અણઘડ નિર્ણય:અમદાવાદમાં AMTS અને BRTS એકાએક બંધ કરી દેવાના નિર્ણયની આકરી ટીકા, લોકોએ કહ્યું, 300 કમાનારાના 200 ભાડામાં ગયા!

અમદાવાદ8 મહિનો પહેલા
મધ્યમવર્ગી નોકરિયાત લોકો, વિદ્યાર્થીઓ અને ગરીબોને પારાવાર હાલાકી પડી હતી.
  • નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ, ગરીબોને રીક્ષાવાળાઓ-કેબ સર્વિસવાળાએ બરાબરના લૂંટ્યા, પેસેન્જરો પણ વધારે ભર્યા
  • સરકારમાં નિર્ણયશક્તિનો અભાવ હોવાનો લોકોએ બળાપો ઠાલવ્યો, 50% કેપેસિટીમાં બસ ચાલુ રાખવા માગણી

અમદાવાદ અને સુરત સહિત રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. પહેલા ચૂંટણીમાં સત્તા માટે સત્તાધારી ભાજપ અને પછી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હકડેઠઠ પ્રેક્ષકોને ભરી કમાઈ લેવાની ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની (GCA) ઘેલછા હવે રાજ્યના લોકોને ભારે પડી રહી છે. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાધારી ભાજપે ગુરુવારે સવારથી શહેરમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરી દીધી. આ કારણે મધ્યમવર્ગી નોકરિયાત લોકો, વિદ્યાર્થીઓ અને ગરીબોને પારાવાર હાલાકી પડી હતી. તેમાં પણ આજથી જ યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ કરાઈ હતી જેના કારણે લાંબા અંતરે રહેતા વિદ્યાર્થીઓ તો રીતસરના સલવાઈ ગયા હતા. આ અંગે DivyaBhaskar સાથેની વાતચીતમાં લોકોએ સરકારની આ અણઆવડત અને અણઘડ નિર્ણય અંગે રોષ ઠાલવ્યો હતો.

RTO સર્કલ જવા રિક્ષાવાળાને પૂછ્યું તો તેણે સીધા 100 રુપિયા માંગ્યાઃ નરેન્દ્ર જોશી
RTO સર્કલ જવા રિક્ષાવાળાને પૂછ્યું તો તેણે સીધા 100 રુપિયા માંગ્યાઃ નરેન્દ્ર જોશી

'રાતોરાત સરકારે આવો અણઘડ નિર્ણય લેવો ન જોઈએ'
ચેનપુર પાસે રહેતા નરેન્દ્રભાઈ જોશીએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, "હું ચેનપુર બસ સ્ટોપ પાસે રહું છું અને સવારે મેં ત્યાંથી RTO સર્કલ જવા રિક્ષાવાળાને પૂછ્યું તો તેણે સીધા 100 રુપિયા માંગ્યા. જ્યારે ઓલા-ઉબેરમાં તો અવેઈલિબિલિટી જ બતાવતી નહોતી. એપમાં બુકિંગ જ થઈ શકતું નહોતું. અગાઉ AMTS અને BRTS બસ સેવામાં 50% કેપેસિટીમાં પેસેન્જરોને લઈ જતા હતા તેવું કર્યું હોત તો સારું હતું.

તેમણે આગળ કહ્યું કે, આ તો લોકોને સીધી પારાવાર તકલીફ પડી ગઈ. રીક્ષામાં પણ સામે ચાર-ચાર લોકોને બેસાડે છે જેથી કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સિંગ તો જળવાતું જ નથી. સરકારે આવો કોઈ અણઘડ નિર્ણય લેવો ન જોઈએ. કોરોનામાં લોકો માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા તેના કારણે આટલો ફેલાયો છે. પરંતુ આવો રાતોરાત નિર્ણય લઈને પ્રજાને પારાવાર હાલાકી ન આપવી જોઈએ. સરકારમાં નિર્ણયશક્તિનો અભાવ હોય તેવું લાગ્યું. આ તો રોજના 300 રુપિયા કમાનારો માણસે 200 રુપિયા ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચવા પડે."

