આ અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન નથી. આ છે અનેક અવૉર્ડ મેળવનારું અમદાવાદનું એરપોર્ટ. અહીં ફ્લાઈટ ડિલે કે કેન્સલ થતાં આ સ્થિતિ સર્જાઈ છે. ફ્લાઈટની રાહ જોતા લોકો કંટાળીને જ્યાં જગ્યા મળી ત્યાં આડા પડી ગયા છે. બાંકડા પર બેસવાની જગ્યા ન મળી તો નીચે બેસી ગયા અને ત્યાં પણ ન મળી તો સીડીઓ પર આરામ કરવા મજબૂર બન્યા છે. આવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહેલા કેટલાક મુસાફરોએ દિવ્ય ભાસ્કરને વીડિયો અને તસવીરો મોકલી હતી. એરપોર્ટ પરનાં દૃશ્યો જોઈને ત્યાં મુસાફરો કેવી હાલાકી ભોગવતા હશે એનો ચિતાર મળે છે.
મીટિંગમાં જવા નીકળેલો મુસાફર અટવાયો
પ્રિતેશ પઢિયાર નામના મુસાફરે જણાવ્યું હતું કે મારે સવારે 10 વાગ્યાની ફ્લાઇટ હતી. હું સવારે 8 વાગે આવી ગયો હતો, પરંતુ ફ્લાઇટ 12 વાગ્યા સુધી આવી જ નહોતી. અગાઉ 3 વખત ફલાઇટ ડિલે થઈ હતી. રાતે 2 વાગ્યાથી ફ્લાઇટ ઊડી જ નહોતી. મારે મીટિંગ છે, પરંતુ ફ્લાઇટ ડિલે હોવાને કારણે હવે મીટિંગમાં પણ સમયસર નહીં પહોંચી શકાય.
વાતાવરણને કારણે ફ્લાઈટને અસર
અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે આજે સવારથી અમદાવાદનું વાતાવરણ ધુમ્મસવાળું બન્યું હતું. અનેક વિસ્તારમાં દૂરની વિઝિબિલિટી જ નહોતી, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પણ વિઝિબિલિટી ના હોવાને કારણે અનેક ફલાઇટ ડિલે અને કેન્સલ થઈ હતી. ફ્લાઇટ મોડી હોવાને કારણે ગત રાતથી જ એરપોર્ટ પર મુસાફરોનો જમાવડો જોવા મળ્યો હતો. અનેક અવૉર્ડ મેળવનારા તથા અનેક ખ્યાતિ મેળવનારા અદાણી સંચાલિત અમદાવાદ એરપોર્ટની હાલત એસટી સ્ટેશન કે રેલવે સ્ટેશન જેવી જોવા મળી હતી.
અનેક ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ
મોડી રાતથી અમદાવાદ ધુમ્મસવાળું વાતાવરણ થતાં વિઝિબિલિટી ના હોવાને કારણે અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી, તો અનેક ફલાઇટનો સમય મોડો કરવામાં આવ્યો હતો. ગત રાતથી વિઝિબિલિટી ના હોવાને કારણે ફ્લાઇટ લેન્ડ પણ ના થઈ શકી કે ફ્લાઇટ ટેક ઓફ પણ ના થઇ શકી. એને કારણે એરપોર્ટ પર મોડી રાતથી જ મુસાફરોનો જમાવડો શરૂ થયો હતો. મુસાફરો સતત આવતા-જતા હતા, પરંતુ ફલાઇટ ઊપડતી જ નહોતી, જેના કારણે એરપોર્ટની અંદર એસટી બસ સ્ટેશન જેવો માહોલ બની ગયો હતો.
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર ભીડ
2 વાગ્યાથી જ ફલાઇટ ઊડી નહોતી, જેના કારણે ડોમેસ્ટિક એરપોર્ટમાં લોકોની ખૂબ જ ભીડ ભેગી થઈ ગઈ હતી. મુસાફરોને અગાઉથી ફ્લાઇટ ડિલે હોવાની જાણ ન થતાં મુસાફરો એરપોર્ટમાં ભેગા થયા હતા. એને કારણે એરપોર્ટ આખું ભરાઈ ગયું હતું. લોકો માટે બેસવાની જગ્યા નહોતી, જેથી મુસાફરો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ગયા હતા.એરપોર્ટમાં ટર્મિનલમાં પ્રવેશ થતાં જ લોકો જમીન પર, સીડીમાં, કેન્ટીનમાં એમ જ્યાં જગ્યા મળે ત્યાં અલગ અલગ જગ્યાએ બેસી ગયા હતા.
