અમદાવાદમાં ટ્રાફિકજામનાં દૃશ્યો:એસજી હાઇવે પર કલાકો સુધી લોકો ફસાયા ટ્રાફિકજામમાં, ચારેતરફ જોવા મળી વાહનોની લાંબી લાઇનો

અમદાવાદ2 મહિનો પહેલા

કોરોના મહામારીના બે વર્ષ બાદ ગુજરાત સરકાર દ્વારા રાત્રિના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી ગરબા આયોજનની મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ અને ક્લબો સહિત ઠેર ઠેર જગ્યાઓ પર ગરબા આયોજકો દ્વારા મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે, પાર્ટી પ્લોટ અને ક્લબોની આસપાસ ગરબા શરૂ થવાના બે કલાક પહેલા અને ગરબા પૂરા થયાના બે કલાક બાદ પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. રસ્તા પર કતારબંધ વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે.

એસજી હાઈવે પર વાહનોની લાંબી લાઈનો
અમદાવાદમાં વિવિધ સ્થળો પર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવામાં હંમેશા વાહનોની અવરજવરથી ધમધમતા એસજી હાઈવે પર રાત્રિના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી વિવિધ પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ગરબા યોજવામાં આવે છે. એસજી હાઈવે પર મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા આવે છે. જેને લઇને એસજી હાઈવે પર રાત્રિના સમયે કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે. તો બીજી તરફ ખાણીપીણી માર્કેટ પણ આવેલા હોવાથી લોકો રાત્રિ ગરબા પૂરા કર્યા બાદ ખાણીપીણી બજારમાં ટોળે વળે છે જેના કારણે ગમેતેમ વાહનો પાર્કિંગ થતાં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા લોકો
ઉલ્લેખનીય છે કે, ગરબા આયોજન દરમિયાન રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પોલીસે નિયમો કડક બનાવ્યા છે. ગરબાના આયોજકો સૂચના આપવામાં આવી હતી કે, ગરબાના સ્થળ બહાર ટ્રાફિક જામ થશે તો મંજૂરી રદ્દ કરી દેવામાં આવશે. પરંતુ તેમ છતાં ગરબા સ્થળ બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે અને રાત્રિના 9 થી 12 દરમિયાન લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહે છે.

શહેર પોલીસ દ્વારા આયોજકો સાથે મીટિંગ
અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ આયોજકો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને તમામ લોકોને સૂચના પણ આપવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, જો કોઈ રાસ-ગરબાના સ્થળની બહાર રોડ ઉપર ટ્રાફિક જામ થશે તો પોલીસ તે રાસ- ગરબાની મંજૂરી રદ કરશે. પાર્કિંગની જગ્યા ગરબા સ્થળથી ઓછામાં ઓછી 100 મીટર દૂર હોવી જોઈએ. સાથે વાહન પાર્ક કરવા માટે સ્વયંસેવકો રાખવા પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આયોજકોએ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર અને પાર્કિંગ એરિયામાં હાઈ રિઝોલ્યુશનવાળા સીસીટીવી કેમેરા લગાવવા પડશે. સાથે ગરબાના સ્થળે લેડિઝ- જેન્ટસ સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવા ફરજિયાત છે. કોઇ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રીતે વાહન પાર્ક કર્યું હશે તો સતત ફરતી ક્રેન વાહન ટો કરી જશે.

અન્ય સમાચારો પણ છે...