સરકારે બે-ત્રણ દિવસ સુધી એક સીટ પર એક વ્યક્તિને બેસાડીને બસો ચલાવી પછી બંધ કરવું જોઈએઃ બચુભાઈ
સરકારે બે-ત્રણ દિવસ સુધી એક સીટ પર એક વ્યક્તિને બેસાડીને બસો ચલાવી પછી બંધ કરવું જોઈએઃ બચુભાઈ

'રાતોરાત બસો બંધ ન કરાય, બે દિવસનો સમય આપવો જોઈતો હતો'
અમદાવાદના રહેવાસી બચુભાઈ રાવલે કહ્યું હતું કે, "કોઈ પણ પગલાં લેવા હોય તો સરકારે પહેલાં લોકોને સમય આપવો જોઈએ. લોકોને પારાવાર તકલીફો અને મુશ્કેલીઓ પડે છે. એકાએક ટ્રાન્સપોર્ટેશન સુવિધા કોર્પોરેશને બંધ કરી દીધી તેમાં તો રીક્ષાવાળાઓએ લૂંટ ચલાવવા માંડી. સામાન્ય લોકો જાય ક્યાં... ઊલટાનું બસમાં 50% કેપેસિટી સાથે મુસાફરોને લઈ જવા જોઈએ. સરકાર કોરોના વકરે તો પગલાં લે તેમાં વાંધો નથી... પણ સરકારે બે-ત્રણ દિવસ સુધી એક સીટ પર એક વ્યક્તિને બેસાડીને બસો ચલાવી પછી બંધ કરવું જોઈએ. સરકારે પબ્લિકનો વિચાર તો કરવો જોઈએ ને... આ તો પબ્લિકને મુશ્કેલી પડે છે, બંધ કરાય પણ રાતોરાત બંધ ન કરાય. લોકોને પણ વિચારવાની તક તો મળવી જોઈએ ને. રાતોરાત આવું પગલું ભરવાથી પબ્લિકને તકલીફ પડે... પડે.. ને પડે જ. "

આ બધું ઈલેક્શન અને મેચની લ્હાયમાં થયું છે, બસો બંધ ન કરાયઃ વિદ્યાર્થી
અમદાવાદના જ એક વિદ્યાર્થીએ બળાપો ઠાલવ્યો હતો કે, "AMTS અને BRTS બસની ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ કરી દીધી તેમાં વિદ્યાર્થી વર્ગને પણ પારાવાર તકલીફ પડી છે. અત્યારે GTUની પરીક્ષા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ દૂર-દૂરથી આવતા હોય છે. મારી જ વાત કરું તો હું મણિનગર રહું છું અને મારી કોલેજ આંબાવાડી છે, તો મારે કેવી રીતે જવાનું. રીક્ષાવાળાઓ તો અત્યારે લૂંટી રહ્યા છે અને અમને કોઈ સુવિધા પણ નથી. રાજ્ય સરકારે ઈલેક્શન વખતે અને મેચમાં કોઈ પગલાં લીધા નહીં અને હવે જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે. આવું ના કરવું જોઈએ."

લીમડીથી હાર્દિક પરમારે DivyaBhaskar સાથેની વાતચીતમાં ઉલ્લેખ કર્યો હતો કે, "એકાએક બસ સુવિધા બંધ થઈ ગઈ તેનાથી બહારગામથી અમદાવાદ ભણવા આવતા વિદ્યાર્થીઓ અને કામકાજ માટે આવતા લોકો અચાનક મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. અમારા ગામમાંથી જ ઘણા લોકો અમદાવાદ આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પણ હોય છે. ગામડેથી દૂરથી આવતા વિદ્યાર્થીઓએ બસમાં પાસ કઢાવ્યો હોય અને હવે બસો બંધ થઈ જાય તો તેમને પાસમાં પણ નુકસાન થાય. આ અંગે વિચાર કરવો જોઈએ."

અન્ય સમાચારો પણ છે...