ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજ્યભરમાં આજે રવિવારે પણ વેક્સિનેશન ચાલુ, અમદાવાદમાં લાઇન અને ભીડ વિના લોકોએ વેક્સિન લીધી

અમદાવાદ3 મહિનો પહેલા
રાજ્યમાં આજે રવિવારે પણ વેક્સિનેશન ચાલુ હતું
  • સેન્ટર પર વેક્સિનના ડોઝ વધારવામાં આવ્યા
  • અગાઉ ધક્કા ખાનારા લોકોને આજે તરત જ વેક્સિન મળી

કોરોનાની બીજી લહેર બાદ વેક્સિનેશન પુર ઝડપે થઈ રહ્યું છે. ત્યારે અગાઉ રવિવાર અને બુધવારે વેક્સિનેશન બંધ રાખવામાં આવતું હતું. જે આજે રવિવાર હોવા છતાં ચાલુ રાખવામાં આવ્યું છે. સરકાર દ્વારા વેપારીઓ માટે વેક્સિન લેવા માટેની અંતિમ તારીખ 31 જુલાઈ રાખવામાં આવી છે. જેથી આજે રવિવારે પણ વેક્સિનેશન ચાલુ રહ્યું હતું. પરંતુ રવિવાર હોવા છતાં આજે ભીડ અને લાઈન ઓછી જોવા મળી હતી અને લોકોએ ઝડપથી જ વેક્સિન લીધી હતી.

લાઈન વિના સરળતાથી લોકોને વેક્સિન મળી
શહેરના મોટા ભાગના વેક્સિનેશન સેન્ટર પર ખૂબ જ ઓછી ભીડ જોવા મળી. સુભાસબ્રીજ પાસે આવેલ જૂના વાડજ અર્બન હેલ્થ સેન્ટર અને ગોતા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સવારથી જ વેક્સિન લેવા પહોંચ્યા હતાં. રવિવારે વેક્સિન આપવાની છે તેની જાણ ખૂબ ઓછા લોકોને હતી. જેથી કેટલાક લોકો વેક્સિનેશન સેન્ટર પરથી પસાર થાય હતા. ત્યારે વેક્સિન મળતા લોકો વેક્સિન લેવા પહોંચ્યા હતા, જેથી ભીડ અને લાઈન વિના જ વેક્સિન લીધી હતી.

વેક્સિન સેન્ટર પર ઝડપથી લોકોને વેક્સિન મળી
વેક્સિન સેન્ટર પર ઝડપથી લોકોને વેક્સિન મળી

મોટા સેન્ટરો પર 600 જેટલા વેક્સિનના ડોઝ આવ્યા
રવિવારે વેક્સિન મળવાની જાણ વેપારીઓને હોવાથી વેપારીઓ પણ વેક્સિન લેવા પહોંચ્યા હતા. અગાઉ દિવસ બગાડીને વેક્સિન લેવા પહોંચ્યા હતા, ત્યારે વેક્સિન ના મળી શકી હોય તેવા વેપારીઓને પણ આજે વેક્સિન મળી હતી. વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન ડોઝ પણ વધારવામાં આવ્યા હતા. મોટા સેન્ટર પર 400- 450 વેક્સિન આવતી હતી ત્યાં આજે 600 જેટલા વેક્સિનના ડોઝ આવ્યા હતા. જ્યારે નાના સેન્ટર પર પણ 250-350 ડોઝ આવ્યા હતા. ઓનલાઇન રજીસ્ટ્રેશન સાથે આવનાર અને સીધા આવનાર તમામ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

સિનિયર સિટીઝને પણ લાઈનમાં ઊભા રહ્યા વિના વેક્સિન લીધી
રોનક મિસ્ત્રી નામના યુવકે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વેક્સિન મળશે તેની અમને જાણ નહોતી પરંતુ અહીંથી પસાર થતા વેક્સિન મળતી હોવાથી વેક્સિન લેવા પહોંચ્યા હતા. આજે લાઈનમાં ઊભા રહ્યા વિના વેક્સિન લીધી છે. આજે વેક્સિન આપવામાં આવતી હોવાથી સિનિયર સિટીઝન પણ લાઈનમાં ઊભા રહ્યા વિના સીધા વેક્સિન લઈ શક્યા છે.

વેપારીઓને 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવી ફરજિયાત
વેપારીઓને 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવી ફરજિયાત

'અગાઉ ધક્કા ખાવા છતાં વેક્સિન નહોતી મળી'
દિલીપભાઈએ જણાવ્યું હતું કે, આજે વેક્સિન મળવાની જાણ નહોતી, મંદિર આવ્યો એટલે જોયું માટે વેક્સિન લેવા પહોંચ્યો છું. અગાઉ વેક્સિન લેવા માટે 2-3 ધક્કા ખાધા પર હતા પરંતુ ભીડ હોવાથી અને મર્યાદિત ડોઝ હોવાથી પરત જતાં રહેતા હતા. પરંતુ આજે ભીડ વિના વેક્સિન મળી છે. આજે વેક્સિન લેવા આવ્યો ત્યાર ભીડ અને લાઈન પણ ખૂબ ઓછી છે.

વેપારીઓને 31 જુલાઈની સમય મર્યાદા પહેલા વેક્સિન મળી
વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, હું ટ્રાન્સપોર્ટ નો ધંધો કરું છું. અગાઉ વેક્સિન લેવા આવતો હતો ત્યારે ખૂબ જ ભીડ જોવા મળતી હતી. ટોકન પણ મળતા નહોતા અને આજે રવિવારે વેક્સિન માટેનું આયોજન હોવાથી લાઈન વિના વેક્સિન લીધી છે. સરકારની સમય મર્યાદા પહેલા વેક્સિન મળી હોવાથી સારું છે.