એરપોર્ટ પહોંચ્યા પછી ફ્લાઈટ ડિલે થયાની જાણ થઈ
રાતના 2 વાગ્યાથી ફ્લાઇટ હોવાને કારણે મુસાફરો 12 વાગ્યાથી પહોંચી ગયા હતા. એરપોર્ટ પહોંચ્યા બાદ ફ્લાઇટ ડિલે હોવાની જાણ થતાં મુસાફરો એરપોર્ટ પર જ રહી ગયા હતા. સવારે 9 વાગ્યા બાદ વિઝિબિલિટી આવતાં એક-એક ફલાઇટ શરૂ થઈ હતી, પરંતુ રાતથી આવેલા મુસાફરો એરપોર્ટમાં જ સૂઈ ગયા હતા. લોકોને જગ્યા ના મળતાં તેઓ જમીન પર ચાદર પાથરીને સૂઈ ગયા હતા. સીડીમાં જગ્યા મળતાં લોકો સીડીમાં પણ બેસી ગયા હતા. એરપોર્ટની સ્થિતિ રેલવે સ્ટેશન કે એસટી બસ સ્ટેશન જેવી થઈ ગઈ હતી.
બોર્ડિગ માટે જવાબ ન અપાતો હોવાની મુસાફરોની ફરિયાદ
રાતથી જ ફલાઇટ ડિલે હોવાથી મુસાફરો તો પહોંચ્યા હતા, પરંતુ બહારથી જ મુસાફરોને રોકવામાં આવ્યા હતા. મુસાફરોને ફ્લાઈટનો સમય ડિલે હોય તો મોડા જ અંદર જવા જણાવ્યું હતું, પરંતુ કોઈ વિકલ્પ ના હોવાથી મુસાફરો અંદર જતા જ હતા. ફ્લાઇટ ડિલે હોવાથી બોર્ડિંગ માટે મુસાફરો જતાં ત્યારે કોઈ જવાબ પણ મળતો નહોતો.
રવિવારે શિયાળાની સૌથી વધુ ફ્લાઈટ મોડી પડી!
ધુમ્મસને કારણે રવિવારે આ શિયાળાની સૌથી વધુ 50 ફ્લાઇટ મોડી પડી હતી. સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જ્યારે બપોરે એર ટ્રાફિકને કારણે ફ્લાઇટોનાં શેડ્યૂલ ખોરવાયાં હતાં. આ શિયાળામાં એક જ દિવસમાં મોડી પડેલી ફ્લાઇટોનો રેકોર્ડ તૂટ્યો છે. મોટા ભાગની ફ્લાઇટો 45 મિનિટથી માંડી 2 કલાક સુધી મોડી પડી હતી.
50 ફ્લાઈટ પૈકીની કેટલીક ઈન્ટરનેશનલ ફ્લાઈટ
બપોરે એક પછી એક ફ્લાઇટના લેન્ડિંગથી રન-વે પર વ્યવસ્થા ખોરવાઈ જતાં અમદાવાદથી ટેકઓફ થતી ફ્લાઇટોએ રાહ જોવી પડી હતી. કેટલીક ફ્લાઇટમાં પેસેન્જર બેસી ગયા પછી પણ પુશબેકમાં વિલંબ થયો હતો. મોડી પડેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટોમાં એર અરેબિયા, એતિહાદ, એમિરેટ્સ અને સ્પાઇસ જેટની ફ્લાઇટનો સમાવેશ થાય છે. અમિરેટ્સની દુબઈની ફ્લાઇટ એક કલાક જ્યારે સ્પાઇસ જેટની ફ્લાઇટ અઢી કલાક મોડી પડી હતી. એર અરેબિયાની શારજાહાં અને એતિહાદની અબુધાબી ફ્લાઇટ એક-એક કલાક મોડી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.