અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યાને લઇ આજે સવારે 50થી વધુ લોકોએ વેજલપુર વોર્ડની સબ ઝોનલ ઓફિસ ખાતે ભેગા થઈ હોબાળો કર્યો હતી. છેલ્લા ત્રણ મહિનાથી વેજલપુર ગામમાં આવેલી સોસાયટીઓમાં ઓછા પ્રેશરથી અને કેટલાંક ઘરોમાં તો પાણી જ નથી આવતું, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરી હતી છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ હજી સુધી ન આવતાં આજે સવારે વેજલપુર ગામના અને આસપાસની સોસાયટીના લોકોએ ભેગા થઈને સબ ઝોનલ ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ઝડપથી સમસ્યાનું નિરાકરણ લાવવા માગ કરી હતી.
સવારે 10 વાગ્યે એકસાથે પાણી આવતાં સમસ્યા સર્જાઈ
વેજલપુર વિસ્તારના સ્થાનિક રહેવાસી પરીક્ષિતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વેજલપુર ગામ અને નજીકમાં આવેલી મધુરલક્ષ્મી સોસાયટી, સાંઈનાથ સોસાયટી સહિતની સોસાયટીઓમાં છેલ્લા ત્રણ મહિનાથી ઓછા પ્રેશરથી પાણી આવે છે. આ ઉપરાંત કેટલાંક ઘરોમાં તો પાણી આવતું જ નથી. પહેલા સવારે એક કલાક અલગ અલગ સમયે પાણી આવતું હતું, પરંતુ હવે સવારે 10 વાગ્યે એક જ ટાઈમમાં બધી જગ્યાએ પાણી આવતાં આ સમસ્યા ઊભી થઈ છે. કોર્પોરેશન પાસે અધિકારીઓને રજૂઆત કરતાં તેઓ જણાવે છે કે તમારી સોસાયટીની પાણીની પાઈપલાઈનોમાં ખરાબી હશે, જેને કારણે આ સમસ્યા સર્જાતી હશે. તેઓ હજી સુધી આનું નિરાકરણ લાવી શક્યા નથી, જેથી આજે મોટી સંખ્યામાં લોકોએ સબ ઝોનલ ઓફિસ ખાતે ભેગા થઈને રજૂઆત કરી હતી.
વેજલપુરની ટાંકીનું પાણી મળતું, પરંતુ હવે મકરબાથી સપ્લાય થાય છે
વેજલપુર વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોએ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને પણ રજૂઆત કરી હતી કે અમારા વેજલપુર ગામમાં આવેલી સોસાયટીઓમાં પાણી ઓછા પ્રેશરથી આવે છે. નિયમિત રીતે પાણી ના આવતું હોવાથી સમસ્યા સર્જાય છે. પહેલાં વેજલપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાંથી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો, પરંતુ હવે મકરબા ગામની પાણીની ટાંકીમાંથી પાણીનું સપ્લાય કરવામાં આવતું હોવાથી આ સમસ્યા ઊભી થઈ છે છતાં પણ અધિકારીઓએ આ બાબતે ધ્યાન નથી આપ્યું, જેથી ફરીથી વેજલપુર વિસ્તારની પાણીની ટાંકીમાંથી પુરવઠો સપ્લાય કરવામાં આવે તો પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.