હેલ્થ સેન્ટર પર હોબાળો:મફતમાં બુસ્ટર ડોઝ નહીં મળતાં લોકોએ હંગામો કર્યો, AMCએ 18થી 59 વર્ષના લોકોને રસી માટે મેસેજ કર્યા હતા

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી લોકોને કહી દેવાયું કે, 60 વર્ષથી ઉપરનાને મફતમાં બુસ્ટર ડોઝ અપાશે, દક્ષિણ ઝોનમાં ખુરશીઓ ઊછળી

મ્યુનિ.એ રવિવારે 18થી 59 વર્ષના લોકોને મફતમાં બુસ્ટર ડોઝ આપવાનો મેસેજ કર્યો હતો. જેને પગલે અર્બન હેલ્થ સેન્ટરોમાં રસી માટે લાઈનો લાગી ગઈ હતી. પાછળથી ખબર પડી કે 60 વર્ષથી ઉપરનાને મફતમાં બુસ્ટર ડોઝ અપાશે. જેથી કેટલાક સેન્ટર પર લોકોએ હોબાળો મચાવ્યો હતો. દક્ષિણ ઝોનમાં તો ખુરશીઓ ઉછળી હોવાનું સ્થાનિક આગેવાનોએ સ્વીકાર્યું હતું.

શહેરમાં હજુ પણ 5 લાખથી વધુ લોકોએ એવા છે જેમણે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી. રવિવારે રસીકરણ માટે મ્યુનિ.એ મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું. 60થી વધુ વર્ષનાને બુસ્ટર ડોઝ આપવા મ્યુનિ. હેલ્થ સેન્ટરો પર વ્યવસ્થા કરાઇ હતી. આ માટે લોકોને અગાઉથી મેસેજ પણ કરી દેવાયા હતા. મ્યુનિ.એ 18થી 59 વર્ષના લોકોને પણ બુસ્ટર ડોઝ માટે મેસેજ મોકલ્યા હતા. આ લોકો મફતમાં બુસ્ટર ડોઝ લેવા હેલ્થ સેન્ટર પર પહોંચી ગયા હતા.

કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી તેમને કહેવાયું કે, 18થી વર્ષથી ઉપરના લોકોને મફતમાં બુસ્ટર ડોઝ નહીં મળે. તેમણે ખાનગી હોસ્પિટલમાં નાણાં ખર્ચીને બુસ્ટર ડોઝ લેવાનો છે. જેના પગલે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મામલો વધુ ઉગ્ર બનતાં ઉચ્ચઅધિકારીઓ સહિત સ્થાનિક રાજકીય આગેવાનો હેલ્થ સેન્ટર પર દોડી આવ્યા હતાં અને 18 વર્ષથી ઉપરના વ્યક્તિને બુસ્ટર ડોઝ આપવાનો મેસેજ ભૂલથી થયો હોવાનું સ્વીકારી પરત જવા વિનંતી કરી હતી. મ્યુનિ. હેલ્થ અધિકારી ભાવિન સોલંકીએ કહ્યું કે, 11.30 વાગે લોકોને ફરીથી મેસેજ મોકલી સ્પષ્ટતા કરી હતી કે, બુસ્ટર ડોઝ 60થી વધુની વયના લોકો માટે છે.

મેગા ડ્રાઈવમાં માત્ર 48 હજારને રસી અપાઈ
રવિવારે રસીના મહા અભિયાન હેઠળ સવારે 9થી સાંજે 5 સુધીમાં 48 હજાર લોકોને રસી અપાઈ હતી. 1,811એ પ્રથમ, 31,496એ બીજો અને 14,927 લોકોને પ્રિકોશન ડોઝ અપાયો હતો. બુસ્ટર ડોઝ માટે હેલ્થ સેન્ટરો પર સવારથી લાંબી લાઈનો લાગી ગઈ હતી.

ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેનને કોરોના
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 કેસ નોંધાયા છે. 16 દિવસ પછી કોરોનાના કેસનો આંક ઘટીને 5એ પહોંચ્યો છે. અગાઉ 6 મેના રોજ 5 કેસ નોંધાયા હતા. બોડકદેવના કોર્પોરેટર અને ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...