આજથી આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ 2023નો સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રારંભ થયો છે. કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ કાઈટ ફેસ્ટિવલને જોવા માટે સવારથી જ લોકોની ભીડ જામી હતી. કાઈટ ફેસ્ટિવલમાં અવનવા પતંગો તેમજ જોકરો, ચામાચીડિયા અને G-20 થીમ પર આધારિત પતંગો આકાશમાં જોવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ પહોંચ્યા હતા. કાઈટ ફેસ્ટિવલમાં સેલ્ફી પોઇન્ટથી લઈ અને પતંગોની હિસ્ટ્રી, અનેક સ્ટોલ વગેરે મૂકવામાં આવ્યા છે અને લોકો તેની મજા માણી શકે છે. ત્યારે દિવ્ય ભાસ્કર આપને બતાવી રહ્યું છે કે, કાઈટ ફેસ્ટિવલમાં લોકો કેવી મજા માણી રહ્યા છે.
બાળકો માટે અલગ કાઈટ ફોટોસ ગેલેરી ઝોન
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા આ કાઈટ ફેસ્ટિવલ 2023માં રિવરફ્રન્ટના મોટા ગ્રાઉન્ડ ઉપર દેશ-વિદેશના પતંગબાજો અલગ અલગ પતંગો ચગાવે છે. જ્યારે લોકો બહાર ઊભા રહી અને આ પતંગબાજો દ્વારા આકાશમાં જે રીતે પતંગ ચગાવવામાં આવે છે તેની જોઈ મજા માણી શકે છે. કાઈટ ફેસ્ટિવલમાં નાના બાળકો માટે અલગ કાઈટ ફોટોસ ગેલેરી ઝોન બનાવવામાં આવ્યો છે. કાઇટ ફોટો ગેલેરીમાં નાના બાળકોથી લઈને મોટા 15 વર્ષ સુધીના બાળકો પતંગ તેમજ અન્ય ચિત્રો બનાવી શકે છે. નાના બાળકો અલગ અલગ કલર વાળા પેપર પર પતંગ પર ચિત્રો બનાવતા જોવા મળ્યા હતા. ઉપરાંત પતંગો પણ કેવી રીતે બનાવવામાં આવે છે તે પણ ત્યાં જોવા મળ્યું હતું. પેપર લઇ અને તેમાં કેવી રીતે લાકડાની સળી લગાવી અને પેપર બનાવવામાં આવે છે તે પણ જોવા મળે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ક્વિઝનું આયોજન
6 વર્ષથી લઇ અને 15 વર્ષ સુધીના બાળકો માટે સરદાર વલ્લભભાઈ પટેલને લગતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ક્વિઝનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રણવ અધ્યારૂ દ્વારા આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાર અલગ અલગ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલને લગતા પ્રશ્નોનો જવાબ બાળકો આપી શકે છે. બાળકો મોટી સંખ્યામાં આ ક્વિઝમાં ભાગ લેવા માટે થઈ અને ઉત્સાહિત હતા. ક્વિઝ શરૂ થયાના એક કલાકમાં જ 80થી વધુ બાળકો ભાગ લઈ ચૂક્યા હતા. જે પણ બાળકો આ ક્વિઝમાં ભાગ લે છે તેઓને સર્ટિફિકેટ અને પતંગ આપવામાં આવે છે.
પતંગોના ઇતિહાસની માહિતી મુકવામાં આવી
કાઈટ ફેસ્ટિવલમાં પતંગોના ઇતિહાસ વિશે પણ લોકો જાણી શકે છે. પતંગોની શરૂઆત ક્યારથી થઈ અને સેમા પતંગનો વપરાશ થતો હતો તેમજ પતંગો વિશેની અનેક માહિતી આ પતંગોના ઇતિહાસની માહિતી મુકવામાં આવી છે. કેવા કેવા પતંગોનો વપરાશ થતો હતો. ઉતરાયણ અને મકર સંક્રાંતિ એમ બે કેમ નામ છે. તેમજ ઉતરાયણ કઈ રીતે ઓળખાયું, ઊંધિયું અને જલેબી શા માટે ખાવાની પ્રખ્યાત છે વગેરેની માહિતી પણ લોકો મેળવી શકે છે. કાઇટ ફેસ્ટિવલમાં આ ઉપરાંત વિવિધ અલગ અલગ પ્રકારના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે. તેમાંથી લોકો ખરીદી કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.