ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે અને આજે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતાઓની હાજરીમાં શપથવિધિ યોજાઇ છે. ત્યારે અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રહી ચૂકેલા જગદીશ વિશ્વકર્માને ફરીથી મંત્રી પદ આપવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાના મંત્રી તરીકે તેઓ આજે શપથ લીધા છે. જેને લઇ દિવ્ય ભાસ્કરે નિકોલ વિધાનસભાના લોકો સાથે વાતચીત કરી હતી અને ફરીથી તેઓને મંત્રી બનાવ્યા છે ત્યારે તેઓની પાસેથી હવે કામગીરી અંગેની કેવી અપેક્ષા છે.
'જગદીશ વિશ્વકર્મા પાસેથી અમારી અપેક્ષાઓ વધી'
વિરાટનગર વિસ્તારમાં રહેતા વિનુ સેંતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જગદીશ વિશ્વકર્માને ફરીથી મંત્રી બનાવ્યા છે. ત્યારે તેઓની પાસેથી અમારી અપેક્ષાઓ વધી ગઈ છે. વિરાટનગર વિસ્તારમાં રોડ, ગટર લાઈન રખડતા ઢોરની મોટી સમસ્યા છે. જે ઝડપથી દૂર કરવામાં આવી જોઈએ. આ ઉપરાંત રોડ પર ટ્રાફિકની મોટી સમસ્યા રહે છે. રખડતા ઢોર અને જે રસ્તા સારા હોવા જોઈએ. સારા રસ્તા નથી બનાવ્યા જેથી યોગ્ય લેવલ કરી અને રસ્તા બનાવવામાં આવે તેવી અપેક્ષા છે.
'કેનાલ પર રોડ અને બગીચોનું કામ ચાલું છે'
ગીરીશ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે જગદીશ વિશ્વકર્માનું કામ સારું છે અને હવે લોકો ઈચ્છી રહ્યા છે કે, ફરીથી વિશ્વકર્મા જ ચૂંટાઈને આવ્યા છે. અમારા વોર્ડ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ રજુઆત લઈને જાય છે તો તેઓ કામ કરી આપે છે. તેઓનું કામ ખૂબ જ સારું છે. કેનાલને બંધ કરી તેના ઉપર રોડ અને બગીચો બનાવવાના છે તેનું કામ ચાલી રહ્યું છે. વિરાટનગરથી લઈ અને ઓઢવનો વિસ્તાર તેમનામાં આવે છે અને હજી અમને અપેક્ષા છે કે તેઓ વધારે સારું કામ કરે.
'લાલ લાઇટ વાળા સાહેબ કામ ના કરે તો શરમજનક છે'
વાલજી નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, નિકોલ વિધાનસભાના ધારાસભ્ય તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટાઈને આવ્યા છે અને તેઓને ફરીથી મંત્રી પદ આપવામાં આવ્યું છે તે બદલ તેઓને અમે અભિનંદન આપીએ છીએ. પરંતુ હજી પણ નિકોલ વિધાનસભા અંતર્ગત આવતા ઓઢવ અને વિરાટ નગર વિસ્તારમાં ઘણા પ્રશ્નો છે. રોડ રસ્તા અને પ્રદૂષણ જેવા પ્રશ્નો છે તેઓ છેલ્લા ત્રણ ટર્મથી અહીંયા ધારાસભ્ય છે. પરંતુ હજી ઘણા કામો બાકી રહી ગયા છે અને ખાસ કરીને ખારીકટ કેનાલનું જે કામ શરૂ કરવામાં આવ્યું છે તે ઝડપથી પૂર્ણ થવું જોઈએ. આ ઉપરાંત ઓઢવ વિસ્તાર એ ગરીબ વિસ્તાર છે તો ત્યાં એક કોમ્યુનિટી હોલ બનાવવો જરૂરી છે. મારા વિસ્તારમાંથી લાલ લાઇટ વાળા સાહેબ આવતા હોય તો તેઓ કામ ના કરે તો શરમજનક છે. જેથી તેઓ તમામ કામ ઝડપથી પૂર્ણ કરે તેવી અપેક્ષા છે.
'રોડ રસ્તા અને ગટરના સૌથી મોટા પ્રશ્નો'
રશ્મિકાંત પરમાર નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, ત્રણ ટર્મથી જગદીશ વિશ્વકર્મા ધારાસભ્ય છે. પરંતુ ઓઢવ વિસ્તારમાં પાકા મકાનો, રોડ, રસ્તા, ગટર વગેરેના પ્રશ્નો છે. વાંચનાલાય કે કોમ્યુનિટી હોલ પણ નથી. સ્થાનિક તરીકે વાત કરીએ તો રોડ રસ્તા અને ગટરના સૌથી મોટા પ્રશ્નો છે જે દૂર થવા જોઈએ. નિકોલ વિધાનસભા વિસ્તારમાં અનુસૂચિત જાતિના લોકોનો જે રીતે વિકાસ થવો જોઈએ તે વિકાસ થયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.