બેફામ ભાડા વસૂલી:દિવાળી ઉજવવા લોકોએ વતન તરફ પ્રયાણ શરૂ કર્યું,અમદાવાદથી સૌરાષ્ટ્રની ખાનગી બસોના ભાડામાં ચાર ગણો વધારો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વતનમા દિવાળીની ઉજવણી કરવા લોકોએ પ્રયાણ શરૂ કર્યું ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
વતનમા દિવાળીની ઉજવણી કરવા લોકોએ પ્રયાણ શરૂ કર્યું ( ફાઈલ ફોટો)
  • અન્ય રાજ્યોમાં વસતા લોકો બમણાં ભાડાં ચૂકવીને મુસાફરી કરી રહ્યાં છે
  • છેલ્લા 6 દિવસથી રોજની 1 કરોડથી વધુની કિંમતની ટિકિટો બુક થઇ રહી છે
  • અમદાવાદથી રૂટીન બસો ઉપરાંત વધારાની 20 બસો દોડાવાઈ

કોરોનાના કેસમાં ઘટાડો થતાં બે વર્ષ બાદ દિવાળીના તહેવારોની રોનક જાણે પરત ફરી છે. લોકો દિવાળીની ઉજવણી કરવા પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદથી જુનાગઢ, ભાવનગર, જામનગર, સોમનાથ જવાના ભાડામાં જબરદસ્ત વધારો થયો છે. દિવાળી અગાઉ અમદાવાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર જવાના બસના ભાડામાં ચાર ગણો વધારો નોંધાયો છે. અમદાવાદ-રાજકોટની ખાનગી બસનું ભાડું સામાન્ય દિવસોમાં રૃપિયા 500ની આસપાસ હોય છે અને તે હવે વધીને રૂપિયા 1 હજાર થઇ ગયું છે. આવી જ સ્થિતિ ભાવનગરની છે જ્યાંનું બસ ભાડું રૂપિયા 1500ની નજીક છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ-ભાવનગરનું ભાડું રૂપિયા 500ની આસપાસ હોય છે.

ઉંચા એરફેરના કારણો લોકો ખાનગી બસોમાં ફરે છે
આ વખતે ટ્રેન ઓછી હોવાથી અન્ય રાજ્યોમાં જવા માટેની ખાનગી બસ માટે પણ ભારે ધસારો છે. અમદાવાદથી મુંબઇનું બસ ભાડું રૃપિયા 2200, નાસિકનું બસ ભાડું રૂપિયા 2400, ઉજ્જૈનનું બસ ભાડું રૂપિયા 1900 જ્યારે ઉદેપુરનું બસ ભાડું રૂપિયા 2 હજારને પાર થઇ ગયું છે. આ અંગે એક પ્રાઇવેટ બસ ઓપરેટરે જણાવ્યું કે, 'ગત વર્ષે દિવાળીમાં બૂકિંગનું પ્રમાણ સાધારણ હતું અને જે લોકો વતન જવા માગતા હતા તેઓ જ વધારે હતા. જેની સરખામણીએ આ વખતે ફરવા જનારાનું પ્રમાણ પણ વધારે છે. એરફેર ખૂબ જ ઊંચે છે અને ટ્રેનના વિકલ્પ ખૂબ જ ઓછા છે. આ સ્થિતિમાં અનેક લોકો ખાનગી બસ તરફ પસંદગી ઉતારી રહ્યા છે.

ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી લોકોએ ખાનગી બસોમાં જવાનું પસંદ કર્યું ( ફાઈલ ફોટો)
ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી લોકોએ ખાનગી બસોમાં જવાનું પસંદ કર્યું ( ફાઈલ ફોટો)

લોકોએ બમણા રૂપિયા આપીને ટીકિટો ખરીદી
છેલ્લા કેટલાક સમયથી ડીઝલમાં સતત વધારો થઇ રહ્યો છે એટલે પણ બસના ભાડામાં પણ નાછૂટકે વધારો કરવો પડયો છે. હજુ દિવાળી નજીક આવશે તેમ ખાનગી બસના ભાડામાં હજુ વધારો થાય તેમ મનાઇ રહ્યું છે. મુંબઇ, નાસિકનું ભાડું રૃપિયા ૩ હજાર સુધી પહોંચે તેની પણ સંભાવના છે. જૂનાગઢ ખાતે વતન જનારા એક મુસાફરે જણાવ્યું કે, સામાન્ય રીતે હું મારા વતન જવા માટે રૃપિયા 500ની ટિકિટ ખરીદતો હોઉં છું. જેના સ્થાને આ વખતે મારે બમણા રૂપિયા આપીને ટિકિટ ખરીદવી પડી છે.

