે સંદર્ભે કાર્યવાહી ચાલી રહી છે.
વ્યાજખોરોથી ત્રસ્ત લોકોની ફોન કોલ મારફતે રજુઆત
શહેર પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે, વ્યાજખોરીના આતંકથી જે લોકો પીડિત હોય તેવો ડર્યા વિના પોલીસનો સંપર્ક કરી શકે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ઓઢવ વિસ્તારમાં વ્યાજખોરોથી ત્રસ્ત બનેલા લોકોએ ફોન કોલ મારફતે પોલીસને રજુઆત કરી હતી, જે બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, અત્યાર સુધી અમદાવાદમાં નોંધાયેલા ત્રણ ગુના પૈકી એક પણ કેસમાં આરોપીની ધરપકડ નથી કરવામા આવી. પોલીસ ફરયાદ નોંધી તપાસની કાર્યવાહી કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.