અમદાવાદથી રૂટીન બસો ઉપરાંત વધારાની 20 બસો દોડાવાઈ
રવિવારે 22 થી વધુ એકસ્ટ્રા સંચાલનની એસ.ટી.બસો દાહોદ-ગોધરા-ઝાલોદ અને સૌરાષ્ટ્ર માટે ઉપડી હતી. નિગમ દ્વારા મુસાફરોની ભીડને જોતા 50 એકસ્ટ્રા બસો તૈયાર રખાઇ હતી. ગીતા મંદિર, રાણીપ, બાપુનગર સહિતના વિવિધ એસ.ટી.સ્ટેન્ડો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ગુરૂવારે દિવાળી હોવાથી રવિવારની રજાનો લાભ લઇને મોટાભાગના પરિવારો વતન તરફ જવા ઉપડી ગયા હતા. શહેરના એન્ટ્રી ગેટ પર પણ મોટી સંખ્યામાં લોકો બસોની રાહ જોતા જોવા મળ્યા હતા. લકઝરી સહિતના ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં ભરાયા હતા. શનિવારે પણ અમદાવાદથી રૂટીન બસો ઉપરાંત વધારાની 20 બસો દોડાવવામાં આવી હતી.

અમદાવાદ ગીતા મંદિર એસટી બસ સ્ટેશનેથી વધારાની બસો દોડાવાઈ ( ફાઈલ ફોટો)
અમદાવાદ ગીતા મંદિર એસટી બસ સ્ટેશનેથી વધારાની બસો દોડાવાઈ ( ફાઈલ ફોટો)

એક જ દિવસમાં રાજ્યભરમાં 56 હજાર 622 ટિકિટ બુક થઇ
૩૦ ઓક્ટોબરના રોજ એક જ દિવસમાં રાજ્યભરમાં 56 હજાર 622 ટિકિટ બુક થઇ હતી. કુલ 1.15 કરોડ રૂપિયાની આવક નિગમને એક જ દિવસમાં થવા પામી હતી. તેમાંથી 17 હજાર 933 કાઉન્ટર બુકિંગ ઓફિસેથી બુક કરાવાઇ હતી. મોબાઇલ થકી 14 હજાર 286 ટિકિટ અને ઓનલાઇન 7 હજાર ટિકિટ બુક થવા પામી હતી. તેની સામે ગયા વર્ષે આ દિવસે ફક્ત 30 હજાર 953 ટિકિટ બુક થઇ હતી અને 66.42 લાખની આવક નોંધાઇ હતી. આ વર્ષે તેમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે.

રોજની 1 કરોડથી વધુની કિંમતની ટિકિટો બુક થઇ રહી છે
ઓપીઆરએસ બુકિંગ થકી છેલ્લા 6 દિવસથી રોજની 1 કરોડથી વધુની કિંમતની ટિકિટો બુક થઇ રહી છે. અમદાવાદથી રવિવારે સૌરાષ્ટ્રના સાવરકુંડલા, ધારી અને અમરેલી માટે પણ 7 બસો એકસ્ટ્રા સંચાલન થકી ઉપાડવામાં આવી હતી. ગીતા મંદિર બસ મથકે મુસાફરોની અતિભારે ભીડ જોવા મળી હતી. લોકો બસ માટે અને સીટ મેળવવા માટે આમતેમ ફાંફા મારતા, પરિવારના સભ્યો માલસામાન સાથે દોડધામ કરતા, ઇન્કવાયરી બારીમાં પુછપરછ કરતા જોવા મળ્યા હતા. ગુરૂવારે દિવાળી છે મંગળવારે અને બુધવારે એસ.ટી.બસ મથકો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળશે. આ માટે નિગમ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી રખાઇ છે.

અમદાવાદથી સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં જવાનું ખાનગી બસોનું ભાડું

શહેરએસીનોન એસી
રાજકોટ1000560
ભાવનગર15001300
જુનાગઢ17001500
જામનગર14001200
દ્વારકા14001250
સોમનાથ15001200
ભૂજ960750
મુંબઇ22301850
ઉદેપુર20001750
ઉજ્જૈન19001700